આયુર્વેદના શ્રેષ્ઠ `વામક' ઔષધોમાં મીંઢળની ગણતરી થાય છે. (વામક એટલે ઊલટી કરાવનારા). મીંઢળને આયુર્વેદમાં `મદનફળ' કહેવામાં આવે છે. `મદન' એટલે `કામદેવ' અને આ કામદેવનું ફળ એટલે `મદનફળ'. આ ફળને ધારણ કરવાથી અને ઔષધરૂપે ઉપયોગ કરવાથી કામશક્તિ જાગૃત થાય છે. નિ:સંતાનોને સંતાનપ્રાપ્તિ થાય છે.

પરિચય

મીંઢળનું વૃક્ષ 15 ફૂટ જેટલું ઊચું અને કંટકોયુક્ત હોય છે. જેના કાંટાઓ એકથી બે ઇંચ લાંબા અને તીક્ષ્ણ હોય છે. મદનફળ એકથી દોઢ ઇંચ લાંબા અને અખરોટ આકારનાં હોય છે. તેનાં મૂળ, પાન, ફૂલ, ફળ અને છાલ ઔષધરૂપે પ્રયોજાય છે.

મદનફળ-મીંઢળ મધુર, કડવું, સ્વભાવે ઉષ્ણ, મળને ખોતરનાર, પચવામાં હળવું, ઊલટી કરાવનાર, ગૂમડાને મટાડનાર, વ્રણ, કોઢ, આફરો, સોજો, ગોળો તથા પિત્ત અને શરદીને મટાડનાર છે.

ઉપયોગો

સહેજ ગરમ પાણીમાં લસોટીને મીંઢળનો લેપ નાભિની આસપાસ કરવાથી નાભિશૂળ મટે છે. દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ તૈયાર કરવો. રાત્રે સૂતી વખતે આ લેપ ખીલના ડાઘાઓ ઉપર લગાવવાથી ડાઘાઓ દૂર થાય છે. મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કૂંડાળાં પર લેપ કરવાથી કાળાશ દૂર થાય છે.

મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધ છે. કોઈ પણ પ્રકારની હાનિ, ઉપદ્રવ વગર મીંઢળ ઊલટીઓ કરાવે છે. સહેજ નવશેકા પાણી સાથે એકથી બે ચમચી મીંઢળનું ચૂર્ણ આપવાથી થોડીવારમાં ઊલટીઓ થવા લાગે છે. વિષ ભક્ષણ વખતે તેને બહાર કાઢવા માટે અને વધી ગયેલા પિત્તના શોધન માટે મીંઢળ ઉત્તમ ઔષધ ગણાય છે. વામક ગુણ સિવાય ખાંસી, શરદી, ગૂમડાં, વ્રણ, વીદ્રધી વગેરેમાં પણ તે પ્રયોજાય છે. પાણીમાં ઘસીને ગૂમડા ઉપર તેનો લેપ કરવાથી ગૂમડું બેસી જાય છે.

જો બે મીંઢળનું ચૂર્ણ નવશેકા પાણી સાથે આપવામાં આવે તો તરત જ દસેક મિનિટમાં ઊલટીઓ થવા લાગે છે. ઊલટી થયા પછી પાછું ગરમ પાણી(નવશેકું) પીવડાવવામાં આવે તો પુનઃ ઊલટીઓ થાય છે.

મીંઢળનાં બીજનું ચૂર્ણ બેથી ત્રણ ગ્રામ દૂધ, સાકર, કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામશક્તિ જાગૃત થાય છે અને નિ:સંતાનોને સંતાનપ્રાપ્તિ થાય છે. મીંઢળના ચૂર્ણના ઉકાળામાં કપડું પલાળીને તેની વાટ યોનિમાં મૂકવામાં આવે તો યોનિપ્રદેશની ખંજવાળ દૂર થાય છે. આ વાટ યોનિપ્રદેશમાં મૂકવાથી ત્યાં રહેલા સૂક્ષ્મ જંતુઓ જે શુક્રાણુઓનો નાશ કરે છે, તે સૂક્ષ્મ જંતુઓનો નાશ થઇ જાય છે. આ સિવાય શ્વેતપ્રદર, રક્તપ્રદર, ચાંદી વગેરેનો પણ આ વાટ નાશ કરે છે.

મીંઢળ તેના આ અતિ ઉત્તમ ગુણોને લીધે જ લગ્નસંસ્કાર વખતે વર-કન્યાના કાંડે બાંધવાનો રિવાજ નવદંપતીને એવો ઈશારો કરે છે કે, કદાચ તેઓ ચરમ લક્ષ સંતાનોત્પાદનમાં સફળ ન થાય તો આ ફળનો ઉપયોગ કરે. તેમજ વર કે કન્યાને જો આહારમાં વિષ આપવામાં આવે તો એવા સંજોગોમાં આ મીંઢળના પ્રયોગથી ઊલટી કરાવીને મૃત્યુકારક વિષને બહાર કાઢી શકાય.