દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. દરેક ખૂણે તમને કોઈ ને કોઈ એવી રચના જોવા મળશે જેને જોઈને આશ્ચર્ય થાય. આવા જ આશ્ચર્યથી ભરપૂર એક જગ્યા ઇંગ્લેન્ડમાં આવેલી છે, જેને સ્ટોનહેન્જ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ નાના-મોટા પથ્થરોથી બનેલો એક ઢાંચો છે. સ્ટોનહેન્જને લઈને અનેક માન્યતાઓ છે. જેમ કે, આ એલિયન્સે બનાવેલી રચના છે, તો અમુક માને છે કે તે સૌર કેલેન્ડર દર્શાવે છે. જ્યારે કેટલાક સ્થાનિક લોકો તેને પૂજાસ્થાન માને છે. જાણીએ રહસ્યોથી ભરપૂર સ્ટોનહેન્જ વિશે.

મિસ્રના પિરામિડ, મેક્સિકોના પિરામિડ સહિત અનેક કલાકૃતિઓ દુનિયાભરમાં જોવા મળે છે. આ દરેક પાછળ કોઈ ને કોઈ કહાની જરૂર રહેલી હોય છે. ઇંગ્લેન્ડમાં સ્ટોનહેન્જ નામની એક રહસ્યમયી રચના છે. જેમાં મોટા મોટા પથ્થરોને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે ગોઠવવામાં આવ્યા હોય એવું લાગે છે. તેને જોતાં એક વાત આપણા મગજમાં જરૂર ઘુમરાવે ચઢે કે સદીઓ પહેલાં આ પથ્થરોને અહીં કોણે મૂક્યા હશે? આ સ્ટોનહેન્જ છે શું? મનમાં એવા સવાલ પણ થાય. સ્ટોનહેન્જ આજે પણ લોકો અને નિષ્ણાતો માટે ચર્ચાનો વિષય બની રહ્યા છે.

ઢાંચો પાંચ હજાર વર્ષ જૂનો છે

ઇંગ્લેન્ડમાં આજથી પાંચ હજાર વર્ષ પહેલાં સ્ટોનહેન્જની રચના થઇ હોવાનું મનાય છે. એવું કહી શકાય કે આપણા મહાભારતકાળની આસપાસનો સમય. સ્ટોનહેન્જ 13 ફૂટ ઊંચા અને આશરે 7 ફૂટ પહોળા છે. તેનું વજન 25 ટન જેટલું છે. બધા સ્ટોન અલગ અલગ આકાર અને વજનના છે. આજે આધુનિક મશીનોની મદદથી પણ જે કાર્ય કરવું અઘરું લાગે છે તે આટલાં વર્ષો પહેલાં કેવી રીતે થયું હશે એ મોટો સવાલ છે, કારણ કે તેને બનાવવા માટે મોટા મોટા પથ્થરોના સ્લેબનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એલિયન્સે બનાવ્યા નિષ્ણાતોનું કહેવું છે કે, સ્ટોનહેન્જને માણસોએ નહીં, પરંતુ એલિયન્સે બનાવ્યા હતા. એ પાછળનું કારણ દર્શાવતા નિષ્ણાતોએ કહ્યું હતું કે, જે રીતે તેને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે એને જોતાં આ કામ એ સમયમાં લોકો દ્વારા કરવું શક્ય નહોતું, તેથી એનો સંબંધ એલિયન્સ સાથે હોવાનું માનવામાં આવે છે.

હિલિંગ સ્ટોન

આ વિશાળ પથ્થરોમાંથી અમુકનું વજન આશરે 50 ટન જેટલું છે. આ રચના બનાવવા બ્લૂ સ્ટોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટોનહેન્જ પથ્થરોની અંદર હિલિંગ પ્રોપર્ટીઝ પણ જોવા મળે છે. એવું મનાય છે કે એક સમયે આ હિલિંગ પ્લેસ હતું. અહીં બીમાર લોકો આવતા હતા અને આ પથ્થરનો સ્પર્શ કરવાથી લોકો સાજા થઇ જતા હતા.

પૂજાસ્થાન

સ્થાનિક લોકોના મત મુજબ પથ્થરોથી બનેલી આ રચના પૂજાસ્થાન કે કબર હોઇ શકે છે, કારણ કે સ્ટોનહેન્જનો ઉપરનો ભાગ હીલ સ્ટોન, સ્લાટર સ્ટોન અને સ્ટેશન સ્ટોનની જેમ બનેલ છે. સ્ટોનહેન્જ માટે ઇતિહારકારોનું માનવું છે કે, ગરમીમાં સૂર્ય હીલ સ્ટોનની પાછળથી પૂર્વ-ઉત્તર ઊગે છે. એનું સૌથી પહેલું કિરણ જ સ્ટોનહેન્જ પર પડે છે. જ્યારે શિયાળામાં તેની વચ્ચોવચ સૂર્યાસ્ત થાય છે, જે દક્ષિણ પશ્ચિમ તરફ હોય છે.

સૌર કેલેન્ડર

આર્કિયોલોજિસ્ટનું માનવું છે કે સ્ટોનહેન્જ એ સૌર કેલેન્ડર છે. સ્ટોનહેન્જમાં 15 પથ્થર એવા છે જે ઘોડાની નાળ જેવા આકારના છે. જેની બનાવટ અલગ પ્રકારની છે. આ રચના સૌર કેલેન્ડરની જેમ કામ કરે છે. આ આખી કૃતિ એક મહિનાને દર્શાવે છે. આ ઉપરાંત 24 સ્ટોનનું એક સર્કલ કલાક અનુસાર એક દિવસની ગણતરી બતાવે છે. સંશોધકોનું એવું માનવું છે કે સ્ટોનહેન્જનો ઉપયોગ ઐતિહાસિક કેલેન્ડર તરીકે કરવામાં આવતો હતો. આવા સૌર કેલેન્ડર 3,000 ઇ. પૂર્વે પછી પૂર્વી ભૂમધ્યસાગર ક્ષેત્રમાં વિકસાવવામાં આવ્યા હતા. મિસ્રમાં પણ આ પ્રકારના સૌર કેલેન્ડર જોવા મળે છે. જોકે, ઇંગ્લેન્ડના લોકોનો આ વાતને લઇને અલગ અલગ મત છે.