ઉનાળામાં શેરડીના રસ પછી આમ પન્ના એક એવું કોલ્ડ્રિંક છે જે બધાને ભાવે છે. કેટલાક લોકોની તો તે નાનપણની યાદો છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે દાદી-નાનીના હાથે બનાવેલ આમ પન્ના ન પીધું હોય! આમ પન્ના ઉનાળાનું બેસ્ટ કોલ્ડ્રિંક તો છે જ, સાથે સાથે તેનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ જોવા મળે છે. આમ પન્નાના ઈતિહાસ વિશે જાણીએ

હવે ઠંડીના દિવસો જતા રહ્યા અને ગરમી શરૂ થઈ ગઈ છે. આ વખતે તો માર્ચ મહિનામાં પણ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવું પડ્યું હતું, પરંતુ આટલી ગરમીમાં પણ રાહતની વાત એ છે કે ગરમીથી બચાવતી કેરીઓનું આગમન થઈ ગયું છે. ભારતનો ભાગ્યે જ કોઈ એવો ખૂણો હશે જ્યાં કેરીની ખુશબૂ નહીં પહોંચી હોય. કેરીની સૌથી સારી જાત કઈ તેને લઈને ક્યારેક લોકો વચ્ચે વાદવિવાદ પણ થઈ જાય છે, તો બીજી તરફ કેરીમાંથી બનનારી વાનગીઓ, ડ્રિંક્સ અને શેક વગેરેની રેસિપીનું શેરિંગ પણ ચાલુ થઈ જાય છે, પરંતુ એક એવી રેસિપી છે જે એટલી ફેમસ થઈ છે કે હવે તો ફૂડ કંપનીઓ પણ તેને દેશ-વિદેશમાં પહોંચાડી રહી છે અને તે છે આમ પન્ના.

ગરમીમાં ઠંડક આપનારું આમ પન્ના વિટામિન-સી, બી અને બી-12થી ભરપૂર હોય છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેને આમ પન્ના પસંદ ન હોય. એક જમાનો હતો જ્યારે ગરમીઓ શરૂ થતાં જ મોટાભાગના ઘરોમાં આમ પન્ના બનાવીને મૂકી દેવામાં આવતું હતું અને ઘરના તમામ લોકો રોજ પીતા કે જેથી લૂ ના લાગે. આમ પન્નાની ઘણી અલગ-અલગ રેસિપી આપણે ત્યાં છે, પરંતુ તેનો ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે તે કોઈ નથી જાણતું.

આમ પન્ના કોઈ એક જગ્યાની નથી

આમ પન્ના વિશે રસપ્રદ વાત એ છે કે તે સમગ્ર ભારતમાં એટલું લોકપ્રિય પીણું છે, જેટલી લોકપ્રિય કેરી છે. આમ પન્ના બનાવવા માટે તમારે કોઈ ખાસ વેરાયટીની કેરીની જરૂર નથી, પરંતુ તમે કોઈ પણ જાતની થોડી પાકેલી કેરીથી તેને બનાવી શકો છો. ભારતના દરેક પ્રદેશમાં કેરીની વિવિધ વેરાયટીની જેમ આમ પન્નાની પણ પોતપોતાની રેસિપી છે. ભારતના ઉત્તર, પશ્ચિમ અને પૂર્વી વિસ્તારોમાં આમ પન્નાની પોતપોતાની આગવી રેસિપી છે. જેમ કે,

પૂર્વમાં `આમ પોરા' બનાવે છે. અહીં લીલી કેરીને ભડથાની જેમ ચૂલા પર શેકવામાં આવે છે અને પછી બેસ કોન્સન્ટ્રેટ માટે તેનો ગર કાઢી લેવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં `પન્હા' ટેક્નિકમાં ગોળ અને જાયફળ અથવા ખાંડ અને ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉત્તર ભારતમાં આમ પન્નામાં કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.

