અરીસાનો ઇતિહાસ રસપ્રદ છે ઘરેથી બહાર નીકળતી વખતે, વાળ ઓળાવતી વખતે, નવાં કપડાં ટ્રાય કરતી વખતે કે પછી ખુદને જ પેમ્પર કરવા માટે આમ અનેક વખત આપણે અરીસામાં પોતાને જોઈએ છીએ. જરા વિચારી જુઓ કે કયો દિવસ તમારો એવો ગયો છે કે જ્યારે તમે અરીસામાં ન જોયું હોય! અરીસો આપણી દિનચર્યાનો એક ભાગ બની ગયો છે, પરંતુ ક્યારેય વિચાર્યું કે આખરે આ અરીસાની શોધ કોણે કરી? અરીસો નહોતો ત્યારે લોકો પોતાનો ચહેરો જોવા શું કરતા હતા? અરીસો શોધાયા પછી કોણે પહેલી વખત પોતાનો ચહેરો તેમાં જોયો? મોટાભાગના લોકો આ સવાલોના જવાબોથી અજાણ જ છે, તેથી અરીસા સાથે જોડાયેલી કેટલીક રોમાંચક વાતો જાણીએ.

અરીસાની શોધ કોણે કરી?

કહેવાય છે કે અત્યારે ઉપયોગમાં લેવાય છે તેવા અરીસાની શોધ ઈ.સ. 1835માં જર્મન રસાયણ વિજ્ઞાની જસ્ટન વોન લિબિગે કરી હતી. તેમણે કાચની એક બાજુની સપાટી પર મેટાલિક સિલ્વરનું એક પાતળું પડ લગાવ્યું અને અરીસો બની ગયો. જોકે, આ પહેલાં પણ અરીસાનું ચલણ નહોતું. ખાસ કરીને ગરીબો પાસે અરીસા નહોતા. તેઓ પાણીમાં પોતાનો પડછાયો જોતા હતા. તે સમયે ઘરમાં અરીસાનું હોવું એ લક્ઝરિયસ મનાતું હતું.

અરીસાનો ઇતિહાસ

ઈ.સ. 1835ના શરૂઆતના દોરમાં અરીસા દુર્લભ હતા. આ દર્પણ પોલિશ કરવામાં આવેલા ઓબ્સિડિયનથી બનેલા હતા. એક જાણકારી અનુસાર આ પ્રકારના દર્પણનો ઉપયોગ આજથી લગભગ 8 હજાર વર્ષ પહેલાં એનાટોલિયામાં કરવામાં આવતો હતો કે જે અત્યારે તુર્કીના નામથી ઓળખાય છે.

પ્રાચીન મેક્સિકોના લોકો પણ આ પ્રકારના અરીસાનો ઉપયોગ કરતા હતા. રસપ્રદ વાત તો એ છે કે તે સમયમાં અરીસાને લોકો જાદુઈ ઉપકરણ માનતા હતા કે જેના દ્વારા દેવતાઓ અને તેમના પૂર્વજોની દુનિયાને પણ જોઈ શકાય છે. હોરર ફિલ્મોમાં તમે જોયું જ હશે કે અરીસા દ્વારા તમે બીજી દુનિયામાં જઈ શકો છો! આ આઈડિયા કદાચ અહીંથી જ આવ્યો હશે!

4000થી 3000 ઈ. પૂર્વે તાંબાને પોલિશ કરીને બનાવવામાં આવેલા અરીસા મિસ્ર અને મેસોપોટેમિયા (અત્યારનું ઈરાક)માં બનાવવામાં આવ્યા હતા. જ્યારે દક્ષિણ અમેરિકામાં આશરે 1000 વર્ષ પછી પોલિશ કરવામાં આવેલા પત્થરમાંથી અરીસા બનાવવામાં આવ્યા હતા.

રોમન લેખક પ્લિની-ધ-એલ્ડરે પહેલી શતાબ્દી ઈ.સ.માં કાચના દર્પણનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ એવું કહેવાય છે કે આજકાલના અરીસાઓની જેમ પ્રતિબિંબ દેખાતું નહોતું તથા તે આકારમાં બહુ નાના હતા.

