એક કહેવત છે કે, નામમાં શું રાખ્યું છે? પણ હકીકતમાં જો કોઇ વ્યક્તિનું નામ હોય તો જ ખબર પડે કે તે કોણ છે અને શું છે? અલબત્ત, કોઇ જગ્યા કે સ્થળનું નામ હોવું પણ ખૂબ જરૂરી છે, પરંતુ ભારતના પશ્ચિમ બંગાળમાં બર્દવાન શહેરથી અંદાજિત 35 કિમી. દૂર એક રેલવે સ્ટેશન આવેલું છે, જેનું નામ વર્ષ 2008 પછી કંઇ જ નથી! એટલે કે હાલમાં આ રેલવે સ્ટેશનને કોઇ જ સ્થાયી કે કોઇ પ્રકારનું નામ આપવામાં આવેલું નથી. અહીંના સ્ટેશન બોર્ડ પર માત્ર પીળો પટ્ટો જ જોવા મળે છે! મૂળ આ સ્ટેશન રૈના અને રૈનાગર ગામડાંઓની વચ્ચે આવેલું છે. અલબત્ત, આ બંને ગામના લોકો આ સ્ટેશનને પોતાના ગામના નામ પરથી રેલવે સ્ટેશનનું નામ રાખવાની ઇચ્છા ધરાવે છે. જોકે, વર્ષ 2008માં ભારતીય રેલવેએ તેને `રૈનાગર' નામ આપ્યું હતું, પરંતુ સ્થાનિક લોકોએ આ નામનો જોરશોરથી વિરોધ કર્યો હતો અને રેલવે વિભાગને આ નામ રદ કરવાની રજૂઆત કરી હતી, તેથી હવે આ રેલવે સ્ટેશનને કયું નામ આપવું તે માટે સમગ્ર મામલો કોર્ટના શરણે આવ્યો છે. જોકે, હજી સુધી આ રેલવે સ્ટેશનને કોઇ નામ મળ્યું નથી, પરંતુ ટિકિટ પર `રૈનાગર' છાપવામાં આવે છે.

આને કહેવાય દંડ : પોદળા 9000 રૂ.માં પડ્યા

આપણે હંમેશાં સ્વચ્છતાના આગ્રહી રહ્યા છીએ. આપણે આપણાં બાળકોને પણ હંમેશાં સ્વચ્છતા જાળવવાનું અને જ્યાં ત્યાં ગંદકી ન કરવાનું તેમજ કચરો હંમેશાં કચરાપેટીમાં જ નાખવાનું કહેતા હોઇએ છીએ. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ સ્વચ્છતાને લઇને એક ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં નગર નિગમવાળાઓએ સાર્વજનિક સ્થળ પર ગંદકી ફેલાવવાના ગુનામાં એક ભેંસના માલિક પર 9000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમની ભેંસ જપ્ત પણ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ગ્વાલિયરના તાનસેન નગરના વિસ્તારમાં સરકારી સફાઇ અધિકારીઓએ જોયું કે નંદકિશોર નામની વ્યક્તિની ભેંસ સાર્વજનિક સ્થળે બાંધવામાં આવી છે અને તેની આસપાસ પોદળા પડ્યા હતા! આ દરમિયાન નગર નિગમની ટીમે પહેલાં ભેંસના માલિકને સ્થળે બોલાવ્યો અને ગંદકી ફેલાવવા માટેનો 9000 રૂપિયાનો દંડ પણ વસૂલ્યો અને તેની ભેંસ પણ જપ્ત કરી લીધી. ભેંસ માલિક નંદકિશોરે પોતાની ભૂલ સ્વીકારી, માફી માંગી અને દંડની ભરપાઇ પણ કરી. જોકે, નગર નિગમે તેને કોઇ રાહત આપી નહીં અને ભેંસને ઢોરવાડામાં મોકલી આપી. નોંધનીય છે કે, નગર નિગમ આવા કડક પગલાં લઇને સ્વચ્છતા જાળવી રહ્યું છે.

સુંદરતા માટે માણસની ચરબીનો ઉપયોગ!

કોઇ ગમે તેટલું કરે, પરંતુ ઉંમરને રોકી શકાતી નથી. ઉંમર વધતાંની સાથે તેની અસર તમારા ચહેરા અને શરીર પર સ્પષ્ટ દેખાતી હોય છે. તેમ છતાં મોટાભાગના લોકો પોતાની ઉંમર છુપાવવા અને સુંદરતા જાળવવા બોટોક્સનાં ઈન્જેક્શન અથવા તો અન્ય કોઇ સપ્લિમેન્ટ્સના ઉપયોગ કરતા હોય છે. અમેરિકામાં રહેતી માર્સેલાના ઇગ્લેશિયસે પણ આવું જ કંઇક કર્યું છે. તેણે પોતાની વધતી જતી ઉંમરને રોકવા માટે માણસોની ચરબીનાં ઈન્જેક્શન લગાવ્યાં છે, જે માટે તેણે લાખો રૂપિયા પણ ખર્ચી નાખ્યા છે. માર્સેલાનાના કહેવા પ્રમાણે આ પ્રકારની ચરબી લગાવવાથી તે વધુ સુંદર અને યુવાન લાગી રહી છે. 47 વર્ષની માર્સેલાના પોતાની જાતને બાર્બી ડોલ સમજી રહી છે! તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની ટ્રીટમેન્ટથી તે પ્રાકૃતિક ફેટ મેળવી શકે છે અને વધુ ને વધુ યુવાન બની શકે છે. માર્સેલાનાએ પોતાની જાતને વધુ સુંદર અને યુવાન બનાવવા માટે અત્યાર સુધી કુલ 95 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. ટૂંકમાં, વિશ્વભરમાં આવા કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં લોકો હવે આવા પ્રયોગો કરતાં પણ ખચકાતા નથી.