આપણે વિચારીએ કે ધરતીથી ઊંચે, પહાડોવાળી જગ્યા હોય ત્યાં રણ હોય તો? આ વિચાર જ અશક્ય લાગે. કોઇ તમને આવીને જણાવે તો પણ તમને એવું લાગે કે સામેની વ્યક્તિએ ગપ્પાં માર્યાં. ખૈર, કુદરતની કરામત એવી છે કે તમે જે વિચાર્યું ન હોય એ વસ્તુ પણ કુદરત ચાહે તો તમને દેખાડી શકે છે. કુદરતે રચેલી સુંદરતા માનવસર્જિત સુંદર સ્થળો કરતાં ક્યાંય વધારે છે. એટલે જ જે જગ્યાએ રણ હોવાનું લગભગ અશક્ય છે ત્યાં જ કુદરતે રણ બનાવ્યું છે. આપણે લદાખના હન્ડર સેન્ડ ડુન્સની વાત કરીએ છીએ. લદાખનું હન્ડર રણ સુંદરતાની દૃષ્ટિએ ત્યાંની બીજી જગ્યાઓની માફક જ અદ્ભુત છે. આમ તો રણનું નામ લઇએ ત્યારે ગરમી યાદ આવી જાય. શિયાળાની રાત સિવાય મોટાભાગે રણમાં ગરમી જ હોય છે, પણ લદાખના હન્ડર રણને ઠંડા રણ તરીકે ઓળખવામાં આવે છે.

 લદાખના સેન્ડ ડુન્સમાં તમને બીજા રણ કરતાં થોડો અલગ અનુભવ થશે એ નક્કી છે. આમ તો રણ હોય ત્યાં રેતી હોવાની જ. રેતી વિશે વિચારીએ એટલે એનો કલર પણ તમને મગજમાં આવી જ જાય. જોકે, લદાખના સેન્ડ ડુન્સની રેતી સફેદ કલરની છે. આ રેતી દૂરથી જાણે બરફ હોય એવી જ દેખાય છે. તે ઠંડી પણ એટલી જ હોય છે. અહીં શ્યોક નદીની નહેર પણ જોવા મળશે. ઉનાળામાં આ નદીનું વહેતું પાણી જોવાની અત્યંત મજા આવે છે. ઘણા લોકો ત્યાં ટેન્ટ બાંધીને રહેવાનું પણ પસંદ કરે છે. મજાની વાત એ છે કે લદાખના હન્ડર રણમાં તમે બરફાચ્છાદિત પહાડોનો નજારો પણ ખૂબ જ સારી રીતે નિહાળી શકો છો. જો તમે એમ વિચારતા હોવ કે અહીં ઊંટ હશે કે કેમ? તો જણાવી દઇએ કે અહીં ઊંટ તો છે, પણ આ ઊંટ બે ખાસિયતવાળાં હોય છે. લદાખના હન્ડર રણનાં ઊંટ બે ખૂંધવાળાં હોય છે. વળી, તેમના શરીરે અહીંના ઊંટની સરખામણીએ રુવાંટી વધારે હોય છે. અહીંનાં બે ખૂંધવાળાં ઊંટને તેની બે ખૂંધ ઊંચાઈ પર ચડવા અને ચાલવા માટે ઉપયોગી થાય છે. એટલું જ નહીં તેની બે ખૂંધ અને તેની રુવાંટી તેને ઠંડી સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલી હોય છે.

 સેન્ડ ડુન્સમાં ફરવા ગયેલી વ્યક્તિ ચાહે તો ટ્રેકિંગ પણ કરી શકે છે, પણ ચાલવાનો રસ્તો ઘણો લાંબો હોવાથી ચાલવું થોડું આકરું લાગશે. અલબત્ત, ઘણા લોકોનું મંતવ્ય એવું પણ છે કે સેન્ડ ડુન્સ એક જ જગ્યા એવી છે જ્યાં લદાખમાં સરળતાથી ચાલી શકાય છે, માટે પર્યટકો મોટાભાગે અહીં ચાલવાનું જ પસંદ કરે છે. ઘણા સફારી કારની પણ પસંદગી કરે છે. આ જગ્યાએ ગરમાગરમ મેગી ખાવાનું ઘણા પર્યટકોને ખૂબ જ પસંદ હોય છે. ગરમાગરમ મેગી ચાલવાનો થાક અને કડકડતી ભૂખ સંતોષીને પર્યટકોને ફરી ઊર્જાવાન બનાવે છે. અહીં સાંજ થોડી વહેલી પડી જાય છે. પહાડોની પાછળ સૂર્ય છુપાઇ જાય એ પછી સૂર્યાસ્ત નથી જોવા મળતો. જો તમે ચાહો તો એક દિવસ ટેન્ટમાં રહીને ઠંડા રણમાં રહેવાની મજા માણી શકો છો, પણ જો એમ ન કરવું હોય તો લેહ પાછા પણ જઇ શકાય છે.