મુહમ્મદ અલી ક્લેને અપની બાયોગ્રાફી મેં એક બહુત અચ્છી બાત લિખી હૈ: ચેમ્પિયન વો હૈ કિ જબ વો ગિરને વાલા હો ઝમીં પે, ઉસ વક્ત કહીં અપની સિસ્ટમ મેં સે એનર્જી ઈકઠ્ઠા કરકે સામને વાલે કો એક નોકઆઉટ પંચ માર સકે. અગર ઉસમેં યે સલાઈયત હૈ તો વો ચેમ્પિયન હૈ. જબ વો કેનવાસ પે ગિરને વાલા હૈ, ઉસ વક્ત યે કામ કર સકે. ઔર યહી કામ આર. ડી. બર્મનને કિયા. હાલાતને ઉન્હેં પૂરી તરહ ઝખ્મી કર દિયા થા, તોડ દિયા થા. લેકિન વો આર. ડી. બર્મન થા, ચેમ્પિયન થા. ઉસને અપને અંદર કી સારી એનર્જી જમા કરકે વો નોકઆઉટ પંચ નાઈન્ટીન ફોર્ટી ટુ અ લવ સ્ટોરી કે મ્યુઝિક મેં દે દિયા.

મજા જુઓ કે લખવાનું શરૂ કરવું છે બોક્સિંગ જેવી ભરપૂર મર્દાના રમતના વર્લ્ડ ચેમ્પિયન કેશ્યસ ક્લે ઉર્ફે મુહમ્મદ અલી વિશે અને વાતની શરૂઆત થાય છે નાજુક સંવેદનોના શબ્દસ્વામી જાવેદ અખ્તરે એટલી જ બારીક લાગણીઓને ઝંકૃત કરનારા આર. ડી. બર્મનને આપેલી અંજલિના આ શબ્દો દ્વારા!

રમતગમત મારો વિષય નથી અને બોક્સિંગ તો નહીં જ, પણ ઝઝૂમવું મારો વિષય છે. કેનવાસ પર ચત્તાપાટ પડીને ધોળે દિવસે તારા દેખાય એવી પરિસ્થિતિમાં રેફરી દસની ઊંધી ગિનતી શરૂ કરીને એક પર પહોંચે ત્યાં જ ચિત્તાની ચપળતાથી ઊછળીને ફરી ગેમ શરૂ કરવી એ મારો વિષય છે. ડાઉન એન્ડ આઉટ જાહેર થઈ ગયા પછી ફરી એકવાર ચેમ્પિયન બનવું એ મારો વિષય છે.

પિતા કેશ્યસ ક્લેને ત્યાં જન્મીને કેશ્યસ ક્લે જુનિયર નામ ધારણ કરીને આ બ્લેક અમેરિકને બોક્સિંગની દુનિયામાં તહલકો મચાવ્યો. ક્રિશ્ચિયનમાંથી મુસ્લિમ બનીને મુહમ્મદ અલી નામ ધારણ કર્યું. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી અમેરિકન સરકારે એના પર ત્રણ વર્ષ સુધી બોક્સિંગ રમવા પર પ્રતિબંધ મૂક્યો એટલું જ નહીં એનો પાસપોર્ટ પણ રદ જાહેર કર્યો, જેથી બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપની રમતમાં ભાગ લેવા માટે બીજા કોઈ દેશમાં ન જઈ શકે. આ અને આવા અનેક ઝંઝાવાતો સામે આ બોક્સરે જીદ પકડીને ઝીંક ઝીલી, ઘવાયો, તૂટ્યો પણ નાસીપાસ ન થયો અને અંતે વિજેતા બન્યો. આજીવન વિજેતા રહ્યો. મર્યો પણ વિજેતા તરીકે. 2016માં 74 વર્ષના આયુષ્યનાં છેલ્લા ત્રીસ વર્ષ પાર્કિન્સન ડિસીઝ સામે ઝઝૂમ્યો પણ છેવટ સુધી અણનમ રહ્યો.

