`જુઓ, મારી વીસ-વીસ રૂમની ચાર મોટેલો છે. એ બધી જ રૂમોની સાફસફાઈ, ખાટલા ઉપરની ચાદરો બદલવાની, નવી પાથરવાની, ઝાડુ-પોતાં કરવાનાં, આ બધાં કામો માટે મને દરેક મોટેલ માટે એક માણસ જોઈએ છે.'

અમેરિકામાં જન્મેલ પટેલ જ્ઞાતિની દીકરી જોડે લગ્ન કરીને ગુજરાતના હસુભાઈ પટેલ આજથી પંદર વર્ષ પહેલાં ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી ઉપર ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા હતા. ત્રણ વર્ષ પછી એમણે અરજી કરી અને નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકાની સિટીઝનશિપ મેળવી. ઓછું ભણેલા, પણ ઝાઝું ગણેલા અને ઉદ્યમી એવા હસુભાઈએ જોતજોતાંમાં અમેરિકામાં પ્રગતિ કરવા માંડી. સૌપ્રથમ એમણે એક મોટેલમાં સામાન્ય નોકર તરીકે કામગીરી બજાવી. અક્કલ, હોશિયારીથી ડેસ્ક ક્લાર્ક બન્યા. ત્યારબાદ હિંમત કરીને એ મોટેલ ચલાવવા લીધી. મોટેલના બિઝનેસની બધી જ આંટીઘૂંટી શીખી લીધી. પછી એક જ્યૂ જાતિના માણસની મોટેલ ખરીદી. એમાં સુધારાવધારા કરીને એ સાવ ન ચાલતી મોટેલને એમણે ધમધોકાર ચાલતી કરી દીધી. ઘરાકોને શું જોઈએ છે એ તેઓ બરાબર જાણતા હતા, આથી એ જ વસ્તુ તેઓ ઘરાકોને પીરસતા હતા. એ પછી તો એમણે એક પછી એક એમ બીજી ત્રણ મોટેલો પોતાના ખર્ચે બંધાવી અને ઘરાકોની માગણીઓને ધ્યાનમાં રાખીને એ બધી સુવિધાઓ મોટેલોમાં આપવા માંડી.

રાત-દિવસ મજૂરી કરતા હસુભાઈને એક જ વાત ખટકતી હતી, મોટેલમાં જે હલકું કામ કરવું હોય એ માટે પણ એમણે અમેરિકન મજૂરને કલાકના અગિયાર ડોલર આપવા પડતા અને તેઓ આઠ કલાકથી વધુ એક સેકન્ડ પણ રોકાતા નહીં. વચ્ચે અડધો-પોણો કલાક લંચ માટે અને બે વાર અડધો અડધો કલાક ટી બ્રેક પણ લેતા. એક મોટેલમાં આમ તો વીસ જ રૂમ હોવાથી એક વ્યક્તિ ખંતથી કામ કરે તો પહોંચી વળે, પણ અમેરિકન મજૂરો ખંતીલા નહોતા. આથી એમણે દરેક મોટેલમાં એકની જગ્યાએ બબ્બે નોકરોને રાખવાની ફરજ પડતી હતી. બે નોકરોના મળીને કલાકના બાવીસ ડોલર અને આઠ કલાકના 176 ડોલર એટલે કે એક ડોલર બરાબર 84 ઈન્ડિયન રૂપીઝના એક્સચેન્જ રેટ મુજબ એમણે 14,784 રૂપિયા એમની દરેક મોટેલના બબ્બે નોકરોને ચૂકવવા પડતા. શનિ-રવિ જ્યારે મોટેલમાં ધસારો વધારે હોય ત્યારે જ તેઓ કામ ઉપર આવવાની ના પાડતા અને જો આવે તો બમણો પગાર માગતા.

આ બધી તકલીફો અને આટલા મોંઘા પગારોમાંથી છુટકારો મેળવવા હસુભાઈએ ભારતના ગુજરાતમાંથી પટેલ જ્ઞાતિના લોકો, જેઓ યેનકેન પ્રકારેણ અમેરિકામાં સ્થળાંતર કરવા ઈચ્છતા હોય છે, એમને બોલાવવાનો વિચાર કર્યો. ભારતીયોને કંઈ કલાકના અગિયાર ડોલર ચૂકવવા પડે એમ નહોતા. એમને ત્રણ-ચાર કે વધુમાં વધુ પાંચ ડોલર આપો તો પણ તેઓ રાજીના રેડ થઈ જાય. આથી ભારતમાંથી અને એમાં પણ ખાસ કરીને ગુજરાતમાંથી જેમને ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવું હોય એવા લોકોને એ માટે મદદ કરતા એજન્ટ જનક પટેલનો હસુભાઈએ મોબાઈલ ઉપર સંપર્ક કર્યો. જવાબમાં જનક પટેલે જણાવ્યું: `અરે હસુભાઈ! ચાર શું, તમે કહેતા હો તો હું ચાલીસ માણસોને તમારી મોટેલમાં કામ કરવા માટે અમેરિકામાં ઘુસાડી દઈશ. તમને તો ખબર છે, ગુજરાતના બધા જ અમેરિકા જવા માટે તલપાપડ હોય છે. એમાં પણ પટેલો તો જન્મે ત્યારથી જ જેવા માના પેટમાંથી બહાર નીકળે તો વિઝા, વિઝા બોલવા માંડે છે.'

