જરા આજુબાજુ જુઓ. ભારત અને દુનિયામાં શું થઇ રહ્યું છે એ જુઓ. ભારત નામના મુલકમાં પ્રવર્તમાન શતપરિમાણીય મહાભૂતોની અપંચીકૃત હાલતમાં અમાપ અને અમૂર્ત એવી સદંતર અવ્યવસ્થાનું તિકડમ બાજી રહ્યું છે. પરીક્ષામાં સારા માર્ક્સ લાવતા ગોખણીયા પણ હોંશિયાર ને ક્લાસ ટીચરના વહાલા વિદ્યાર્થીની ભાષા મુકીએ અને રેન્ચોની ભાષામાં કહીએ તો બહાર બધે chaos-કેઓસનું વાતાવરણ છે. ઉદિત નારાયણની ગેરવર્તણુંકથી લઈને સ્ટેન્ડ અપ કોમેડીયનોના બકવાસ સુધી ઘણું બધું ચાલી રહ્યું છે જે આપણા સૌનું ધ્યાન ચિલ્લાઈ ચિલ્લાઈને ખેંચી રહ્યું છે. મોટેરાઓ પણ રીલ ને ઈન્સ્ટાગ્રામ નથી છોડી શકતા તો કુમળી વયના બોર્ડના વિદ્યાર્થીઓનું મન લલચાય એ સ્વાભાવિક છે. એમાં એ બાળકોનો વાંક નથી.

પણ અમુક ઘરો એવા છે જે ઘરોમાં રેલ્વેફાટક બંધ કરતા કામદારની કેબીનની જેવી શાંતિ છે, ઘરના દરેક સભ્યો એકબીજા સાથે વાતચીત પણ સાવ ઓછી અને જરૂર પુરતી કરે છે, ફોર્મલ લાગે એવા પરાણે સ્માઈલ અપાતા રહે છે, ઉપરાંત ઘરનો દરેક ખૂણો સાવ સુસ્ત અને બેજાન બની ગયો છે. અને આ ઘરો એટલે કયા? ના, ગરીબ કે પછાત રહી ગયેલા કોઈ વર્ગની વાત નથી, આ બધા ઘરો એટલે તે કુટુંબો જેમના બાબા કે બેબી આવતા મહીને બોર્ડ એકઝામ્સમાં બેસવાના છે!

પરીક્ષાનો હાઉ ઉભો કરવામાં પરીક્ષા નહિ પણ આસપાસના લોકો વધુ જવાબદાર છે. પરીક્ષા વખતે તેઓ કશું પણ ‘નોર્મલ’ રહેવા જ નથી દેતા. સગા-સબંધીઓ-વડીલો-મિત્રો ઘરે આવીને ચોકલેટ-પેનની ગીફ્ટની સાથે ‘બેસ્ટ ઓફ લક’ કહી જાય અને સાથે અમુક સલાહોનો પડિયો પણ ધરતાં જાય. ઘરમાં ટીવી-મુવીઝ તો બંધ જ થઇ ગયા હોય, બધા ગંભીર મોઢે હોય, હસતા હોય તો પણ અતિશય ફોર્મલ લાગે એવું વર્તન હોય, અને છેલ્લા દિવસની તૈયારીઓ સંબંધિત જાત જાતના સેમીનાર ગોઠવાવા મંડ્યા હોય, છાપાથી લઇને ટીવી સુધી નિષ્ણાતો આપઘાત રોકવા અને ડીપ્રેશનનો ભોગ બનતો અટકાવવા જાતભાતના પ્રોગ્રામ્સ ચાલુ કરી નાખ્યા હોય. ટૂંકમાં, વિદ્યાર્થીની આજુબાજુનું વાતાવરણ નોર્મલ રહે જ નહિ.

વિરાટવાચકોમાંના વિદ્યાર્થીમિત્રો, પહેલી વાત એ કે સફળ માણસ અને અ-સફળ માણસમાં ફર્ક હોય એ છે કે નિષ્ફળ વ્યક્તિએ વિદ્યાર્થી થવાનું બંધ કરી દીધું હોય છે. સતત શીખતા રહેવું પડે, સતત નવું નવું જાણતા રહેવું પડે, સતત દરેક કલાકે અપડેટેડ રહેવું પડે. એ જ માણસ આગળ નીકળી શકે, બીજાથી જુદો તરી આવે. એક-બે અઠવાડિયા પછી તમારી લેખિત પરીક્ષા છે, એની ના નહિ પણ એ પરીક્ષા તમારી જિંદગી નક્કી કરતી નથી. જો કોઈએ એવું તમને કીધું હોય કે બોર્ડની એક્ઝામ અચૂકપણે તમારી જિંદગી બદલાવી નાખે, તો કાં તો એ માણસ ખુદ બેવકૂફ છે અથવા તમને બેવકૂફ બનાવે છે.

