નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને એના સાથી બુચ વિલ્મોરનું પૃથ્વી પર પુનરાગમન થાય તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. ગયા વર્ષના જૂન મહિનામાં આ અવકાશયાત્રીઓ નાસાના એક મિશન પર ગયેલાં, પણ એ પછી યાનમાં ટેક્નિકલ ક્ષતિ ઉદ્ભવવાના કારણે બંને યાત્રીઓ અવકાશમાં જ ફસાઈ પડ્યાં. એ વાતને આજે નવેક મહિના જેટલો લાંબો સમય વીતી ચૂક્યો છે. અંતે હવે મળેલા તાજા સમાચારો મુજબ માર્ચની 19-20 તારીખની આસપાસના સમયગાળામાં આ બંને સાહસિકો પૃથ્વી પર પાછાં ફરે તેવી સંભાવનાઓ છે.

 બંને સાહસિકો સુખરૂપ પૃથ્વી પર આવી જાય, એ પછીય એમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. અવકાશયાત્રીઓ લાંબો સમય સુધી પૃથ્વીની સાપેક્ષે લગભગ વજનરહિત કહેવાય એવી અવસ્થામાં રહેતા હોય, એટલે સ્વાભાવિકપણે પૃથ્વી પર આવતાંવેંત એમને શરીર ભારેખમ લાગવા માંડે. ઘણાને બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઉદ્ભવી શકે. જોકે, આ બધી સમસ્યાઓ કરતાં એક સાવ અલગ સમસ્યા એવીય છે, જેની આપણે કલ્પનાય ન કરી હોય. આ સમસ્યા એટલે `બેબી ફીટ'.

 સિનિયર અવકાશયાત્રીઓ માને છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જ્યારે પૃથ્વી પર પાછાં ફરશે, ત્યારે એમણે `બેબી ફીટ' નામની ઉપાધિનો સામનો કરવો પડશે. તમે જોયું હશે કે ઉંમર વધતાંની સાથે આપણા હાથના પંજા અને પગનાં તળિયાંની ચામડી રુક્ષ-ખરબચડી થતી જાય છે. કોઈ પણ સપાટી ઉપર મજબૂત પકડ બનાવવા માટે આવી ચામડી જરૂરી હોય છે. ખાસ કરીને પગનાં તળિયાંની ચામડી એટલે આપણા શરીરનો સૌથી રુક્ષ હિસ્સો, જે અંગ્રેજીમાં `કેલસ' (callus) તરીકે ઓળખાય છે. હવે માનવ શરીરની ખાસિયત એવી છે કે જો તમે લાંબો સમય સુધી પગનો બહુ ઉપયોગ ન કરો, જમીન પર પકડ મેળવવા માટે પગના પંજા ન વાપરો, તો આ કેલસ અદૃશ્ય થવા માંડે. બીજા શબ્દોમાં કહીએ તો પગના તળિયાનું ખરબચડાપણું-રુક્ષતા ઓછા થવા માંડે. નવજાત બાળકો ચાલતા શીખે એ પહેલાં એમના પગનાં તળિયાં કેવાં લીસાં, સુંવાળાં હોય છે! પણ બાળક મોટું થાય અને ચાલતા-દોડતા શીખે તેમ તેમ કેલસ ડેવલપ થતું જાય અને તળિયાં ખરબચડાં થતાં જાય. સુનિતા અને બુચભાઈનાં તળિયાં લાંબા સમયથી બહુ વપરાયાં નથી. એટલે કેલસ ખાસ્સું નરમ થઇ ગયું હશે. પરિણામે એમનાં તળિયાં પણ નાનાં બાળકોનાં તળિયાં જેવાં લીસાં થઇ ગયાં હશે! આ અવસ્થા જ બેબી ફીટ તરીકે ઓળખાય છે. જોકે, આ કોઈ મોટી સમસ્યા નથી, થોડા દિવસમાં પરિસ્થિતિ નોર્મલ થઇ જશે.