જે રીતે આજે આપણે અરીસામાં સ્પષ્ટ ચહેરો જોઈ શકીએ છીએ, તેના માટે લોકોએ ઈ.સ. 1835 સુધી રાહ જોવી પડી છે. અત્યાર જેવો અરીસો નહોતો ત્યારે લોકો પોતાનો ચહેરો જોવા શું કરતા? 

સૌથી પહેલાં લોકો પોતાનો ચહેરો પાણીમાં જોતા હતા. તળાવો, નદીઓ કે પછી વાસણમાં પાણી ભરીને પોતાનો ચહેરો જોતા હતા.

ત્યારબાદ લોકો ચીકણા પત્થરોનો ઉપયોગ કરવા લાગ્યા. આ પત્થર પાણીથી ચીકણા થઈ જતા અને તેમાં લોકોને પોતાની આછી છાયા જોવા મળતી હતી.

પછી ધાતુઓનો ઉપયોગ શરૂ થયો. ચહેરો જોવા માટે તાંબા અને કાંસાનો ઉપયોગ કરવામાં આવતો. આ ધાતુઓને ચીકણી કરીને તેમાં લોકો ચહેરો જોતા હતા.

અરીસાની ખરી શોધ તો ત્યારે થઈ જ્યારે રેત અને અમુક ખાસ પ્રકારના ખનિજો ભેળવીને તેને ગરમ કરવાનું શરૂ કરવામાં આવ્યું. આ પ્રક્રિયાથી એક પારદર્શક પદાર્થ બનતો હતો જેને કાચ કહે છે. કાચ બનાવવામાં પ્રાચીન મિસ્રવાસીઓએ સૌ પ્રથમ સફળતા મેળવી હતી. તેમણે કાચનો ઉપયોગ આભૂષણો અને અરીસો બનાવવામાં કર્યો હતો.

કહેવાય છે કે રોમન સભ્યતામાં અરીસાનો વ્યાપક ઉપયોગ શરૂ થયો હતો. રોમનોએ અરીસાનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું હતું અને તેનો ઉપયોગ બારીઓ તથા સજાવટની વસ્તુઓમાં કર્યો હતો.

સમયની સાથે અરીસો બનાવવાની ટેક્નિકમાં પણ સુધારો થતો ગયો. આજકાલ અરીસા બનાવવા માટે અલગ-અલગ પ્રકારની રેત અને ખનિજોનો ઉપયોગ કરવામાં આવે છે.

પહેલીવાર અરીસામાં પોતાનો ચહેરો કોણે જોયો હતો?

પહેલીવાર અરીસામાં પોતાનો ચહેરો કોણે જોયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એવી માન્યતા છે કે અરીસામાં પહેલી વખત પોતાનો ચહેરો જોનાર વ્યક્તિનું નામ તેબિલી હતું. ત્યારબાદ તેના કબીલાના સરદાર પુયાએ અરીસામાં પોતાનો ચહેરો જોયો અને તે જોતાં જ ખુશીથી ઊછળી પડ્યો. પછી તેણે તેબિલીના હાથમાં અરીસો પકડાવી દીધો અને અલગ-અલગ એંગલથી, દૂર-નજીકથી પોતાનું પ્રતિબિંબ તેમાં જોવા લાગ્યો. જોકે, આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે પુયાએ તેને મનુષ્ય માટે ખતરનાક જણાવીને પાછો આપી દીધો, પરંતુ જેક હાઈડ્સે તેને પોતાનું અપમાન સમજ્યું. પુયાનું માનવું હતું કે અરીસો કોઈ જાદુઈ વસ્તુ છે, જે તેમના પૂર્વજો લાવ્યા હતા. જ્યારે જેક હાઈડ્સનું માનવું હતું કે પુયા એક જાદુગર હતો, જે પોતાની શક્તિઓની સાથે કબીલાના બાકી સદસ્યોને કંટ્રોલ કરી રહ્યો હતો.