જરાવિચારો કે તમે કોઇ એવી રેસ્ટોરાંમાં જવા ઈચ્છો છો જેનું ફૂડ એકદમ ચટાકેદાર અને મશહૂર છે, પરંતુ તે રેસ્ટોરાંમાં તમારે જમવું છે અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મેળવવું છે, તો તે માટે તમારું સ્લિમ હોવું ખૂબ જરૂરી છે. થાઇલેન્ડમાં એક એવી રેસ્ટોરાં છે, જેમાં તમે જેટલા સ્લિમ હોવ એટલું વધુ ડિસ્કાઉન્ટ મળે છે. તેથી સ્થૂળ કે મોટી ફાંદ ધરાવતા લોકો આ રેસ્ટોરાંને લઇને થોડી શરમ અનુભવે છે. મૂળ આ રેસ્ટોરાંનું નામ ચિયાંગ માય બ્રેકફાસ્ટ વર્લ્ડ (Chiang Mai Breakfast World) છે. તેમજ અહીંનું બ્રેકફાસ્ટ ખૂબ જ વખણાય છે. અહીં રેસ્ટોરાંના ગેટ પાસે જ અલગ અલગ પહોળાઈ ધરાવતા રંગીન મેટલ બાર્સ છે, જેના પર ડિસ્કાઉન્ટનું લેબલ લગાડવામાં આવેલું છે. તમે જેટલા સ્લિમ હશો એટલું ડિસ્કાઉન્ટ અહીં મળે છે. સૌથી ઓછી ગેપ ધરાવતા બાર્સમાંથી 20 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તેમજ સૌથી પહોળા બાર્સમાંથી જનારને બ્રેકફાસ્ટના પૂરા રૂપિયા આપવા પડે છે. જોકે, શહેરમાં આ રેસ્ટોરાંને લઇને અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. કોઇ આને બોડી શેમિંગ માટે તિરસ્કારી રહ્યું છે, તો કોઇ સારી હેલ્થને પ્રોત્સાહન આપવાનું માધ્યમ પણ ગણી રહ્યું છે.

અહીં તમામ નવવધૂ સફેદ વસ્ત્રોમાં જ જોવા મળે છે

ભારતમાં લગ્નને લઈને અનેક રીતરિવાજો જોવા મળે છે. હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગોમાં તેમાં પણ ખાસ કરીને લગ્નપ્રસંગમાં નવવધૂ માટે સફેદ અને કાળા રંગનાં વસ્ત્રો પહેરવાં અશુભ મનાય છે. તેથી જ અપવાદ કિસ્સાઓને બાદ કરતાં હિન્દુ લગ્નમાં નવવધૂ લાલ, મરૂન કે અન્ય રંગની ચણિયાચોળી કે અન્ય વસ્ત્ર પરિધાન પહેરતી જોવા મળે છે, પરંતુ ભારતમાં જ એક એવી જાતિના લોકો પણ છે, જે સફેદ વસ્ત્રોને શુભ માને છે અને શુભ પ્રસંગે તેને પહેરે પણ છે. મધ્ય પ્રદેશના મંડલી જિલ્લામાં આવેલા ભીમડોંગરી ગામમાં એક અલગ જ રિવાજ-પરંપરા છે. અહીં નવવધૂની વિદાય સફેદ વસ્ત્રોમાં જ કરવામાં આવે છે. અહીંના લોકો સફેદ રંગને ખૂબ જ શુભ અને શુકનવંતો માને છે. તેમના જણાવ્યા પ્રમાણે સફેદ રંગ એ ખુશીનું પ્રતીક પણ છે! આ ગામના વૃદ્ધોનું પણ એવું જ કહેવું છે કે, ઘણાં વર્ષોથી અહીં નવવધૂને સફેદ રંગોમાં જ વિદાય કરવામાં આવે છે, કારણ કે સફેક રંગને પવિત્રતા, શાંતિ અને સૌભાગ્યનો પ્રતીક પણ માનવામાં આવે છે. અલબત્ત, અહીં લગ્ન જેવા શુભ પ્રસંગોમાં સફેદ વસ્ત્રો પહેરવાનો જ રિવાજ ઘણાં વર્ષોથી ચાલ્યો આવ્યો છે. ટૂંકમાં, ગામના લોકો વર્ષોથી ચાલી આવેલા રિવાજો-પરંપરાને જાળવી રહ્યા છે.

તમે મસાલેદાર વાંસની લાકડી ખાધી છે?

ત્યાર સુધી ચાઈનામાં ફ્રાય પથ્થર તો ખવાતા જ હતા, ચાઈનામાં લોકો રીતસરના ફ્રાય પથ્થર ખાવા પડાપડી કરી રહ્યા છે. હજી પણ ત્યાં ફ્રાય પથ્થર ખાવાનું ચલણ છે જ! આ પથ્થરની ડિશનું નામ સુઓડિયું (suodiu) છે. આ ફ્રાય પથ્થરમાં ગરમ મસાલા, સોસ, મરી-મસાલા અને અન્ય ચટપટી વસ્તુઓ નાખવામાં આવતી હતી. જોકે, હવે ફ્રાય પથ્થરની જગ્યા મસાલેદાર વાંસની લાકડી લઇ રહી છે, પરંતુ આ વાંસની લાકડીઓ સૌથી વધુ અહીંની સ્ત્રી ખાઇ રહી છે. ચીનના હુનાનમાં શેફ વાંસની લાકડીઓ પર ડુંગળી, મરી-મસાલા અને અન્ય મસાલા નાખીને શેકે છે. ત્યારબાદ તેને સૌ કોઇ ચાંઉથી ખાય છે. ઉલ્લેખનીય છે કે, ઘણા દેશોમાં વાંસનુ શાક પણ બનાવવામાં આવે છે. આ શાક ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અને જંગલ વિસ્તારમાં વધુ ખવાય છે. વધુમાં ચીનમાં ખાસ કરીને ઉનાળામાં જીરું, મરચું અને મરી પાઉડરની સાથે પકવવામાં આવેલા ગ્રિલ્ડ બરફના ટુકડા પણ વેચવામાં આવે છે. ચીનના લોકો આ મસાલેદાર બરફના ટુકડા પણ મોજથી ખાય છે.