ગોવામાં પન્ના બનાવવા માટે માલ્ગેશ, કુલાસ, ખૂંટ અને બિસપુર કેરી જેવી સ્થાનિક જાતનો ઉપયોગ કરવામાં આવે છે.

બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં એક જેવી જ રેસિપીનો ઉપયોગ થાય છે અને તેને `આમ ઝોરા' કહેવામાં

આવે છે.

આમ પન્નાના આ છે ફાયદા

કાચી કેરી સ્વાસ્થ્ય માટે સારી હોય છે અને એટલે જ તેનો ઉપયોગ ચટણી, ડ્રિંક અને કેરીમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આપણે ત્યાં દાળમાં પણ કાચી કેરી નાખવામાં આવે છે. કાચી કેરીના આયુર્વેદિક ગુણો ખાટા અને ઠંડા હોય છે. જો તમે ગરમીમાં થાક અનુભવતા હો ત્યારે એકદમ કાચી નહીં, પણ થોડી પાકી કેરીમાંથી બનેલું આમ પન્ના પીઓ. તેમાં રહેલ પોટેશિયમ તમને ઠંડા કરશે અને એન્ઝાઈમના પાચનમાં પણ મદદ કરશે. કાચી કેરીમાં રહેલ ફાઈબર અને વિટામિન સી તથા બી આંતરડાંને સાફ કરવામાં મદદ કરે છે. જોકે. આ બધા લાભ મેળવવા માટે બજારમાંથી ખરીદવાના બદલે ઘરે જ આમ પન્ના બનાવવું જોઈએ.

ક્યાંથી આવ્યું આમ પન્ના?

આમ તો કેરીની બહુ બધી કહાનીઓ અને કિસ્સાઓ મુગલો સાથે જોડાયેલા છે, પરંતુ ભારતીય શિક્ષાવિદ્, આલોચક અને ઇતિહાસકાર પુષ્પેશ પંતના કહેવા અનુસાર થોડી પાકેલી કેરી, બ્લેક સોલ્ટ, જીરું, વરિયાળીથી બનેલું અને મોંમાં પાણી લાવતું પીણું આમ પન્ના આપણા પૂર્વજોએ ઓરલ ડિહાઈડ્રેશન સોલ્યુશન તરીકે તૈયાર કર્યું હતું. જોકે, બહુ બધા લોકોની માન્યતા છે કે આમ પન્નાની રેસિપીના કનેક્શન પણ મુગલો સાથે જોડાયેલાં છે. તે બાબર અથવા તો અકબરની રસોઈમાંથી આવ્યું છે, પરંતુ પંત આ બાબતને જડમૂળથી નકારે છે. તેમના મતે પ્રાચીન આયુર્વેદિક સાહિત્યની સાથે સાથે કાલિદાસના લેખનમાં પણ આમ પન્નાનો ઉલ્લેખ જોવા મળે છે, જે મુગલોના ભારત આવ્યાના બહુ પહેલાંનો છે. પન્ના સંસ્કૃત શબ્દ `પાનિયા'માંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે કંઈક પીવું. જોકે, અકબરના દરબારના 16મી સદીના રેકોર્ડ કે બાબરના સંસ્મરણ બાબરનામા, આઈન-એ અકબરીમાં પન્નાનો ઉલ્લેખ હોઈ શકે છે, પણ તે મુગલોના આગમન પહેલાંથી ભારતમાં બને છે તે પાક્કું છે.

એલન ડેવિડસનના પુસ્તક ઓક્સફોર્ડ કમ્પેનિયન ટુ ફૂડ અનુસાર ભારતમાં કેરીની ખેતી ઈ. પૂર્વે 2000 કે પછી તેનાથી પણ પહેલાંથી કરવામાં આવી રહી છે. ભારતીય કેરી મેંગીફેરા ઇન્ડિકા એક જંગલી પ્રજાતિની વંશજ છે, જે હજુ પણ પૂર્વોત્તર ભારતમાં મળી આવે છે.