`હા, પણ જનકભાઈ, આ બધાને અહીં નોકરી કરવા માટેના વિઝા થોડા

મળી શકે?'

`તે આપણે એમને ક્યાં વિઝા ઉપર લઈ આવવા છે? અરે મેક્સિકોની બોર્ડર ઉપરથી હું ફટ દઈને એમને અમેરિકામાં ઘુસાડી દઈશ.'

`અચ્છા અચ્છા, પણ એનો ખર્ચો કેટલો આવશે? સમય કેટલો લાગશે?'

`જુઓ, હસુભાઈ, તમે પણ પટેલ અને હું પણ પટેલ. હું બીજા આગળથી કરોડ લઉં છું, તમારી આગળથી ફક્ત પંચોતેર લાખ લઈશ. એટલે ચાર જણના ત્રણ કરોડ થશે. અડધા હમણાં આપવાના અને અડધા માલ ડિલિવર થાય ત્યારે મારા અમેરિકામાં રહેતા એજન્ટને આપી દેવાના અને છ-આઠ મહિનામાં તો તમને ડિલિવરી મળી જશે.'

`ના ના જનકભાઈ, આ તો બહુ કહેવાય. જુઓ, મને બાર્ગેનિંગ કરતા નથી આવડતું. હું તો તમને આ ચાર જણના બે કરોડ આપીશ. એક હમણાં અને એક ડિલિવરી મળતાં.'

આ કોઈ કાલ્પનિક વાત નથી. ગુજરાતમાં એવા અનેક એજન્ટો છે, જેઓ અમેરિકામાં કાયમ સ્થળાંતર કરવાની ઈચ્છા ધરાવતા હોય, ત્યાં નોકરી યા કામધંધો કરવા માગતા હોય, પણ એ માટે ઈમિગ્રન્ટ તો શું, પણ નોન-ઈમિગ્રન્ટ `બી-1/બી-2' વિઝા મેળવવાની પણ લાયકાત ધરાવતા ન હોય, અંગ્રેજી ભાષા પણ આવડતી ન હોય, એવા લોકોને દેશ-પરદેશમાં ફેરવી ફેરવીને મેક્સિકોની સરહદમાંથી યા કેનેડાની થરથરતી ઠંડીમાં બરફમાં ચલાવીને અમેરિકામાં ઘુસાડે છે. આવું કરતાં અનેકો એમના જીવ પણ ખોવે છે.

અમેરિકામાં દાખલ થયા બાદ આવા ભારતીયો મોટેલોમાં બે વ્યક્તિનું કામ એકલા જ કરતા હોય છે. આઠ કલાકને બદલે દસથી બાર કલાક કામ કરતા હોય છે. એક રૂમમાં ચાર-પાંચ વ્યક્તિઓ સાથે રહેતી હોય છે. અમેરિકાની જે જાહોજલાલી છે, જે સુંદર જગ્યાઓ જોવાની છે, એ દેશની જે પ્રગતિમાં ભાગ લેવાનો છે એ કશુંયે તેઓ ભોગવી કે કરી નથી શકતા. ફક્ત ભારત કરતાં વધુ કમાણી કરે છે. પકડાય છે ત્યારે એમની એ કમાણી દંડપેટે આપી દેવી પડે છે. જેલયાત્રા ભોગવવી પડે છે. અમેરિકાની બહાર તગેડી દેવામાં આવે છે.

અમેરિકા ખરેખર વિશ્વનો સૌથી આગળ પડતો દેશ છે, પણ એ દેશની પ્રગતિ, ઉન્નતિ અને સારી વસ્તુઓનો લાભ લેવો હોય તો ત્યાં ગેરકાયદેસર પ્રવેશ કરવો ન જોઈએ. ગેરકાયદેસર રહેવું ન જોઈએ. ગેરકાયદેસર કામ કરવું ન જોઈએ.