લગ્નનું નામ પડે એટલે નજર સામે વરરાજા અને વધૂ નજર સામે તરી આવે. લગ્ન તો એક પુરુષ અને એક મહિલા વચ્ચે જ રચાય એવી સામાન્ય પરંપરા છે, પરંતુ આજકાલ જાપાનમાં એક નવી પરંપરા શરૂ થઈ રહી છે, જેમાં લગ્ન માટે પુરુષની જરૂર જ નથી! નવી પેઢીની યુવતીઓમાં આ લગ્નની ઘેલછા એટલી વધી પડી છે કે સોલો વેડિંગ માટે આખો એક બિઝનેસ શરૂ થઈ ગયો છે.
લગ્ન એટલે પુરુષ અને મહિલા વચ્ચે રચાતો સંબંધ છે. એ ખરું કે આજના બદલાતા જમાનામાં બે પુરુષ અને બે મહિલા પણ લગ્ન કરવા માંડ્યાં છે. એ પાછો અલગ મુદ્દો છે, પરંતુ મૂળ વાત એ છે કે લગ્ન એટલે બે પાત્ર હોવાં જોઈએ. આખી દુનિયામાં લગ્ન એ જ પરંપરાથી થતાં રહ્યાં છે. છતાં જાપાનમાં હવે ટ્રેન્ડ બદલાયો છે. હવે ત્યાં લગ્ન કરવા માટે વરરાજાની જરૂર જ નથી! યુવતીઓ હવે લગ્નની તમામ પરંપરા ઊજવે છે, પણ એકલપંડે જ! મહિલાઓ પોતાની સાથે જ લગ્ન કરવા માંડી છે. આ ટ્રેન્ડ એમ તો 6 વર્ષ પહેલાં શરૂ થયો છે. જાપાનની મશહૂર એડલ્ટ સ્ટાર માના સકુરાએ સોલો વેડિંગનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. માર્ચ 2019માં માના સકુરાએ લગ્ન કર્યાં, ત્યારે જાપાનમાં હલચલ મચાવી દીધી હતી. તેના લગ્નમાં વરરાજા હતા જ નહીં. તેણે પોતાને જ વેડિંગ રિંગ પહેરાવી હતી! પોતાના જીવનના સન્માન માટે તેણે કસમ ખાધી હતી. માનાએ બીમાર થાય તો દરેક સમયે પોતાની જાતને જ પ્રેમ કરતા રહીને ખુશ રહીશ એવી મંછા સાથે લગ્નનો લ્હાવો લેવા માટે સોલો વેડિંગ કર્યા હતા અને ત્યારથી જાપાનની યુવતીઓમાં પોતાની જાતને જ પરણવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે.
જાપાનમાં પણ મોટાભાગની મહિલા લગ્નની ઝંઝટમાં પડ્યા વિના જીવન ગુજારવા માંગે છે. નોકરી કરતી હોવાને કારણે તે ભરણપોષણ માટે બીજા પર નિર્ભર નથી. એ સંજોગોમાં હવે તે પારંપરિક પત્નીની ભૂમિકામાં બંધાઈ જવા માંગતી નથી. છતાં એક વધૂ બનવાની લાગણી જરૂર ઈચ્છે છે. એ કારણે જ આજકાલ ત્યાં મહિલાઓ લગ્નના તમામ રીતરિવાજોથી પોતાની જાત સાથે જ લગ્ન કરે છે. આ નવી પરંપરાથી સમાજમાં ચિંતા જરૂર છે. ચીન અને જાપાનમાં હવે લગ્ન બહુ ઓછાં થવા માંડ્યાં છે. જાપાનમાં ગયા વર્ષે નવ દાયકામાં સૌથી ઓછાં લગ્ન થયાં છે! હવે લોકો એકલપંડે જીવવા માંગે છે. એ સંજોગોમાં હવે સોલો વેડિંગનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે, એ ટ્રેન્ડ સાથે લગ્નનો એક નવો બિઝનેસ પણ શરૂ થઈ ગયો છે.
આજકાલની મૂડીવાદી દુનિયામાં દરેક ઈવેન્ટને બિઝનેસ બનાવી દેવાની પણ પરંપરા શરૂ થઈ છે. જાન આવવાની ન હોય અને છતાં એકલપંડે લગ્ન થવાનાં હોય એને પણ એક ઉત્સવમાં પલટી નાંખવાની રસમ હવે શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે હવે દુનિયામાં લગ્નનું તમામ કામ કરી આપનારી કંપનીઓ મોટો બિઝનેસ કરી રહી છે. એ કંપનીઓ સોલો વેડિંગને પણ બિઝનેસના એક નવા મોડલમાં ધીકતી કમાણી કરવાની તક શોધી ચૂકી છે. કંપનીઓ સોલો વેડિંગ માટે કેટલાંય ઉત્પાદનો અને સર્વિસ લોન્ચ કરી રહી છે. સોલો વેડિંગ માટે પણ ફોટોશૂટથી માંડીને હનીમૂન પેકેજ સુધીની સેવાઓ મેરેજ પેકેજ હેઠળ વિવિધ કંપનીઓ આપી રહી છે. દુલ્હનો પણ તમામ વિધિથી લગ્ન કરી મહેમાનોને પણ પરંપરામાં સામેલ કરતી હોય છે. આ લગ્ન તમામ પરંપરા મુજબ જ થાય છે, ફક્ત એમાં દુલ્હાની ગેરહાજરી હોય છે. કંપનીઓ ભલે પરંપરાગત લગ્ન હોય કે સોલો વેડિંગ હોય કમાણી માટેની તકો શોધી રહી હોય, પરંતુ આ લગ્ન પણ સમાજ માટે ચિંતાનું કારણ બની રહ્યાં છે.
એક તરફ ભારત અને ચીન જેવા દેશો અત્યાર સુધી વસ્તી વધારાની ચિંતાથી પીડાતા હતા, તો બીજી તરફ જાપાન અને ચીનમાં હવે લગ્ન ઘટી રહ્યાં છે, તેથી પણ ચિંતા વધી છે. ઘણા દેશોમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે, તેથી તેમને આ પ્રકારનાં લગ્નોથી વસ્તી ઘટવાની ચિંતા છે. જાપાનમાં 2060 સુધીમાં 26થી 38 ટકા વસ્તી ઘટી જવાની ચિંતા છે. એ સંજોગોમાં સોલો વેડિંગનું વધતું ચલણ વળી વેડિંગ બની રહ્યું છે.