કેટલીક વાર સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ હોમવર્ક કર્યું ન હોય તો તેઓ નિર્દોષ ભાવે તેમના ટીચરને કહેતા હોય છે કે, ટીચર મેં હોમવર્ક તો કર્યું હતું, પરંતુ મારી હોમવર્કવાળી બુક ગાય ખાઈ ગઇ! જોકે, ટીચર પણ તેમના ભોળપણને માફ કરી દેતા હોય છે.

અલબત્ત, કેટલીક વાર એવી ઘટના ખરેખરમાં બની હોય છે કે, એક સમયે તો આપણે વિચારીએ જ છીએ કે આવું તે કંઈ હોતું હશે! થોડા દિવસ પહેલાં જ કેરલના કાસરગોડમાં લોકસેવા આયોગની પરીક્ષામાં એક ઉમેદવાર પોતાની હોલ ટિકિટ હાથમાં લઇને ઊભો હતો. તે દરમિયાન અચાનક જ એક ઈગલ આવીને હોલ ટિકિટને ઝપટ મારીને લઇ ઊડે છે! આ ઘટના બાદ ઉમેદવાર ડઘાઈ ગયો. ત્યાં ઊભેલા અન્ય ઉમેદવારો બૂમો પાડીને તે ઈગલ હોલ ટિકિટ છોડી દે એવું ઇચ્છતા હતા, પરંતુ તેમ થયું નહીં. અંતે ઇગલ પરીક્ષા કેન્દ્રની બારી ઉપર જઇને બેસે છે. કેટલાકે ઈગલને પથ્થર પણ માર્યો, પણ તેણે હોલ ટિકિટ છોડી નહીં. બીજી તરફ પરીક્ષા માટેનો બેલ વાગતો હતો. અંતે બેલ વાગ્યાની થોડી ક્ષણ બાદ ઈગલે હોલ ટિકિટ છોડી દીધી અને હોલ ટિકિટ મેળવતાં ઉમેદવારે રાહતનો શ્વાસ લીધો હતો.

પ્લાસ્ટિક વીણીને પોતાનું ઘર ખરીદ્યું

કોઇ પણ ધંધો નાનો કે મોટો હોતો નથી, ધંધો ધંધો હોય છે. ધંધામાં સાંજ પડે તમને રૂપિયા મળી જતા હોય છે. ધંધો ક્યારેય વાંઝિયો હોતો નથી એવી કહેવત પણ ફેમસ છે અને આ કહેવતને સાચી પુરવાર કરી છે ઓસ્ટ્રેલિયાના એક યુવાને. જેણે સતત સાત વર્ષ સુધી એટલી બધી પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કર્યું કે તેણે તેમાંથી પોતાની માલિકીનું એક ઘર જ ખરીદી લીધું. આ 36 વર્ષીય યુવાનનું નામ ડેમિયન ગોર્ડન છે. ગોર્ડને સાત વર્ષમાં પ્લાસ્ટિક વેસ્ટ વીણીને તેને વેચતા 46000 ડોલર (અંદાજિત 40 લાખ) રૂપિયા કમાઇ લીધા હતા. હવે આ જ રકમથી તેણે પોતાનું ઘર પણ ખરીદી લીધું છે. ગોર્ડન જોબ પણ કરતો હતો અને પાર્ટ ટાઇમ પ્લાસ્ટિક વીણવાનું કામ પણ કરતો હતો. નોંધનીય છે કે, છેલ્લાં સાત વર્ષમાં તેણે 4,50,000થી પણ વધુ પ્લાસ્ટિક બોટલ્સ, કેન્સ અને ડબ્બાઓ ભેગાં કર્યાં હતાં. પ્લાસ્ટિક વીણવા માટે તે ખાસ કરીને શહેરની સડકો, સમુદ્રકિનારા, પબ્લિક પાર્કિગ અને ગાર્ડનમાં જતો હતો. આશ્ચર્યની વાત એ છે કે, તેણે પાર્ટ ટાઈમ બિઝનેસથી ઘર ખરીદ્યું છે. જો ફુલ ટાઇમ આ બિઝનેસ કર્યો હોત તો!

શું તમે ક્યારેય બ્લૂ ડાયમંડ જોયો છે?

હવેની સ્ત્રીઓ સોનાનાં ઘરેણાં કરતાં ડાયમંડનાં ઘરેણાં પર વધુ આફરીન થાય છે. દરેક સ્ત્રીઓ પોતાની પાસે એક મોંઘી ડાયમંડ જ્વેલરી હોય એવું ઇચ્છતી હોય છે. જે માટે તે કોઇ પણ પ્રકારના ડાયમંડ તરફ વિશેષ આકર્ષાતી હોય છે. થોડા દિવસ પહેલાં જ અબુધાબીમાં 830 કરોડના ડાયમંડ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં 166 કરોડ રૂપિયાનો બ્લૂ ડાયમંડ ટોક ઓફ ધ વર્લ્ડ સાબિત થયો હતો. મૂળ આ પ્રદર્શનમાં દુનિયાભરના મુખ્ય આઠ દુર્લભ ડાયમન્ડ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ એક્ઝિબિશન ડિસપ્લેમાં જે આઠ ડાયમન્ડ્સ મૂકવામાં આવ્યા હતા તેનું કુલ વજન 700 કેરેટ કરતાં પણ વધુ આંકવામાં આવ્યું હતુ. આ પ્રદર્શનમાં સૌથી વધુ ચર્ચિત બ્લૂ ડાયમંડને દક્ષિણ આફ્રિકામાંથી શોધવામાં આવ્યો હતો, જેનું વજન 10 કેરેટ (અંદાજિત બે ગ્રામ) હતું. આ ડાયમંડની ગણતરી સૌથી દુર્લભ ડાયમંડમાં થાય છે. જ્યારે પણ આ ડાયમંડની હરાજી કરવામાં આવશે ત્યારે તેની અધધ કિંમત મળવાની આશા સેવવામાં આવી છે. આ સિવાય એક્ઝિબિશનમાં ડેઝર્ટ રોઝ, ગોલ્ડન કેનરી નેકલેસ અને અલ્ટિમેટ એમરલ્ડ કટ જેવા ડાયમંડ ડિસપ્લે કરવામાં આવ્યા હતા.