આયુર્વેદના ઉપલબ્ધ ગ્રંથોમાં `કૃમિ' સંબંધી પ્રકરણોનું અવલોકન કરવાથી એ સ્પષ્ટ થાય છે કે, આચાર્યોએ મૂળ બે પ્રકારના શારીરિક કૃમિઓનું વર્ણન કરેલ છે.
(1) સહજ અથવા સ્વાભાવિક કૃમિઓ કે, જે જન્મથી જ શરીરની સાથે ઉત્પન્ન થાય છે અને તે અવૈકારકી એટલે કે કોઈ વિકાર ઉત્પન્ન ન કરનારા હોય છે અને તે શરીરની રસ-રક્તાદિ ધાતુ પ્રક્રિયામાં સહાયક બને છે.
(2) બીજા પ્રકારના કૃમિઓ જન્મોત્તર કાળજ ગણાવાયા છે. આ વિકારોત્પાદક કૃમિઓની સંખ્યા 20 ગણાવાય છે અને તેનાથી ઉત્પન્ન થતી વિકૃતિઓ મળની, કફની, લોહીની અને પરસેવા જેવા બહિર્મળોની ગણાવાય છે.
આંતરડાંમાં થતા વિભિન્ન પ્રકારના નાના-મોટા કૃમિઓને લીધે રક્તાલ્પતા ઉત્પન્ન થવાથી શરીરનો રંગ પીળો પડી જાય છે. શ્યામવર્ણી વ્યક્તિનો રંગ વધારે શ્યામ બની જાય છે. શરીરમાં ધીમો તાવ, પેટમાં ગરબડ સાથે અવારનવાર ધીમો કે તીવ્ર દુખાવો, પેટ ફૂલી જવું, ગેસ, ભૂખની અનિયમિતતા, મોટાભાગે રાતના સમયે બેચેની, ઊંઘ ન આવવી, ઠંડી જગ્યાએ સૂવાની ઈચ્છા, મોઢામાંથી લાળ ટપકવી, ઊંઘમાં દાંત કચકચાવવા, ગળી ચીજો ખાવાની વધારે ઈચ્છા થવી, ખાટા ઓડકાર, મળમાં દુર્ગંધ, ઊબકા, ઊલટીઓ, પેટ તથા છાતીમાં દાઝરો વગેરે કૃમિનાં લક્ષણો ગણાવાયાં છે.
જ્યારે કૃમિ પેટમાં-આંતરડાંમાં પોતાનો પ્રકોપ દેખાડે છે, ત્યારે પેટમાં વાયુ વધી જવો અને તેને લીધે બેચેની, હૃદયના ધબકારા વધી જવા, ચક્કર આવવાં, ઊબકા આવવા, ખાવાની અરુચિ થવી તથા ઝાડા પણ થાય છે. આ આંતરડાંના કૃમિઓ પણ અનેક પ્રકારના દર્શાવ્યા છે. જેમાં કકેરૂક, મકેરૂક, લેલિહ, સશૂલા, સૌસુરાદ, અજવ, વિજય, કિપ્ય, ચિપ્ય, ગંડુપદ, ચૂરૂ અને દ્વિમુખનો સમાવેશ થાય છે અને તે ઉપરોક્ત લક્ષણો ઉત્પન્ન કરે છે.
પેટના ઉપરોક્ત કોઈ પણ પ્રકારના કૃમિનો સર્વોત્તમ ઘરગથ્થુ ઉપચાર આ પ્રમાણે છે.
પપૈયાનાં બીજ અને એટલો જ અજમો ભેગાં વાટી નાંખીને સવારે ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે લેવા. રાત્રે પણ આ પ્રમાણે બીજી માત્રા લેવી. 10થી 15 દિવસ આ પ્રયોગ કરવાથી પેટના કૃમિઓનો નાશ થાય છે.
થોડો ગોળ ખાધા પછી ખુરાસાની અજમાના ચૂર્ણને પાણીમાં નાખી પીવામાં આવે તો કૃમિઓનો નાશ થાય છે.
વાવડિંગ, સૂંઠ, મરી અને પીપરનું સમભાગે કરેલું ચૂર્ણ આપવાથી કૃમિઓનો નાશ થાય છે.
ઇન્દ્રજવ, પિત્તપાપડો, કાંચકા, અજમો, વાવડિંગ, દાડમની છાલ આ બધાં ઔષધો સરખા વજને લઈને બધાનું બનાવેલું ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં સવારે અને રાત્રે લેવાથી કૃમિઓનો નાશ થાય છે.
કૃમિના ઉપચાર વખતે આહારદ્રવ્યોનું વિશેષ મહત્ત્વ છે. કૃમિ રોગના પથ્ય આહારમાં જૂના ચોખા, મગ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, સાબુદાણા, કારેલાં, પરવળ, દૂધી, કંકોડા, ગવાર, રીંગણ, ભીંડો, મલાઈ વગરનું દૂધ, તાજી મોળી છાશ, જાંબુ, દાડમ, લીંબુ, કેળાં, પપૈયાં, સફરજન વગેરે લઈ શકાય.
કૃમિના અપથ્ય આહારમાં મેંદાની અને ચણાની ચીજો, તલની બનાવટો, માવાની ચીજો, ગોળ, અડદ, મઠ, પાંદડાંવાળી ભાજીઓ, કંદમૂળ, કાકડી, કોળું, મધ, માંસ, મચ્છી તથા વિરુદ્ધ આહારદ્રવ્યો, ખુલ્લાં, વાસી અને ઠંડાં આહારદ્રવ્યોનો ઉપયોગ કરવો નહીં.
