મહાભારતના `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મે અનેક જગ્યાએ લીડરને સલાહ આપી કે લીડરે ત્યાગને અત્યંત મહત્ત્વ આપવું. સાથે જ ત્યાગ એટલે શોનો? અને ત્યાગ કરવાની રીતો કઈ એ વિશે પણ વિવિધ રીતે સમજાવ્યું છે.

તેઓ માને છે કે ત્યાગ વ્યક્તિગત સ્તર પર લીડરને અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી બનાવે છે. બીજી તરફ જે લીડર ત્યાગને નથી અપનાવતો અને મોહના પાશમાં જકડાય છે તો મોહ તેનું અનેક રીતે, અનેક તબક્કે પતન કરે છે. એટલે લીડર માટે ધૈર્યવાન, સ્થિતપ્રજ્ઞ તેમજ સામર્થ્યવાન બનવું હોય તો તેને ત્યાગને અપનાવવો પડશે, પરંતુ અહીં તકલીફ બે રીતે થાય છે. એક રીતે એ કે લીડર ત્યાગની જગ્યાએ ત્યાગનાં પ્રતીકોને અપનાવી લે છે, તો બીજી બાબત એ કે પોતે ત્યાગી છે એનો પણ લીડર અત્યંત ગર્વ કરે છે, જે અંતતઃ તો અહમ્ જ છે.

એટલે જ આ બંને સંદર્ભો ભીષ્મ યુધિષ્ઠિરને સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપે છે. તેઓ કહે છે કે લીડર તો ઠીક અનેક સંન્યાસીઓ પણ ત્યાગનાં પ્રતીકો ધારણ કરીને જીવનભર ભટકતા રહે છે. લોકોને બતાવતા રહે છે કે તેઓ ત્યાગી છે, પરંતુ ભગવાં વસ્ત્ર પહેરવાથી કે હાથમાં કમંડળ લઈ લેવાથી સંન્યાસી કે ત્યાગી બની શકાતું નથી. ત્યાગ તો આચરણ છે અને એ આચરણ તલવારની ધાર પર ચાલવા જેવું છે. એના માટે ધીરજ જોઈએ, ત્યાગ માટે સહનશીલતા જોઈએ અને ખાસ તો ત્યાગ માટે અહમશૂન્યતા જોઈએ. તેઓ કહે છે કે ધીરજ, સહનશીલતા કે અહમશૂન્યતાને પ્રાપ્ત કરવું કંઈ કાચાપોચાનું કામ નથી. વળી, આ ત્રણેય ગુણધર્મોને પ્રતીકો સાથે કોઈ નિસ્બત નથી.

એટલે જ આ દુનિયામાં અનેક લોકો એવા જડી આવે છે, જેઓ સંન્યાસી દેખાતા હોવા છતાં ત્યાગી નથી હોતા અને અનેક એવા લોકો પણ જોવા મળે છે, જેઓ સંસારમાં રહીને ત્યાગ કરી જાણે છે. અહીં ભીષ્મ બીજો મુદ્દો સમજાવે છે ત્યાગના ગૌરવનો. તેઓ કહે છે કે અનેક લોકોને એવી પણ ટેવ હોય છે કે તેઓ પોતાના ત્યાગને કે પોતાના સંઘર્ષોને બીજાઓ સામે અત્યંત ગૌરવપૂર્વક રજૂ કરતા હોય છે. તેમને એવી ટેવ જ પડી ગઈ હોય છે કે દરેક વાતે પોતાના ત્યાગ કે સંઘર્ષની બિરદાવલી શરૂ કરી દેવાની. જેમાં એક્ચ્યુઅલમાં તો તેમણે કોઈ નોંધપાત્ર ત્યાગ કે સંઘર્ષ કર્યો જ નથી હોતો, પરંતુ બસ પોતાને મોટા, પોતાને મહાન ચીતરવાની તેમને આદત હોય છે. આ આદતથી નક્કી થાય છે એ માણસ મીડિયોકર છે અથવા તો ખોખલો છે. એટલે એનો અર્થ એ પણ થયો કે એ વ્યક્તિ કંઈ સારો અથવા શ્રેષ્ઠ લીડર નથી.

જોકે, આ બધામાં ત્યાગ એટલે શું એ પણ સમજવા જેવું છે. આખરે ત્યાગની આટલી બધી વાતો થાય છે તો ત્યાગ એટલે શું એ તો ખબર હોવી જોઈએને? તો આ બાબતે ભીષ્મ કહે છે કે ક્રોધ, વાસના, સ્વાદ અને મનોરંજનનો તો ત્યાગ ખરો જ, પરંતુ આ બધા સાથે પોતાની સંસ્થા કે પોતાના કામ કે પોતાની જવાબદારીની સામે પોતાની જાતનો પણ ત્યાગ. ભીષ્મ કહે છે કે પોતાની સંસ્થા કે પોતાના કામ કે પોતાની જવાબદારીઓના વહન દરમિયાન મારું મારું કરતો કે હું હું કરતો લીડર હંમેશાં સામાન્ય કક્ષાનો માણસ રહે છે. એની સામે જે લીડર પોતાના કામ કે પોતાની જવાબદારીઓની સામે પોતાની પીડાઓ, પોતાના લાભ-ગેરલાભનો કે પોતાના યોગદાનના વિચારનો લોપ કરીને સતત પોતાનું કામ આગળ ધપાવતો રહે છે એ લીડરે તેની જાતનો પણ ત્યાગ કરી દીધો કહેવાય અને આવા લીડર્સને જ અપ્રતીમ પરિણામો મળતાં હોય છે.

પરંતુ ભીષ્મ કહે છે એમ મોટાભાગના લોકો પોતાની જાતથી આગળ કોઈ જ બાબતને નથી મૂકતા. પોતાના કામને પણ નહીં. આ કારણે પછી તેઓ એકાગ્ર રહી શકતા નથી, શુદ્ધ વિઝન સાથે કામ કરી શકતા નથી કે પછી પવિત્ર આચરણ સાથે મહેનત કરી શકતા નથી. પછી છેલ્લે ઊંધા માથે પટકાય અથવા સામાન્ય કક્ષાના રહી જાય ત્યારે આ જ લોકો પાછા રોદણાં રડતા હોય છે કે તેમની મહેનતનું કે તેમના એફર્ટ્સનું ફળ તેમને ન મળ્યું. પણ ક્યાંથી મળે? જો સાચી દિશામાં પ્રયત્નો જ ન થયા અને બધે પોતાની જાતને આગળ રાખીને હોશિયારીઓ મારી હોય, અભિમાન કર્યાં હોય તો પાછળ રહી જ જાઓને.