નસીબ આડેનું પાંદડું ક્યારેક બહુ ચમત્કારિક રીતે દુર થાય ત્યારે કમાલ થઇ જાય છે. UAEમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ ભારતીયની કિસ્મત એકાએક ચમકી ગઈ છે.

યુએઈની જાણીતી બિગ ટિકિટ રેફલ તરીકે ઓળખાતી લોટરીમાં તેણે 59 કરોડ રૂપિયા જીતી લીધા છે. આશિક પતિન્હારથ નામના મૂળ મલિયાલી વ્યક્તિને 2.5 કરોડ દિરહામનું ઈનામ મળ્યું છે. આશિક છેલ્લાં 19 વર્ષથી યુએઈમાં રહે છે અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. તે છેલ્લાં એક દાયકાથી આ લોટરીની ટિકિટ ખરીદ્યા કરતો હતો. તાજેતરમાં તેનું નસીબ ખરેખર જોર કરી ગયું અને તે રાતોરાત કરોડપતિ થઈ ગયો. આ અંગે આશિકે જણાવ્યું હતુ કે, `મારા માટે આ જીત ખરેખર આશ્ચર્ય હતું. હું ક્યારેય લાઈવ ડ્રો જોતો નહોતો. મને એક ફોન આવ્યો અને તેમાં મારી લોટરી લાગી હોવાના સમચાર આપવામાં આવ્યા. હવે તે શું કરશે તેના જવાબમાં તેણે કહ્યું કે તે પહેલાં ભારત રહેતા પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરશે અને ત્યારબાદ અન્ય રકમનો પોતાના માટે ઉપયોગ કરશે.' ઉલ્લેખનીય છે કે, આ લોટરીના જે પ્રાઈઝ જાહેર થયા તેમાં યુએઈના એક મૂળ નાગરિકને પણ લક્ઝુરિયસ કાર મળી છે. તે BMW M440i કાર જીત્યો છે.

પ્રિન્સ હેરીને ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કામચલાઉ રાહત : દેશ નિકાલની કોઈ યોજના નથી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ પ્રિન્સ હેરીને અમેરિકામાંથી દેશનિકાલ કરવાની કોઇ યોજના ધરાવતા નથી, કારણે કે બ્રિટિશ રાજવી તેમની પત્ની સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. હું પ્રિન્સ હેરીને એકલા છોડી દેવા માગું છું. તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ છે. અગાઉ મીડિયામાં એવા અહેવાલો ચગ્યા હતા કે ટ્રમ્પે પાંચ મહિના પહેલાં બંધ થયેલા પ્રિન્સ હેરીના વિઝા કેસને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. જો પ્રિન્સ હેરી અમેરિકાના વિઝા મેળવવા માટે ખોટી માહિતી આપવા માટે દોષિત ઠરશે તો ટ્રમ્પ તેમને દેશનિકાલ કરી શકે છે. જો આવું થાય તો હેરી ટ્રમ્પ દ્વારા આ કાર્યકાળમાં ડિપોર્ટ કરવામાં આવનાર પ્રથમ ઈન્ડિવિડ્યુઅલ હશે. ટ્રમ્પની કડકાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે કહ્યું છે કે હેરી અને તેમની પત્ની મેઘન મર્કેલને કોઈ છૂટ આપવામાં આવશે નહીં. મેઘન એક અમેરિકન નાગરિક છે.આ મામલો 2023માં આવેલી હેરીની આત્મકથા ‘સ્પેયર’ સાથે સંબંધિત છે, જેમાં તેમણે કબૂલાત કરી હતી કે તે કિશોરાવસ્થામાં ડ્રગ્સ લેતા હતા. જોકે, હેરીએ અમેરિકાના વિઝા લેતી વખતે આ વાત છુપાવી હતી.

શેખ હસીના બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને હત્યાઓ માટે જવાબદાર : સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્ર (UN)એ બાંગ્લાદેશમાં થયેલી હિંસા-પ્રદર્શન મામલે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્રએ હિંસા મુદ્દે શેખ હસીનાને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું કે, ‘બાંગ્લાદેશની પૂર્વ સરકારે સત્તા જાળવવા માટે ગત વર્ષે દેખાવકારો પર આયોજનબદ્ધ હુમલા અને હત્યા કરાવી હતી, જે માનવતા વિરુદ્ધનો ગુનો હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ તપાસ કરેલો રિપોર્ટ માનવાધિકાર કાર્યાલયમાં સોંપેલો છે, જેમાં કહેવાયું છે કે, વડાંપ્રધાન શેખ હસીનાની સરકારે દેખાવો પર દમન કર્યું છે. આ દરમિયાન ખોટી રીતે અનેક હત્યાઓ થઈ છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે બાંગ્લાદેશમાં પહેલી જુલાઈથી 15 ઓગસ્ટ-2024 વચ્ચે થયેલી હિંસાની ઘટનાઓની તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું છે કે, પૂર્વ સરકાર દ્વારા હત્યા, ત્રાસ, કેદ અને અન્ય અમાનવીય કૃત્યો કરવામાં આવ્યા છે, જેમાં શેખ હસીનાની સરકાર, તેમની આવામી લીગ પાર્ટીના હિંસક તત્વો અને બાંગ્લદેશી સુરક્ષા તેમજ ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો.યુએનના રિપોર્ટમાં કહેવાયું છે કે, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત વિરુદ્ધ દેખાવો થયા હતા. ત્યારબાદ શેખ હસીનાના રાજીનામાની માંગ થઈ હતી.

આવતા મહિને સુનીતા વિલિયમ્સ અવકાશમાંથી પરત આવી શકે છે

ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ સહિત અવકાશ સ્ટેશન પર ફસાયેલા NASA એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના બે અવકાશ યાત્રીઓને નક્કી સમય પહેલા પૃથ્વી પર પરત લાવવામાં આવી શકે છે. અમેરિકન સ્પેસ એજન્સીએ આ જાણકારી આપી છે. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગત વર્ષે જૂનથી બોઇંગના સ્ટારલાઇનરની ટેકનિકલ સમસ્યાઓને કારણે અવકાશમાં ફસાયેલા છે જેમને ISS સુધી લઇ જવામાં આવ્યા હતા NASAએ કહ્યું કે, 'સ્પેસએક્સ' આગામી અવકાશ યાત્રીઓની ઉડાન માટે કેપ્સુલ બદલશે જેથી બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સને માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆતની જગ્યાએ માર્ચના મધ્યમાં પરત લાવવામાં આવી શકશે. તે આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ફસાયેલા છે.નાસાએ મંગળવારે જણાવ્યું હતું કે મિશનની તૈયારીઓ પૂર્ણ થયા પછી એજન્સીનું ક્રૂ-10 લોન્ચ હવે 12 માર્ચે કરવાનું લક્ષ્ય છે.