એમ તો માનવસર્જિત બે યાનો - વોયેજર 1 અને 2 આપણા સૂર્યના પ્રભાવમંડળમાંથી બહાર નીકળી ગયાં છે. અફાટ અવકાશમાં વિચરતા રહીને ક્યારેક ક્યારેક મેસેજ મોકલીને અવકાશની જાણકારી આપતા રહેશે, પરંતુ અવકાશમાં સુદૂર પહોંચેલો માનવી સુમદ્રનો તાગ મેળવવામાં ઊણો ઊતર્યો છે!
દરિયામાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ પણ જોવા મળે છે. જોકે, જ્યાં સુધી માનવી અવકાશને જાણે છે, ત્યાં સુધી અત્યાર સુધી અવકાશમાં એવાં કોઈ જ પ્રાણીઓ જોવા મળ્યાં નથી. એલિયન્સની વાત થાય છે, પણ એના કોઈ જ પુરાવા મળ્યા નથી. એ ખરું કે સમુદ્રમાં સુંદર દેખાતી જેલીફિશની કેટલીક પ્રજાતિઓ એવી ઘાતક હોય કે તેને સ્પર્શ કરો તો પણ તમારું ચેતાતંત્ર કામ કરતું બંધ થઈ જાય. નેશનલ ઓશન સર્વિસ અનુસાર, ઓસ્ટ્રેલિયન બોક્સ જેલીફિશ સમુદ્રમાં શોધાયેલું સૌથી ખતરનાક પ્રાણી છે. પફરફિશ પણ ખૂબ જ ઝેરી માછલી છે, જેનું ઝેર મિનિટોમાં 30 લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે. એમ તો સર્પદંશના ઝેરનું મારણ માનવીએ શોધી કાઢ્યું છે, તેથી અનેક લોકો સર્પદંશથી બચી જાય છે. પરંતુ પફરફિશના ઝેરનું હજુ સુધી કોઈ મારણ મળ્યું નથી. અવનવા જીવોની સૃષ્ટિ સંઘરીને બેઠેલો સમુદ્ર જેટલો રળિયામણો લાગે એટલો જ ભયાનક પણ છે. સમુદ્રમાં સતત તોફાનો આવતાં રહે છે. પૃથ્વી પર તેનો માત્ર એક ભાગ જ દેખાય છે, જે વિનાશનું કારણ બને છે. આ સ્થિતિમાં સમુદ્રનાં ઊંડાં પાણીમાં એ તોફાન કેવો કેર વર્તાવી શકે એવા જોખમી હોય એની તો કલ્પના પણ કરી શકાતી નથી. આપણા દેશમાં સમુદ્રની નવાઈ નથી. મોટાભાગે બે કાંઠે સૌથી લાંબો દરિયાકિનારો આપણે ધરાવીએ છીએ.
આપણા દેશની જળસીમા બહુ મોટી છે. ચારેકોર અફાટ સમુદ્ર જ જોવા મળે છે. ઘૂઘવતાં મોજાંથી વિકરાળ લાગતો સમુદ્ર દક્ષિણ ગુજરાતમાં ક્યાંક મટમેલો લાગે, પણ રામેશ્વર જેવા કેટલાય સમુદ્રમાં તો તળિયે પણ જોઈ શકાય એવું નિર્મળ પાણી મન મોહી લે. બિચ પર હો ત્યાં સુધી એ સમુદ્રનું આકર્ષણ રહે, પણ વાસ્તવમાં સમુદ્ર રહસ્યમય અને ખતરનાક હોય છે. સમુદ્રની ઊંડાઈ માપવામાં હજુ માનવીને નક્કર સફળતા મળી નથી. છતાં અત્યાર સુધી ફક્ત ત્રણ જ લોકો સમુદ્રના સૌથી ઊંડા સ્થળે પહોંચીને ત્રણ કલાક સુધી રહી શક્યા છે. સમુદ્રની આ ઊંડાઈને ચેલેન્જર ડીપ તરીકે ઓળખવામાં આવે છે.
ઊંડાઈની વાત નીકળે ત્યારે સવાલ પહેલો એ જ થાય કે સમુદ્ર કેટલો ઊંડો હશે! સરેરાશ જોઈએ તો સમુદ્ર 12 હજાર ફૂટ ઊંડો હોય છે. તેના સૌથી ઊંડા હિસ્સાને ચેલેન્જર ડીપ કહેવામાં આવે છે. ચેલેન્જર ડીપ એ પેસેફિક મહાસાગરની નીચે મારિયાના ખાઈના દક્ષિણ છેડે આવેલું છે. એ સ્થળે દરિયો એક બે નહીં 36 હજાર ફૂટ ઊંડો છે. મતલબ કે એવરેસ્ટ કરતાં પણ ઊંડો છે એમ કહી શકાય. આ સ્થળ વિજ્ઞાનીઓએ સૌ પહેલી વખત 1875માં શોધી કાઢ્યું હતું. એ વિસ્તારમાં પહોંચવા માટે પ્રયાસો થતા રહ્યા છે, પરંતુ ચોક્કસ એ સ્થળે પહોંચવામાં કોઈને સફળતા મળી નથી. એ સ્થળે દરિયો એટલો ઊંડો છે કે ત્યાં સૂર્યપ્રકાશ પણ પહોંચતો નથી. ને વળી તાપમાનનો પારો પણ ફ્રીઝિંગ પોઈન્ટથી થોડો નીચે છે. જોકે, ત્યાં જીવન છે કે કેમ એનો હજુ પત્તો લાગ્યો નથી, પરંતુ જ્યાં સુધી પ્રકાશ પહોંચે છે, એવી ઊંડાઈએ દરિયાઈ જીવો જોવા મળ્યા છે. એ વિસ્તારમાં દબાણ દરેક ચોરસ ઈંચે 15 હજાર પાઉન્ડ હોય છે. જમીનની સપાટી કરતાં તે 1 હજાર ગણું વધારે છે. દેશી ભાષામાં કહીએ તો એક વ્યક્તિ પર એક જ સમયે 50 જમ્બો જેટ વિમાન એકસાથે પડે ત્યારે જેટલું દબાણ એ વ્યક્તિએ સહન કરવું પડે એટલું દબાણ એ સ્થળે વર્તાય છે.
એ જ રીતે દુનિયાના સમુદ્રની વાત કરીએ તો બર્મ્યુડા ટ્રાયેંગલ એ મહાસાગરોનું એક રહસ્ય છે. પેસેફિક- એન્ટલાન્ટિક સમુદ્રની સીમાએ આવેલા બર્મુડા ત્રિકોણનું રહસ્ય સંપૂર્ણપણે જાણી શકાયું નથી. અહીં પાણી ઉપર સફર કરતી વખતે ઘણાં જહાજો ગુમ થઈ ગયાં છે. આ વિસ્તારની ઉપરથી પસાર થતાં વિમાનો પણ જાણે અદૃશ્ય થઈ ગયાં હોય એમ ગાયબ થઈ જાય છે. એ પછી કોઈ જ અવશેષ પણ મળતા નથી. જાણે સમુદ્ર તેમને ગળી ગયો ન હોય! ઉત્તર એટલાન્ટિક મહાસાગરનો આ ત્રિકોણાકાર ભાગ હજુ સુધી સમજી શકાયો નથી.
સમુદ્રને જોવો અને તેને સમજવો બે અલગ બાબત છે. અવકાશમાં ક્યાંય સુધી પહોંચેલો માનવી હજુ સમુદ્રનો તાગ મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. અનેક રહસ્યો તેણે જાણવાનાં બાકી છે.