નવી પેઢીનો એક મોટો વર્ગ એવો છે, જેને ઇતિહાસની વાતોમાં જરા સરખો રસ નથી પડતો. ઇતિહાસની વાત ચાલતી હોય, તો આ પ્રજા મોઢું મચકોડીને કહેશે, `એ બધી જમાના જૂની વાતોનું આજે શું મહત્ત્વ!' હકીકત સાવ જુદી છે. માણસ ભવિષ્યની તકલીફો સામે ઝઝૂમવાનું કૌશલ્ય મોટાભાગે ઇતિહાસમાંથી જ મેળવતો હોય છે. તાજો દાખલો ચીનનો છે.
પહેલાં જરા `સ્ટીલ્થ ફાઈટર'ની વ્યાખ્યા સમજી લઈએ. યુદ્ધ વિમાનો માટે સૌથી મોટો ભય એટલે દુશ્મન દેશના રડારમાં ઝડપાઈ જવું તે. પછી પ્લેનને તોડી પાડવામાં દુશ્મનો વાર ન લગાડે. અંગ્રેજી શબ્દ stealthનો અર્થ થાય છાનામાના કશુંક કરવું, છળકપટ કરવું અથવા ક્યાંક કોઈ તરકીબ વાપરવી. સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટ એટલે એવું પ્લેન જે દુશ્મનના રડાર કે ઇન્ફ્રારેડ સેન્સર્સમાં ઝડપાયા વિના, છાનુંમાનું દુશ્મન વિસ્તારમાં ઘૂસી જાય અને બોમ્બ ફેંકીને હેમખેમ પરત ફરે. અમેરિકાનું F-22 આવું જ એક સ્ટીલ્થ ફાઈટર એરક્રાફ્ટ છે. ડિઝાઈન અને મટીરિયલના કારણે ફિફ્થ જનરેશનના, ટ્વિન એન્જિન ધરાવતા F-22 સુપર સોનિક એરક્રાફ્ટની ગણના હાઈ સ્ટીલ્ધી એરક્રાફ્ટ તરીકે થાય છે, પણ F-22 સાથે એક બહુ મોટી સમસ્યા જોડાયેલી છે. આ સમસ્યા પહેલાં પહેલાં `સ્ટીલ્થ ટેક્નોલોજી' કઈ રીતે કામ કરે છે, એ સમજી લઈએ.
RaDARનું ફુલ ફોર્મ છે `Radio Detection And Ranging.' રડાર એટલે એવું ઉપકરણ જે રેડિયો વેવ્સનું પ્રસારણ કરે. સામાન્ય સંજોગોમાં રેડિયો વેવ્સ ઊંચે સુધી ગયા બાદ વાતાવરણમાં જ શોષાઈ જાય, પણ આકાશમાં જો કોઈ ઓબ્જેક્ટ (એટલે કે વિમાન) હાજર હોય, તો આ વેવ્સ વિમાનની સપાટી સાથે અથડાઈને પાછાં આવે (એટલે કે પરાવર્તન પામે). રડાર ઉપર આ પાછાં ફરેલાં વેવ્સની હાજરી નોંધાય, એ કેટલા સમયમાં પાછાં ફર્યાં એય નોંધાય. પાછા ફરવા માટે લાગેલા સમય અને દિશા ઉપરથી આકાશમાં ઊડતા વિમાનનું ચોક્કસ સ્થાન નક્કી થાય. જો રડાર ઓપરેટરને ખબર પડે કે આ વિમાન તો દુશ્મન દેશનું છે તો તરત `ફાયર'નો હુકમ છૂટે અને પેલા વિમાનનો ખેલ ખલ્લાસ!
જો વિમાનને રડારમાં ડિટેક્ટ થતું બચાવી શકાય, એટલે કે પેલા રેડિયો વેવ્સના પરાવર્તનને અટકાવી શકાય, તો પ્લેનની હાજરી રડાર પણ પકડી ન શકે! આવું થાય શી રીતે? સિમ્પલ, વિમાનની બાહ્ય સપાટી પર એવું આવરણ લગાડી દેવાય જે રેડિયો વેવ્સના પરાવર્તનને અટકાવે, એટલે ભયોભયો. અહીં આ આખી ટેક્નોલોજી બને એટલું સરળીકરણ કરીને સમજાવી છે. બીજી એક મહત્ત્વની વાત, સ્ટીલ્થ ટેક્નોલોજી હકીકતમાં કોઈ એક જ ટેક્નોલોજી નથી, બલકે `સેટ ઓફ ટેક્નોલોજી' છે, જેમાં એરક્રાફ્ટના શેપ, એકોસ્ટિક કોટિંગ, થર્મલ વગેરે જેવી ટેક્નોલોજીસના કોમ્બિનેશનનો સમાવેશ થાય છે, પરંતુ આ લેખ પૂરતા આપણે માત્ર કોટિંગ ઉપર ફોકસ રાખીશું.