મુહમ્મદ અલીએ `ધ ગ્રેટેસ્ટ: માય ઓન સ્ટોરી'ના નામે આત્મકથા `લખી' છે, જેનું લેખનકાર્ય રિચર્ડ ડર્હમે કર્યું છે અને ટોની મૉરિસને એનું એડિટિંગ કર્યું છે. આ ઉપરાંત મારી પાસે 1985માં 45 રૂપિયાની કિંમતે બ્રાન્ડ ન્યૂ ખરીદેલી `ધ પ્લેબૉય ઈન્ટરવ્યૂ'ની 700 પાનાંની હાર્ડ બાઉન્ડ કોપી છે, જેમાં સપ્ટેમ્બર, 1964માં લેવાયેલો કૅશ્યસ ક્લેનો ઈન્ટરવ્યૂ છે અને નવેમ્બર 1975માં લેવાયેલો મુહમ્મદ અલીનો પણ ઈન્ટરવ્યૂ છે. પહેલો ઈન્ટરવ્યૂ એલેક્સ હેલીએ લીધો છે. સ્વયં બ્લેક રાઈટર. પોતાની પંદર પેઢી અગાઉના પૂર્વજોને ખોળવાની કથા એલેક્સ હેલીએ `રૂટ્સ'માં લખી છે. સિડનહેમ કોલેજમાં મારી સાથે ભણતા એક મિત્રે મારી 16મી વર્ષગાંઠે આ દળદાર `રૂટ્સ'ની નકલ મને ભેટ આપી હતી.

મુહમ્મદ અલી ભડભડિયો હતો, બોલ બચ્ચન હતો, પણ એ બીજાને ઉતારી નહોતો પાડતો. પોતે ગ્રેટેસ્ટ છે એવું માનતો અને બોલતો પણ ખરો, પણ બીજાઓ છછુંદર છે એવું માનતો પણ નહીં, બોલવાની વાત તો બાજુએ રહી.

મુહમ્મદ અલીની શારીરિક ક્ષમતા એણે પોતાનામાં ખીલવેલી માનસિક ક્ષમતાને આભારી હતી. તમારે મેરેથોનમાં જીતવું હોય કે એવરેસ્ટનું આરોહણ કરવું હોય, માત્ર શારીરિક ક્ષમતાથી કોઈ કામ થતું નથી. મુહમ્મદ અલી જિંદગીના આરંભથી જ આ વાત સારી રીતે જાણી ગયેલો. એક્સરસાઈઝ કરવાની બાબતમાં એ કહેતો: `હું કેટલા સિટ-અપ્સ કરું છું એની કોઈ ગણતરી રાખતો નથી. પછી જ્યારે કરતાં કરતાં હર્ટ થવાનું શરૂ થાય ત્યારે હું ગણતરી શરૂ કરું છું, વન, ટુ, થ્રી...'

મુહમ્મદ અલીનાં આવાં કેટલાંય વાક્યો જગમશહૂર છે. એની લાઈફમાં ઊંડા ઊતરતા પહેલાં એના આ ક્વોટેબલ ક્વોટ્સ થકી એનો મિજાજ જાણીએ:

1. સામે દેખાતો ઊંચો પહાડ તમને થકવી નહીં નાખે, પગમાં પહેરેલા જૂતામાંની કાંકરી તમને આગળ વધવા નહીં દે.

2. વીસ વર્ષની ઉંમરે પોતે જે રીતે દુનિયાને જોતો એ જ રીતે જે 50 વર્ષની ઉંમરે પણ દુનિયાને જુએ છે, તેણે જિંદગીનાં ૩0 વર્ષ વેડફી નાખ્યાં છે.

૩. બોક્સિંગની રિંગની અંદર કે એની બહાર પટકાઈને નીચે પછડાઓ એમાં કંઈ ખોટું નથી. ખોટું છે પછડાયા પછી ત્યાંને ત્યાં પડી રહેવામાં.

4. ટ્રેનિંગની એક-એક સેકન્ડને હું ધિક્કારતો, પણ જાતને કહેતો: છટકવાનું નથી, અત્યારે સહન કરી લે, પછી આખી જિંદગી ચેમ્પિયન બનીને જીવીશ.

5. કોઈ પણ રમત બોક્સિંગ રિંગમાં હજારો પ્રેક્ષકોની હાજરીમાં જિતાતી કે હરાતી નથી. એ કામ તો જિમમાં થતું હોય છે, જિંદગી જે રીતે જિવાય છે એ દરમ્યાન થઈ જતું હોય છે.

