સરકાર જાતે જ દોઢ લાખથી વધુ લોકોને જીવતા સળગાવી મૂકે એવું બની શકે ખરું? ના, એ લોકોને કોઈ ગુના માટે સજા ફટકારાઈ ન હતી. હવે એ ટાપુ પર જતી કોઈ પણ વ્યક્તિ જીવિત પાછી ફરતી ન હોવાને કારણે 1968થી એ ટાપુ પર જવા ઉપર સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો છે અને એ ટાપુ એટલે ઈટાલીનો પોવેગ્લિયા ટાપુ.

ઈટાલીનું વેનિસ શહેર તો તેની કલાકૃતિ માટે ખૂબ જ જાણીતું છે, પરંતુ વેનિસ અને લિડો શહેરની વચ્ચે આવેલી વેનેશિયન ખાડીમાં એક ટાપુ આવેલો છે. પોવેગ્લિયા નામના એ ટાપુની આસપાસ એટલાં રહસ્ય વણાયેલાં છે કે ત્યાં જવા ઉપર સરકારે જ પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારની મંજૂરી વિના એ ટાપુ પર કોઈ જઈ શકતું નથી. એ ટાપુ પર આજે પણ અનેક ઈમારતો અડીખમ ઊભી છે, પણ ત્યાં કોઈ રહેતું નથી. એ ટાપુને લોકો ભૂતિયા ટાપુ તરીકે પણ ઓળખે છે.

9મી સદી જેટલો જૂનો ઈતિહાસ પોવેગ્લિયા ટાપુનો છે. ઈટાલીની જેમ એ ટાપુ પણ તેના પ્રાકૃતિક સૌંદર્યથી લોકોનો આકર્ષતો રહ્યો છે, પરંતુ એ ટાપુ ખરેખર ભૂતિયા ટાપુ છે એમ કહી શકાય. એ ટાપુ પર રાખ વધુ જોવા મળે છે. કોઈને એમ થાય કે ત્યાં રહેતા લોકો લાકડાં સળગાવતા હશે, તેની એ રાખ હશે, પરંતુ સત્ય તો એ છે કે એ રાખ 1.60 લાખ લોકોના મૃતદેહોની રાખ છે. તો શું એ ટાપુ ઈટાલીનું સ્મશાનગૃહ છે? ના, ફક્ત હિન્દુ ધર્મમાં જ મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાની પરંપરા છે, તેથી પોવેગ્લિયા ટાપુને સ્મશાન તો ગણી શકાય નહીં, પણ સેંકડો વર્ષ પહેલાં ઈટાલીની સરકારે જ એ તમામને જીવતા સળગાવી મૂક્યા હતા. એ તમામ લોકો કોઈ ગુનેગાર પણ ન હતા, છતાં સરકારે કેમ સળગાવી મૂક્યા એ સવાલ જરૂર થાય, પરંતુ એ સવાલનો જવાબ થોડો અટપટો લાગે એમ છે.

બન્યું એમ કે સેંકડો વર્ષ પહેલાં ઈસવીસન 1793થી 1814 દરમિયાન ઈટાલીમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. પ્લેગ મહામારી ગણાયો છે. માણસને શરીરમાં, ખાસ કરીને બગલમાં ગાંઠ થાય અને તાવ આવે ને મૃત્યુ પામે. પ્લેગ ફેલાય એટલે ટપોટપ માણસ મોતને ભેટે. જોતજોતાંમાં ગામમાં સેંકડો લોકો મોતને ભેટતા હોય એ દૃશ્ય એ સમયે સહજ દેખાતું. પ્લેગનો એ સમયે કોઈ ઈલાજ ન હતો. એ મહામારી ફેલાય નહીં એ માટે ઈટાલીની સરકાર ચિંતિત હતી. એ સમયે પ્લેગ થયો હોય એવા લોકોને એ ટાપુ પર ધકેલી દેવાતા હતા. પ્લેગ ફેલાય અને આખા દેશને મહામારીમાં હોમી દેવો ન પડે એ માટે સરકારે જ 1.60 લાખ લોકોને પોવેગ્લિયા ટાપુ પર જીવતા સળગાવી દીધા હતા. એ પછી પણ એ ટાપુ પર કાળા તાવની બીમારી ફેલાઈ હતી. સરકારે એ બીમારીમાં મૃત્યુ પામનારાઓને પણ એ જ ટાપુ પર દફનાવી દેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, એ પછી લોકો પોવેગ્લિયા ટાપુને શાપિત ટાપુ તરીકે જ ઓળખે છે.

સ્વાભાવિક રીતે જ અંધશ્રદ્ધા પણ એક બીમારીની જેમ જ ફેલાતી હોય છે. લાખો લોકોને કમોતે ભેટવું પડે એ પછી લોકોના મનમાં ડર ફેલાતો હોય છે. આજે પણ લોકો માને છે કે એ ટાપુ પર જીવતા સળગાવી દેવાયેલા લોકોના આત્મા ભટકે છે. કેટલાય લોકોએ તો આત્માને જોયા હોવાનો દાવો પણ કર્યો હતો. એ ટાપુ પર અજીબોગરીબ અવાજો પણ સંભળાતા હોવાનો દાવો પણ કેટલાય લોકોએ કર્યો હતો.

1968 સુધી તો અનેક લોકો એ ટાપુ પર જતા આવતા રહ્યા હતા, પરંતુ એ ટાપુ પર જનારાઓનો અનુભવ ચિત્રવિચિત્ર રહ્યો છે. એ ઉપરાંત ધીરે ધીરે એક એવી પણ વાયકા શરૂ થઈ કે એ ટાપુ પર જનારો કોઈ જીવતો પાછો આવતો નથી. એ કારણે જ 1968માં સરકારે એ ટાપુ પર જવાનો પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આજે 57 વર્ષથી એ ટાપુ સાવ વિરાન પડ્યો છે. મૃત્યુ થવાની બીકે ત્યાં કોઈ જતું નથી. આજે પણ એ રહસ્યમય ભૂતિયા ટાપુ આખી દુનિયામાં એક ખોફનાક સ્થળ તરીકે જાણીતો છે.