ઉનાળો આવતાં જ સૌ કોઈને પહેલી વસ્તુ યાદ આવે તે છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. દરેક ફળમાં કેરીનું વર્ચસ્વ મોખરે છે, કારણ કે તે આપણી સાંસ્કૃતિક વિરાસત સમી છે. આવી મધમીઠી કેરીનો ઇતિહાસ જાણવા જેવો છે

એક જાણકારી પ્રમાણે હજારો વર્ષ પહેલાં પૂર્વોત્તર ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં કેરી પેદા થતી હતી જ્યાંથી કેરી દક્ષિણ ભારત સુધી પહોંચી. કેરીને સૌથી પહેલું નામ `આમ્રફળ' આપવામાં આવ્યું હતું. તેનું પ્રારંભિક વૈદિક સાહિત્યમાં `રસાલા' અને `સહકાર' તરીકે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય તેનું વર્ણન બૃહદારણ્યક ઉપનિષદ અને પુરાણોમાં પણ જોવા મળે છે. જોકે, તેમાં આંબાનો છોડ કાપવાની નિંદા કરવામાં આવી છે. દક્ષિણ ભારત પહોંચીને આ ફળનું નામ તમિલમાં અનુવાદ કરીને `આમકાય' રાખી દેવામાં આવ્યું, જે બોલચાલની ભાષામાં ધીરે-ધીરે `મામકાય' બની ગયું. મલયાલી લોકોએ આગળ જતાં અપભ્રંશ કરીને તેનું નામ `માંગા' કરી દીધું. કેરી કેરળ પહોંચી તો પોર્ટુગલોને તેના સ્વાદનો ચસકો લાગી ગયો અને અહીંથી માંગામાંથી `મેંગો' તરીકે કેરી આખી દુનિયામાં પ્રચલિત થઈ.

રાજાઓ અને કેરીનો સંબંધ

પ્રાચીન ભારતમાં શાસકોએ પ્રખ્યાત લોકોને ઉપાધી આપવા માટે કેરીની વિવિધ જાતોનાં નામ પાડ્યાં. જેમ કે, વૈશાલીની પ્રસિદ્ધ ગણિકાના નામ પર આમ્રપાલી નામ આપવામાં આવ્યું. કેરીનું વૃક્ષ પ્રેમના દેવતા મન્મથ સાથે પણ જોડાયેલું છે અને તેનાં ફૂલોને હિન્દુ નંદ રાજાઓ દ્વારા ભગવાનનું તીર માનવામા આવતું હતું. નંદ શાસન દરમિયાન સિકંદર ભારત આવ્યો અને પોરસ સાથે યુદ્ધ કર્યું, જે આજે પણ ઇતિહાસની દુનિયામાં ખૂબ જ ચર્ચિત છે. ત્યારબાદ જ્યારે સિકંદર ગ્રીસ પાછો ફર્યો ત્યારે પોતાની સાથે અલગ-અલગ પ્રકારનાં સ્વાદિષ્ટ ફળ લઈ ગયો, તેમાંથી એક કેરી હતી.

કેરી અને બુદ્ધનો સંબંધ

સમય વીતતો ગયો, પરંતુ કેરી પ્રત્યેના પ્રેમ અને સન્માનમાં કોઈ ઊણપ ન આવી. ગૌતમ બુદ્ધના સમયમાં કેરીને વધારે લોકપ્રિયતા મળી. બૌદ્ધ ધર્મના ઉદયની સાથે કેરી આ ધર્મના અનુયાયીઓ માટે આસ્થા અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરવા લાગી. બૌદ્ધ શાસકોએ કેરીનું એક ઉપહાર (ભેટ) તરીકે આદાનપ્રદાન શરૂ કરી દીધું. આટલું જ નહીં કૂટનીતિ માટે પણ કેરીનો ઉપયોગ થવા લાગ્યો! આ સમયકાળ દરમિયાન બૌદ્ધ ભિક્ષુ જ્યાં પણ જતા, પોતાની સાથે કેરી લઈને જતા હતા, જેથી આ ફળ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.