દસમું-બારમું બોર્ડ જિંદગી તો શું કારકિર્દી પણ અફર રીતે નક્કી કરી શકતું નથી. હવે હજારો કોલેજીસ છે, ડીમ્ડ યુનીવર્સીટીઝનો રાફડો ફાટ્યો છે, દર બીજી મહાવિધ્યાલય કોરસપોન્ડન્સ કોર્સ ઓફર કરી રહી છે અને કોમ્પીટીટીવ ઉપરાંત એન્ટ્રન્સ એક્ઝામ દર અઠવાડિયે હોય છે. ટૂંકમાં, માની લો કે બોર્ડમાં સારું રીઝલ્ટ ન આવ્યું તો ફક્ત એક દરવાજો જ બંધ થાય છે, બીજા પાંચસો પંચોતેર રસ્તાઓ તો ખુલ્લા જ છે. હવેના દોરમાં, બોર્ડ એકઝામ્સનું મહત્વ અને ડર એટલો રહ્યો હશે પણ એની કોન્ક્રીટ અસર પહેલા જેટલી રહી નથી, તે હકીકત છે. ગમે ત્યાં ઉભા રહો, જ્યાં ઉભા છો ત્યાંથી દસે દિશાઓમાં તક છે, તમે ધારો એવી તક છે, જો લેતા આવડે તો.

આનો મતલબ હરગીઝ એ નથી થતો કે બોર્ડ એક્ઝામને સીરીયસલી ન લેવી. સીરીયસલી કરતા પણ સિન્સીયરલી લેવી વધુ હિતાવહ, પરંતુ બોર્ડથી જ તમારી લાઈફ-કરીઅર નક્કી થશે એવું નથી રહ્યું. બાળકને સમજ્યા વિના સાવ બેકાર એજ્યુકેશન સીસ્ટમ આપણે ત્યાં વર્ષોથી છે, અને એ રહેવાની છે જેમાં આપણે કઈ કરી શકવાના નથી. પણ, એ શિક્ષણ પદ્ધતિને કોસવા કરતા, જે આપણા હાથમાં છે એમાંથી રસ્તો કાઢતા આવડવું જોઈએ. પોતાની અંદર રહેલી ક્રિએટીવીટી અને કુતુહલને આ કહેવાતી પરીક્ષા મારી ન નાખવા જોઈએ. ભણ્યા રહેવા કરતા શીખતા રહેવું જિંદગીના કોઈ પણ તબક્કે વધુ ફળદાયી નીવડશે. માટે છેલ્લી ઘડી સુધી ચોપડીમાં મોઢું ઘાલીને વાંચ્યા રાખવા કરતા, બિંદાસ હસતા-રમતા કોન્ફીડન્સથી એક્ઝામ આપીએ તો વધુ સારું રીઝલ્ટ આવશે. આદિત્ય બિરલાનો છોકરો કુમાર મંગલમ બિરલા, એની બોર્ડ એક્ઝામ વખતે બે મહિના સખત બીમાર હતો. એ તો અબજોપતિ, પરીક્ષા ન આપે તો પણ ચાલે, તો પણ જીવલેણ બીમારીમાંથી બેઠા થઇને પરીક્ષા આપીને ક્લાસમાં ટોપ કર્યું તેમણે. શું કામ ટોપ કરી શક્યા તે ભાઈ? કારણ કે, ડર્યા વિના, આ પરીક્ષામાં નહિ ઉકાળી શકીએ તો બીજા પચાસ રસ્તાઓ છે એવા એટીટ્યુડ સાથે કોન્ફીડન્સ રાખ્યો માટે. આ પ્રસંગનો સાર એ કે પરીક્ષાનું મહત્વ તો છે જ પણ સાથે તમારી ટેલેન્ટની તમે ખુદે કેટલી ધાર કાઢી છે તેનું પણ મહત્વ પુરતું છે.

‘કોઈ ચાન્સ લાસ્ટ નહિ, સેકન્ડ લાસ્ટ હોતા હૈ’ (પરીણીતી ચોપરાનો ડાયલોગ છે. ફિલ્મનું નામ શું? કહો જોઈ!) યસ, કોઈ એક્ઝામ છેલ્લી નથી હોતી, તો એમાં સફળ જઈએ તો કોન્ગ્રેચ્યુલેશન્સ ઓફ કોર્સ, પણ ન જઈએ તો જિંદગીમાં અગણિત પરીક્ષાઓ આવશે જ અને તે નેક્સ્ટ માટે ઓલ ધ બેસ્ટ! આ વખતે કેટલા ‘કુલ’ સ્ટુડન્ટસ હસતા-રમતા એક્ઝામ આપતા નજરે ચડે છે