વિમાનને રડારથી બચાવવા એના ઉપર વિવિધ કેમિકલના લપેડા (કોટિંગ) મરાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે રેડિયો વેવ્ઝ અંગેનાં સંશોધનોમાં તેજી આવી. બ્રિટને દુશ્મન વિમાનોને આગોતરાં પારખી લેવા માટે તે સમયની ટેક્નોલોજીથી બનેલાં રડાર વાપરવા માંડ્યાં. (એ બધામાં રસ હોય તો ગૂગલ પર `Chain Home' લખીને સર્ચ કરજો.) એની સામે કટ્ટર દુશ્મન જર્મનીએ પોતાના મિલિટરી એરક્રાફ્ટ્સ ઉપર `સેલોન' (સેલ્યુલોઝ એસિટેટ) નામના ટ્રાન્સપરન્ટ કેમિકલનું આવરણ ચડાવવાનું શરૂ કર્યું, પણ એમાં બીજી જ એક સમસ્યા ઊભી થઇ. આકાશમાં ઊડતા વિમાન પર જ્યારે સૂર્યનો તડકો પડે, ત્યારે પેલું સેલોન મટીરિયલ જાણે ચમકી ઊઠતું અને વિમાન ઊલટાનું વધુ સ્પષ્ટપણે રડાર પર ઝિલાઈ જતું. વળી, ફ્લાઈટના પોતાના તાપમાન અને સૂરજની ગરમીને કારણે સેલોનનું આવરણ બહુ જલદી પીગળી જતું. આ પ્રકારની સમસ્યાઓ સ્ટીલ્થ ફાઈટરની બનાવટમાં રહેતી જ આવી છે.
ઓવર ટુ સાંપ્રત સમયના અમેરિકન F-22 ફાઈટર પ્લેન્સ. આ પ્લેનને પણ પેલી જમાના જૂની સમસ્યા પીડી રહી છે. પ્લેન પર જે કોટિંગ, એટલે કે રડાર એબ્સોર્બિંગ મટીરિયલ - RAM ચઢાવવામાં આવે છે, એ લાંબો સમય ટકતું નથી. અમેરિકન હવાઈદળે દર ત્રણ અઠવાડિયે F-22 એરક્રાફ્ટ્સ ઉપર ફરી ફરીને કોટિંગ કરતા રહેવું પડે છે. જેના કારણે હવાઈદળને લાખો ડોલર્સનો એક્સ્ટ્રા ખર્ચ થઇ રહ્યો છે. F-22 આમેય ખર્ચાળ મનાય છે. એમાં કોટિંગનો એક્સ્ટ્રા ખર્ચ ઉમેરતાં આ વિમાનની એક-એક ફ્લાઈટ 60,000 ડોલર્સમાં પડતી હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
શરૂઆતમાં જે ઈતિહાસની વાત કરી, એ આમાં ક્યાં આવી? ચીનાઓનું ઉદાહરણ જુઓ. ચીનનો ઇતિહાસ તપાસતાં માલૂમ પડશે કે ઈસવીસન પૂર્વે બીજી સદીમાં (206 BCE) અહીં હાન વંશનું શાસન સ્થપાયું. આ શાસન દરમિયાનનો સાડા ચારસો વર્ષોનો સમયગાળો ચીનમાં કળા, સંસ્કૃતિ, સાહિત્યની સાથે સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો પણ સુવર્ણકાળ ગણાય છે. હાન વંશે જ રેશમ સહિતના વેપાર માટે યુરોપ સાથેનો ઈતિહાસપ્રસિદ્ધ `સિલ્ક રૂટ' વિકસાવ્યો.
એ સમયે હાથશાળ ઉપર જે ડબલ લેયરનું કાપડ વણાતું, સેમ ટુ સેમ એવી જ ટેક્નિક ચીની વૈજ્ઞાનિકોએ એરક્રાફ્ટનું કોટિંગ બનાવવા માટે અમલમાં મૂકી. ચીનાઓએ RAM બનાવવા માટે ક્વાર્ટ્ઝ ફાઈબર અને સ્ટેઈનલેસ સ્ટીલ યાર્ન (ગૂંથણી માટે વપરાતા દોરા) દ્વારા બનેલ બેવડા લેયરનો વપરાશ કર્યો. ક્વાર્ટ્ઝ ફાઈબરથી ડાયઇલેક્ટ્રિક બેઝ તૈયાર થાય છે, જ્યારે યાર્ન ગરમીને મુક્ત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આ કમ્પોઝાઈટ મટીરિયલ 93.5 મેગાપિક્સલનો તણાવ સહન કરી શકે છે, જે બીજા કોઈ પણ RAMની સરખામણીએ દસ ગણો વધુ છે! વળી, બીજા કોઈ પણ મટીરિયલની સરખામણીએ ચીનનું આ ડબલ લેયર્ડ મટીરિયલ વધુ સસ્તું અને ટકાઉ સાબિત થાય છે.