આજે તો એક ક્ષણ પણ લોકો ઈન્ટરનેટ વિના રહી શકતા નથી. ભલે મોબાઈલ પર તમને ઈન્ટરનેટ કનેક્શન બિનતારી મળી જતું હોય, પણ તમારા સુધી પહોંચતા ડેટા ટ્રાફિક માટે જરૂરી છે, સમુદ્રના તળિયે બિછાવેલા કેબલ. સમુદ્રમાંના આ કેબલ એટલા લાંબા છે કે વિષુવવૃત્ત પર કેબલને 30 વખત લપેટી શકાય.

મોબાઈલ પર ઈન્ટરનેટ સેવા મળતી થઈ જતાં કોઈ પણ કામ સેકન્ડોમાં કરી શકો છો. થોડી સેકન્ડમાં જ ભારતમાંથી અમેરિકામાં ઈ-મેલ મોકલી શકો છો કે દુનિયાના કોઈ પણ ખૂણે પ્રકાશિત થતા અખબારના સમાચાર વાંચી શકો છો. મોબાઈલ પર ડેટા ક્ષણોમાં મળી જાય, જાણે હવામાં ડેટા જ ઘૂમતા હોય એવું ભલે લાગતું હોય, પણ એ ડેટા ટ્રાફિકના વહન માટેનું કામ તો સમુદ્રના તળિયે રહેલા કેબલ્સ કરે છે. આજે 95 ટકા ડેટાનો ટ્રાફિક એ કેબલ્સ દ્વારા જ થાય છે. કેબલ્સ વિશ્વભરના લગભગ 95 ટકા ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ કેબલ ઇન્ટરનેટ પર થતા ઇન્ટરનેટ પર કંઈક સર્ચ કરવું, ઓનલાઈન ખરીદી કરવી અને ફોન કોલ્સ કરવા જેવા લગભગ 95 ટકા કામ માટે જરૂરી છે. સમુદ્રમાં પથરાયેલા કેટલાક કેબલ ડેટા સેન્ટરો અને મોટા નેટવર્ક્સને જોડે છે. તેનો ઉપયોગ લશ્કરી સંદેશાવ્યવહાર અને સંશોધન માટે પણ થાય છે. આ કેબલ્સમાં અન્ય કેબલ કરતાં વધુ સુરક્ષા હોય છે. વિશ્વભરમાં લગભગ 500 કેબલ લાઇન છે. આ કેબલ્સની લંબાઈ માપીએ તો 14 લાખ કિલોમીટર થાય છે. મતલબ કે આ કેબલ એટલા લાંબા છે કે તેમને વિષુવવૃત્તની આસપાસ 30 વખત વીંટાળી શકાય છે. દર વર્ષે નવા કેબલ ઉમેરવામાં આવે છે. મોટાભાગના કેબલ કનેક્શન યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચે એટલાન્ટિક મહાસાગરમાં અને અમેરિકા અને પૂર્વ એશિયા વચ્ચે પેસિફિક મહાસાગરમાં છે.

એ ખરું કે આ કેબલ્સ ચોક્કસ કયા સ્થાને પથરાયેલા છે, એ અંગે ચોક્કસ નકશો કોઈ પાસે નથી, પરંતુ તેનો અંદાજ આપતા નકશા કેટલાંક પ્લેટફોર્મ પર જોવા મળે છે. યુરોપ અને એશિયા વચ્ચેનો લગભગ 90 ટકા ડેટા ટ્રાફિક યમનના સમુદ્રમાંથી પસાર થતા 14 કેબલ દ્વારા પસાર થાય છે. 2024માં હુથી બળવાખોરોએ આ વિસ્તારમાં હાઇજેક કરાયેલા જહાજમાંથી આમાંથી ત્રણ કેબલ પર હુમલો કર્યો હતો. એ વખતે ઈન્ટરનેટ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.

અગાઉ AT&T અને ચાઇના ટેલિકોમ જેવા મોટા ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ સબમરીન કેબલની માલિકી ધરાવતા હતા અને બજારમાં પ્રભુત્વ ધરાવતા હતા. જોકે, હવે ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા અને એમેઝોન જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓ આ કેબલ્સમાં ઘણું રોકાણ કરી રહી છે. ગૂગલ પાસે છ કાર્યરત સબમરીન કેબલ છે. હજુ તે વધુ કેબલ નાંખવા આયોજન કરી રહી છે. મેટા 16 હાલના કેબલ્સમાં હિસ્સો ધરાવે છે અને તેનું પોતાનું વૈશ્વિક નેટવર્ક બનાવવાની યોજના ધરાવે છે.

આધુનિક સબમરીન કેબલ્સમાં ફાઇબર ઓપ્ટિક્સના અનેક સ્તરો હોય છે, જે ડિજિટલ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે પ્રકાશના પલ્સનો ઉપયોગ કરે છે. આ કેબલ્સને સ્ટીલના વાયર અને સ્ટીલના બખ્તરથી મજબૂત બનાવવામાં આવે છે. તેઓ પોલિઇથિલિન અને પાણી પ્રતિરોધક સામગ્રીના સ્તરોથી પણ કોટેડ હોય છે. આ સ્તરો કેબલ્સને ઊંડા સમુદ્રના ભારે દબાણ અને કઠોર પરિસ્થિતિઓથી સુરક્ષિત કરે છે. આ કેબલનો ઉપયોગ સરેરાશ 25 વર્ષ સુધી થઈ શકે છે. 20 સેન્ટિમીટરથી વધુ જાડા દરિયાઈ કેબલ ખૂબ ભારે હોય છે. તેમનું વજન પ્રતિ મીટર 40થી 70 કિલોગ્રામ હોઈ શકે છે.

ભૂસ્તરશાસ્ત્રીઓ અને ઇજનેરો સમુદ્રમાં કેબલ ક્યાં નાખવા તે નક્કી કરે છે. આ માટે તેઓ ઘણી બાબતોને ધ્યાનમાં લે છે. જેમ કે, સમુદ્રમાં ઊંડા ખાડા, દરિયાઈ પ્રવાહ, માછીમારીના વિસ્તારો અને જહાજમાર્ગો. ઊંડા સમુદ્રમાં લગભગ આઠ કિલોમીટરની ઊંડાઈ સુધી આ કેબલ નુકસાન માટે ઓછા સંવેદનશીલ હોય છે. ઉત્તર અને બાલ્ટિક સમુદ્રમાં ભૂતકાળનાં યુદ્ધો દરમિયાન ઘણાં બધાં શસ્ત્રો સમુદ્રમાં ફેંકવામાં આવ્યાં હતાં. આ શસ્ત્રોનો કુલ જથ્થો લગભગ 16 લાખ ટન છે, જે હવે એક મોટી સમસ્યા બની ગયો છે.