 હવે થોડી બીજી વાત. આપણે બધા પૃથ્વી પર બેઠાં બેઠાં અવકાશમાં ફસાઈ ગયેલી સુનિતા વિલિયમ્સની દયા ખાતા હતા, પણ બેનબા તો અવકાશી સહેલગાહના નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા હતા. અવકાશમાં રહીને 150 જેટલા વિવિધ પ્રયોગો માટે 900 કલાક લાંબું રિસર્ચ વર્ક કરવાનો રેકોર્ડ સુનીતાજીના નામે નોંધાયો છે. અત્યાર સુધીમાં સુનિતાએ કુલ ત્રણ અંતરીક્ષ મિશન્સમાં ભાગ લીધો, જેમાં 600 દિવસ જેટલો સમય અવકાશમાં વિતાવ્યો છે! આ દરમિયાન કુલ 62 કલાક અને 9 મિનિટ્સ જેટલો સમય તો `સ્પેસ વોક' કરવામાં વિતાવ્યો છે, બોલો! આપણે અહીં પૃથ્વીના સમતોલ વાતાવરણમાંય વર્ષે 30 કલાક નથી ચાલી શકતા, ત્યાં આ મેડમે તો અવકાશમાં આટલી પદયાત્રા કરી નાખી! આની અગાઉ કોઈ મહિલા અવકાશયાત્રીએ આટલા સમયનું સ્પેસ વોક નથી કર્યું. એટલે એ કીર્તિમાન પણ સુનિતા વિલિયમ્સના નામે!

 અવકાશ નિવાસ દરમિયાન સુનિતા સતત કામ કરતાં રહ્યાં. અમુક સંશોધનો એવાં છે, જેના પર હાલમાં દુનિયાની દરેક સ્પેસ એજન્સી કામ કરી રહી છે. આ સંશોધનો ભવિષ્યના અવકાશી મિશન્સ માટે બહુ ઉપયોગી સાબિત થશે. સુનિતાએ પણ વીતેલા મહિનાઓ દરમિયાન આ સંશોધનોમાં પોતાનું યોગદાન આપ્યું. દાખલા તરીકે અવકાશયાત્રીઓને પૂરતું પોષણ મળી રહે એ માટે બાયોન્યુટ્રીએન્ટ્સ ટેક્નોલોજી પર કાર્ય કર્યું. આ માટે તેમણે અમુક પ્લાન્ટ્સ ઉપર પણ સંશોધન કર્યું છે, જેનાથી ભવિષ્યમાં ખોરાક મેળવી શકાય.

આ ઉપરાંત મોટા પ્રમાણમાં અવકાશીય કચરો પૃથ્વી પર પાછો મોકલવામાં પણ સુનિતાએ યોગદાન આપ્યું. આ બધા વચ્ચે પૃથ્વી પર વસતા `જાડિયા સમાજ'ને ઈર્ષ્યા આવે એવું કામ પણ સુનિતાએ કરી દેખાડ્યું છે. લાંબા સ્પેસ નિવાસના પગલે સુનિતાની તબિયત અને વજન પર અસર પડી હોવાની વાત થોડા સમય પહેલા ઊડેલી, પણ વાસ્તવિકતા એ છે કે તમામ પ્રકારની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ સુનિતાએ વેઈટ ટ્રેનિંગ વર્કઆઉટ્સ દ્વારા પોતાનું શરીર એકદમ ફિટ એન્ડ ફાઈન રાખ્યું છે. સાથે જ પોતાની તબિયત પણ અલમસ્ત રાખી છે. ખાસ કરીને જુવાનિયાઓ માટે શરમાવા જેવી વાત એ છે કે સુનિતા આંટી પૂરાં 59 વર્ષનાં છે.

 અત્યારે તો આપણે એવી આશા રાખીએ કે બધું સમુંસૂતરું પાર પડે અને સુનિતા વિલિયમ્સ તેમજ એમના સાથી બુચ વિલ્મોર બને એટલા વહેલા પૃથ્વી પર પાછાં ફરે!