ફરાળી નાનખટાઈ

સામગ્રી : 1 કપ રાજગરાનો લોટ, અડધો કપ ઘી, અડધો કપ દળેલી ખાંડ, 1 ચમચી એલચી પાઉડર, 1 ચમચી બેકિંગ પાઉડર, ચપટી બેકિંગ સોડા, 3 ચમચી કોપરાનું છીણ, કાજુ 10 નંગ, બદામ, પિસ્તાંની કતરણ, જરૂર પૂરતું દૂધ

રીત : સૌ પ્રથમ એક કડાઈમાં ઘી મૂકી કાજુને ગુલાબી સાંતળી લો. પછી એક બાઉલમાં ઘી લો. તેમાં દળેલી ખાંડ નાખી 10 મિનિટ હલાવો. હવે તેમાં રાજગરાનો લોટ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, એલચી પાઉડર, બદામ, પિસ્તાંની કતરણ અને જરૂર પૂરતું દૂધ નાખી નરમ કણક બાંધો. તેમાંથી નાના ગોળા વાળી ઉપરથી સહેજ દબાવી નાનખટાઈનો સેપ આપો. ત્યારબાદ સાંતળેલા કાજુને ઉપર દબાવી સહેજ પ્રેસ કરો. હવે ઓવનમાં 180 ડિગ્રી તાપમાન પર નાનખટાઈને બેક કરો.

ફ્લાવરના કબાબ

સામગ્રી : 250 ગ્રામ ફ્લાવર, 2 નંગ ડુંગળી, 2 નંગ લીલાં મરચાં, જરૂર મુજબ કોર્નફ્લોર, તળવા માટે તેલ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ચાટમસાલો

રીત : સૌ પ્રથમ એક ચોપરમાં ડુંગળી, લીલું મરચું નાખી ક્રશ કરી લો. પછી ફ્લાવરને પણ ચોપરમાં ક્રશ કરી લો. ત્યારબાદ એક બાઉલમાં ડુંગળી, ફ્લાવરને લો. તેમાં ઝીણી સમારેલી કોથમીર, મરચું, હળદર, ધાણાજીરું, મીઠું અને ચાટમસાલો નાખો. પછી તેમાં જરૂર પ્રમાણે કોર્નફ્લોર નાખી સરખી રીતે મિક્સ કરો. હવે હાથમાં તેલ લગાવી કબાબ વાળો. એક કડાઈમાં તેલ ગરમ કરો. બધા કબાબને તેલમાં ગુલાબી તળી લો. જો તળવા ન હોય તો પેનમાં થોડું તેલ મૂકી સેલો ફ્રાય પણ કરી શકાય. કબાબને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રતાળુ ચિપ્સ

સામગ્રી : 250 ગ્રામ રતાળુ, ચાટમસાલો, 1 ચમચી મરી પાઉડર, તળવા માટે તેલ

રીત : સૌ પ્રથમ મોટા દળવાળા રતાળુ લો. રતાળુને સારી રીતે ધોઈ છાલ કાઢી લો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. કડાઈ ઉપર ચિપ્સનુ મશીન મૂકી રતાળુની ચિપ્સ પાડો. મીડિયમ તાપે ગુલાબી ચિપ્સ થાય એટલે તેને ડિસમાં કાઢી લો. હવે તેના પર મરી પાઉડર અને ચાટમસાલો છાંટો, તો તૈયાર છે ક્રિસ્પી રતાળુ ચિપ્સ.

જુવાર ખીચડી

સામગ્રી : 1 વાટકી જુવાર, 2 ચમચી ઝીણાં સમારેલાં ટામેટાં, 2 ચમચી ઝીણાં સમારેલાં ગાજર, 2 ચમચી ઝીણાં સમારેલાં કેપ્સિકમ, 2 ચમચી સિંગદાણા, મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, તેલ, કોથમીર

રીત : સૌ પ્રથમ જુવારને પાણીથી ધોઈ, મીઠું નાખી કૂકરમાં બાફી લો. ત્યારબાદ બધાં શાકભાજીને અધકચરાં બાફી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી, સિંગદાણા પણ ઉમેરો. બાફેલા શાકભાજીને નાખી હલાવી લો. છેલ્લે બાફેલી જુવારને પણ તેમાં નાંખો. પછી મરચું, હળદર, ધાણાજીરું નાખી હલાવો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરો. તો હેલ્ધી નાસ્તો તૈયાર છે.