ઘણી બધી જાહેરાતોમાં, ટીવી એડ્સમાં, ફિલ્મોમાં સવારનું દૃશ્ય દેખાડવામાં આવતું હોય છે. એમાં કોઈ ભઈલો કે બેનડી સવારે નીંદરમાંથી, ઊંઘમાંથી જાગી રહ્યાં હોય એવું દેખાડવામાં આવતું હોય છે અને એ ભઈ કે બુન ઊંઘમાંથી જાગે ત્યારે એ એકદમ તાજામાજા, તરવરિયા, સ્ફૂર્તિમય હોય એવો સીન રજૂ થતો હોય છે. ઊંઘમાંથી જાગતાંવેત એ લોકો પથારીમાં ચાદર ફંગોળી, એક ઝટકા સાથે `સટ્ટાક' દઈને પલંગમાંથી કૂદીને ઊભાં થતાં હોય છે. નવો દિવસ, નવી સવાર, નવી શરૂઆત, નવી તાજગી, નવો ઉમંગ, જોમ, જુસ્સો એવી ગેબી ભાવના સાથે એ છલાંગ મારી સમાજ, દુનિયા સામે ધસી જતાં હોય છે.
પણ હકીકતમાં એવું બધું થાય છે ખરું? આપણા બધાયની `સવારો' આવી જોરદાર તાજગીમય, જબરજસ્ત સ્ફૂર્તિવાળી હોય છે ખરી?
ના ભઈ ના. આપણા બધાયની સવાર તો ખૂબ જ ધીમી, સુસ્ત, સ્લોમોશનવાળી એકદમ `ઢીલી ઢસ' હોય છે. આપણામાંના મોટાભાગના લોકો તો કમને જાગતા હોય છે. પેલી જાહેરાતમાં કૂદકો મારીને, સ્ફૂર્તિથી જાગનારાઓની સામે આપણે માંડ માંડ પથારીમાંથી ઊભા થઈએ છીએ. ઊભા થઇ દોડવાની જગ્યાએ આપણે ઢસડાતી ચાલે, ખસડફસડ કરતા પથારીથી દૂર જઈએ છીએ. ફોન-ઘડિયાળના `એલારામ'થી માંડ જાગેલા આપણે હજી તંદ્રામાં જ હોઈએ છીએ. હોરર ફિલ્મમાં હાથ લાંબા કરી, પગ ઢસડી ચાલનારા ભૂતડા-ઝોમ્બીની જેમ આપણે ચાલતા હોઈએ છીએ. વરસાદમાં પલળેલા કૂકડા જેવો આપણો દેખાવ હોય છે. વાળ વિખાઈને વિચિત્ર રીતે, પંક સ્ટાઈલની જેમ ઊભા હોય છે. આંખો માંડ ખૂલતી હોય છે, એમાં ચીપડા ચોંટેલા હોય છે. આવી હાલતમાં આપણે તદ્દન બાઘા, બબૂચક, ડફોળ, લલ્લુ-ઉલ્લુ જેવા દેખાતા હોઈએ છીએ. પછી મોઢાબોઢા ધોઈ, આંખો પર પાણીની છાલકો મારી, રાક્ષસો જેવા જાતજાતના અવાજો કરી બ્રશ-ઉલ કરી, ચા-કોફી પી લઈએ પછી આપણને ભાન પડતું હોય છે કે આપણે કોણ છીએ, ક્યાં છીએ, કેમ છીએ. પેલી જાહેરાતો જેવી અદ્ભુત સવાર તો આપણી કોઈની, ક્યારેય, ક્યાંય પડતી જ નથી.
`રીલ લાઇફમાં' પેલો કે પેલી સવારે ઊઠે ત્યારે એને પક્ષીઓના અવાજો સંભળાય ને પછી એ ખુશખુશાલ થઈ દોડવા જાય છે. `રિઅલ લાઇફમાં' એવું કશું જ થતું નથી. જાગવા માટે આપણને મોટા અવાજવાળા `એલારામ'ની જરૂર પડે છે. (અહીં અમે બીજી વાર `એલારામ' લખ્યું છે, કેમ કે આપણે એલાર્મ ને એલારામ કહીએ છીએ) ફોનમાંથી વાગતા ભાંગડાના ઢોલ-ચિચિયારીના અવાજોથી આપણે માંડ માંડ જાગીએ છીએ. આપણને સવારમાં પક્ષીઓનો મધુર અવાજ, વાંસળીના સૂર, મંદિરનો ઘંટારવ નહીં, પણ કૂતરાના ભસવાના અવાજો, શાકવાળાની અને ફેરિયાની બૂમો સંભળાતી હોય છે. ક્યારેક પાર્કિંગ માટે કે પછી પાણી માટે ઝઘડતા પાડોશીઓની રાડારાડીથી આપણી સવાર પડે છે.
ફિલ્મોમાં, ટીવી સીરિયલ્સમાં કે જાહેરાતોમાં લોકો (ખાસ કરીને હિરોઈન) સવારે ઊઠીને આળસ મરડે છે યાનિ કી અંગડાઈ લેતી હોય એવું `કમનીય' દૃશ્ય દેખાડવામાં આવતું હોય છે. આપણાં ઘરોમાં આવી અંગડાઈઓ ક્યારેય લેવાતી નથી, કેમ કે ભ્રષ્ટાચાર જેવી ફૂલેલી કાયાવાળા આપણે જો અંગડાઈ લેવા જઈએ તો રૂમમાં દોરી પર સૂકવવા માટે લટકાડેલા લેંઘા-લુંગીમાં આપણા હાથ ભેરવાઈ જાય અને આપણે એ `ગુચ્ચ્મ' ઉકેલવામાં ગુલાંટિયા ખાઈ જઈએ.
ઘણી ફિલ્મોમાં સવારે હીરો કે હિરોઈન પોતાના આશિક-માશૂકને ફોન કરી મીઠા અવાજે ગૂડ મોર્નિંગ કહેતાં હોય છે. આપણા મોબાઈલમાં તો સવારના પહોરમાં બોસનો કૉલ આવે છે. આપણો જાડિયો બોસ એનું શરીર ઘટાડવા બગીચામાં ચડ્ડો પહેરી દોડવા ગયો હોય ત્યારે એ બાહુકને કોઈ અર્જન્ટ કામ યાદ આવે છે અને આપણને ફોન કરી હાંફતા અવાજે હુકમો છોડી પાછો દોડવા માંડે. આપણે પણ `યસ સર, યસ સર.' કરી તૈયાર થવા માટે ઘરમાં દોડવા માંડીએ છીએ.
ફિલ્મોમાં, ટીવી પ્રોગ્રામમાં સવાર પડે ત્યારે બારીમાંથી સોનેરી સૂરજ ઊગતો દેખાતો હોય છે, જ્યારે આપણને બારીમાંથી સામેના ઘરનાં કપડાં સુકાતાં દેખાય છે, કોઈ કાકા કોગળા કરતા દેખાય છે, સફાઈ કામદાર ઝાડુથી ધૂળ ઉડાડતો દેખાય છે.
ટૂંકમાં, ફિલ્મોની, ટીવીની સવારો એ બધી કલ્પનાની દુનિયા છે, જ્યારે આપણા બધાની સવાર એ વાસ્તવિક દુનિયા છે, પણ બોસ, સરખી રીતે જીવો તો એ કલ્પનાની સવાર, વાસ્તવિક સવાર બને ખરી હોં.