6. જેનામાં શ્રદ્ધા નથી, આત્મવિશ્વાસ નથી એ પડકારો લેતા ડરે છે. મને મારા પર ભરોસો હતો.

7. ફ્રેન્ડશિપ એટલે શું તે તમને કોઈ સ્કૂલમાં જઈને શીખવા નથી મળવાનું, પણ જો તમે ફ્રેન્ડશિપ એટલે શું તે શીખ્યા ન હો તો જિંદગીમાં કશું નથી શીખ્યા.

8. જેનામાં જોખમો ઉઠાવવાની સાહસિકતા નથી એણે જિંદગીમાં કંઈ જ મેળવ્યું નથી.

9. જ્યારે કોઈ સારો જવાબ ન મળે ત્યારે મૌન એ જ સુવર્ણ ઉત્તર છે.

10. (બોક્સિંગ રિંગમાં) પતંગિયાની જેમ (હવામાં) તરવાનું અને મધમાખીની જેમ ડંખવાનું.

ફ્લોટ લાઈક અ બટરફલાય એન્ડ સ્ટિન્ગ લાઈક અ બી. મુહમ્મદ અલીના આ મોસ્ટ ફેમસ શબ્દો. આ શબ્દો એની સમગ્ર કારકિર્દીની ઓળખસમાન છે.

કોઈ પણ વ્યક્તિને ઝળહળતી સફળતા મેળવવા માટે કોઈ એક બીજી વ્યક્તિનો સાથ જોઈએ. સફળતા કદાચ એકલા હાથે મળી જાય, પણ વન પ્લસ વન ઈઝ ઈક્વલ ટુ ઈલેવનવાળી ઝળહળતી સફળતા એના જીવનમાં ત્યારે જ સર્જાય જ્યારે બીજી એક વ્યક્તિનાં ધગશ, મહેનત, કાળજી, પ્રોત્સાહન અને ટેલેન્ટ ઉમેરાય. એ બીજી વ્યક્તિ એનો ભાઈ હોઈ શકે, એનો કોચ હોઈ શકે, એનાં મા કે બાપ કે પત્ની કે ગર્લફ્રેન્ડ હોઈ શકે, એનો મૅનેજર કે સેક્રેટરી પણ હોઈ શકે.

 મુહમ્મદ અલીની કરિયરમાં જ નહીં, એના જીવનમાં પણ જબીર હર્બર્ટ મુહમ્મદે મોટો ફાળો ભજવ્યો. એણે 1966થી મુહમ્મદ અલીની પ્રોફેશનલ બોક્સિંગ કરિયર મેનેજ કરવાનું શરૂ કર્યું, જે કામ 1981માં મુહમ્મદ અલીની નિવૃત્તિ સુધી એ કરતો રહ્યો. બોક્સિંગમાંથી રિટાયર થયા પછીનાં 10 વર્ષ સુધી પણ જબીરે મુહમ્મદ અલીનું એન્ડોર્સિંગ સહિતનું બધું જ પ્રોફેશનલ કામકાજ મેનેજ કર્યું. મલ્ટિ મિલિયન ડોલર્સની કમાણી કરી આપતા કોન્ટ્રાક્ટ્સ જબીરના નેગોશિયેશન્સને લીધે મુહમ્મદ અલીને મળતા થયા.

 કદાચ એટલે જ મુહમ્મદ અલી કહેતો કે બોક્સરે જિમમાં પણ રહેવાનું હોય છે અને લોયરની ઑફિસમાં પણ, રિંગમાં પણ રહેવાનું હોય છે અને એકાઉન્ટન્ટની ઓફિસમાં પણ. મુહમ્મદ અલી જ્યારે જિમમાં ટ્રેનિંગ લેતો અને રિંગમાં જઈને ચેમ્પિયનશિપ માટે લડતો ત્યારે જબીર હર્બર્ટ મુહમ્મદ લોયર્સ સાથે બેસીને મુહમ્મદ અલીના કોન્ટ્રાક્ટ્સની બારીકીઓને ઝીણવટથી તપાસતો, એકાઉન્ટન્ટ સાથે બેસીને એની કમાણીમાંથી નિયમિત ટેક્સ ભરતા રહીને સધ્ધર અને સલામત ઈન્વેસ્ટમેન્ટ્સના એવેન્યુઝ શોધતો.