સમૃદ્ધિનું પ્રતીક

પ્રાચીન ભારતના શરૂઆતી લેખક-યાત્રી મેગસ્થીન્સ અને હ્યુ-એન-ત્સાંગે લખ્યું છે કે કેવી રીતે પ્રાચીન ભારતીય રાજાઓ ખાસ કરીને મૌર્ય રાજાઓ કેરીને સમૃદ્ધિનું પ્રતીક માનતા હતા અને તેથી જ રસ્તા કે રાજમાર્ગોના કિનારે આંબાનાં વૃક્ષ રોપવામાં આવતાં હતાં. આ સિવાય તેમણે ફળના ખૂબ જ ઉત્તમ સ્વાદ વિશે પણ લખ્યું, જેનાથી કેરી ભારતની બહાર પણ ખૂબ જ લોકપ્રિય બની. મુંડા આદિવાસીઓ અને સ્વામી ચક્રધરના દત્તરાય સંપ્રદાયે પણ પ્રાચીન ભારતમાં જન-જન સુધી કેરીનું ફળ પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

મુઘલો કેરી પાછળ પાગલ હતા!

સમયનું ચક્ર ફરતું ગયું અને ભારતની જમીન પર મુઘલોનું શાસન આવ્યું. મુઘલકાળમાં અને અલાઉદ્દીન ખિલજી કેરીના પહેલા સંરક્ષક બન્યા. તેમણે પોતાના સિવામા કિલ્લામાં એક ભવ્ય દાવત આપી હતી જેના મેનૂમાં અલગ-અલગ પ્રકારની કેરી સિવાય બીજું કંઈ જ નહોતું! એવું કહેવામાં આવે છે કે લોદીએ બાબરનો પરિચય કેરી સાથે કરાવ્યો હતો. તેને આ ફળ ખૂબ જ પસંદ આવ્યું હતું.

અન્ય એક કિસ્સો પણ પ્રચલિત છે જે મુઘલોનો કેરી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. કહેવાય છે કે ભારતથી કાબૂલ ભાગતી વખતે હુમાયૂએ કેરી તથા કેરીના સારા એવા છોડ પોતાની સાથે લઈ લીધા હતા. જ્યારે અકબરે દરભંગાની પાસે વિશાળ લક્ખી બાગ બનાવ્યો હતો, જેમાં એક લાખથી વધારે આંબાનાં ઝાડ ઉછેરવામાં આવ્યાં હતાં. એવું કહેવાય છે કે તોતાપુરી, સ્ટોલ અને કેસર સહિત મોંઘી કેરીઓની શરૂઆત અહીંથી જ થઈ હતી. આ સિવાય શાહજહાંનો કેરી પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેમણે પોતાના દીકરા ઔરંગઝેબને સજા આપી અને ઘરમાં નજરબંધ કરી દીધો, કારણ કે તેણે મહેલની બધી જ કેરી લઈને પોતાની પાસે રાખી લીધી હતી. ઔરંગઝેબે ફારસના શાહ અબ્બાસને સિંહાસનની લડાઈમાં તેનું સમર્થન કરવા માટે કેરીઓ જ મોકલી હતી!

અંગ્રેજોએ છીનવી લીધું વર્ચસ્વ

યુરોપિયન લોકો ખાસ કરીને અંગ્રેજો ભારત આવ્યા ત્યારે કેરીનું વર્ચસ્વ ખૂબ જ વધી ગયું અને તે એક સામ્રાજ્ય નિર્માતામાંથી માત્ર એક ફળ બની ગઈ. તેનું કારણ એ પણ માનવામાં આવે છે કે અંગ્રેજો કૂટનીતિ માટે તેનો ઉપયોગ નહોતા કરતા, તેથી જ કેરીનો શાહી ઠાઠ ધીમે-ધીમે નાશવંત બની ગયો. જોકે, દરેક ભારતીયના મનમાં કેરીનું વિશેષ સ્થાન છે, તેથી જ આજે પણ અમદાવાદ, લખનૌ, દિલ્હી અને ગોવામાં મેંગો ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. આથી કેરીની ઓળખ સાંસ્કૃતિક વિરાસત તરીકે જળવાઈ રહી છે.