 જબીર ઉંમરમાં મુહમ્મદ અલી કરતાં મોટો. 2008માં એ 79ની ઉંમરે ગુજરી ગયો. ઈન્ડિપેન્ડન્ટલી એ બિઝનેસમેન હતો. ઈસ્લામનો પાક્કો બંદો.

મુહમ્મદ અલી અને બીજા સાથીઓની મદદથી જબીરે શિકાગોમાં એક મસ્જિદ પણ બાંધી. મુહમ્મદ અલીએ કહ્યું છે કે જબીર હર્બર્ટને પૂછ્યા વિના એણે કરિયરનો એક પણ નિર્ણય લીધો નહોતો.

 છ ફીટ ત્રણ ઈંચની હાઈટ ધરાવતા હૅવી વેઈટ બોક્સિંગ ચેમ્પિયન મુહમ્મદ અલીએ વિયેતનામ વોરમાં લડવા જવાની ના પાડી. અમેરિકન નાગરિક તરીકે એણે યુ.એસ. આર્મ્ડ ફોર્સીસમાં ભરતી માટે બોલાવે તો જવું જ પડે. 28 એપ્રિલ, 1967ના ભરતીના દિવસે હ્યુસ્ટનના આર્મી કેમ્પમાં એ હાજર થયો પણ ખરો, પણ એનું નામ બોલાયું ત્યારે એ આગળ ન આવ્યો. ત્રણ-ત્રણ વાર નામ બોલાયું. ઓફિસરે એને ચેતવણી આપી કે તું ફોજદારી ગુનો કરી રહ્યો છે, તને પાંચ વરસની જેલ અને દસ હજાર ડોલરનો દંડ થઈ શકે એમ છે. ફરી વાર નામ બોલાયું અને મુહમ્મદ અલી ટસનો મસ ન થયો. તાબડતોબ એની ધરપકડ કરવામાં આવી. એ જ દિવસે ન્યૂયોર્ક સ્ટેટ એથ્લેટિક કમિશને એનું વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઈટલ રદ જાહેર કરીને એના બોક્સિંગ રમવા પર પ્રતિબંધ મૂક્યો. દેશના બીજા બોક્સિંગ એસોસિયેશને પણ એને બાન કર્યો.

 કોર્ટમાં કેસ ચાલ્યો. મુહમ્મદ અલીએ કહ્યું કે મારો ધર્મ (ઈસ્લામ) મને યુદ્ધ કરવાની ના પાડે છે. હું શાંતિમાં માનું છું. મારો ધર્મ શાંતિનો ધર્મ છે. માત્ર 21 મિનિટ સુધી સામસામી દલીલો થઈ અને મુહમ્મદ અલીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો. અલીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. ત્રણ વર્ષે ચુકાદો આવ્યો. મુહમ્મદ અલી કોર્ટમાં પણ વિજેતા જાહેર થયો.

 બાય ધેટ ટાઈમ, અમેરિકાની પ્રજામાં વિયેતનામ વોર અંગે સરકાર સામે ખાસ્સી એવી ચડભડ થઈ ગયેલી. પ્રજા સરકારની ખિલાફ હતી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી મુહમ્મદ અલી અમેરિકનોનો હીરો બની ગયો.

 મુહમ્મદ અલીનો આઈ.ક્યૂ. 78 હતો. એંશીથી નીચે જેનો આઈ.ક્યૂ. હોય તેઓ ડોબા કહેવાય અને 140 પ્લસ હોય એ જિનિયસની કેટેગરીમાં આવે. મુહમ્મદ અલી કહેતો, `મેં ક્યાં એવું કહ્યું છે કે હું સ્માર્ટેસ્ટ છું, હું તો ખાલી એટલું જ કહું છું કે હું ગ્રેટેસ્ટ છું!'

 બાકી આવતા બુધવારે

સાયલન્સ પ્લીઝ!

લોકોને પોતાની પાસે શું છે એનો ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે એ જતું રહે છે. જેમ કે, પ્રેસિડેન્ટ કેનેડી, એમના જેવું બીજું કોઈ નહોતું. બીટલ્સ અને મારો પ્રિય એલ્વિસ પ્રિસ્લી. `હું બોક્સિંગનો એલ્વિસ હતો.'