આ સવાલનો જવાબ સૌ પોતપોતાની રીતે આપી શકે, પરંતુ એક સાવ સાદી છતાં ભારે ભયાનક એવી કથામાં સમગ્ર માનવજાતના જીવનનું એકદમ ચોટદાર નિરૂપણ થયેલું છે. આ કથાને રશિયન લેખક ટોલ્સ્ટોયે પોતાની આત્મકથામાં ઇસ્ટર્ન ફેબલ-પૂર્વની દંતકથા રૂપે ટૂંકમાં આલેખી છે.

અસલમાં એ મહાભારતમાં નોંધાયેલી કથા છે. ટોલ્સ્ટોયની આત્મકથામાં વધુ ઊંડા ઊતરતા પહેલાં મહાભારતમાં નોંધાયેલી એ `સમૃદ્ધ' કથા જાણી લઈએ.

સિચ્યુએશન આ પ્રકારની છે.

યુદ્ધમાં હારી ચૂકેલા અને સોએ સો પુત્રો ગુમાવી ચૂકેલા મહારાજા ધૃતરાષ્ટ્ર કજીયે ચડેલા બાળકની જેમ ફર્શ પર આળોટી રહ્યા છે અને વિલાપ કરી રહ્યા છે. એ વખતે નાના ભાઈ વિદુર મોટા ભાઈ ધૃતરાષ્ટને આ કથા કહે છે. આરંભે જ વિદુરજી એવી સ્પષ્ટતા કરે છે કે મોટા મોટા મહર્ષિઓ દ્વારા કહેવાયેલી આ કથા છે. કથા આ પ્રમાણે છે...

એક વિશાળ દુર્ગમ વનમાં એક માણસ યાત્રા કરી રહ્યો હતો. ફરતો ફરતો એ જંગલના એવા ભાગમાં પહોંચી ગયો જ્યાં અતિ ભયાનક પ્રાણીઓનો વાસ હતો. જોરથી ગર્જના કરતા સિંહો, વાઘો, હાથીઓ અને રીંછોએ સમગ્ર વિસ્તારને ભયપ્રેરક બનાવી દીધો હતો. પહાડો જેટલા ઊંચા અને પાંચ માથાવાળા નાગ ત્યાં ફૂંફાડા મારી રહ્યા હતા. અચાનક પેલા માણસે જોયું કે આ આખું ભયાનક જંગલ ચારે તરફથી એક જાળીથી ઘેરાયેલું હતું અને એક અત્યંત ખતરનાક સ્ત્રી એના બંને હાથ વડે જંગલને આવરીને ઊભી હતી.

અત્યંત ભયભીત થઈ ચૂકેલો એ માણસ ચારે તરફ કોઈ સુરક્ષિત સ્થાન શોધવા માટે દોડાદોડી કરી રહ્યો હતો. એવામાં ઘાસ, ડાળીઓ અને વેલીઓથી ઢંકાયેલા એક કૂવામાં એ પડી ગયો. એ છેક નીચે ન પડ્યો. કૂવાની ધાર પાસે ઊગેલા વૃક્ષની ડાળીઓમાં એ માણસના પગ ભરાઈ ગયા. પરિણામે એ કૂવામાં ઊંધા માથે લટકી ગયો. એનું માથું કૂવાના તળિયા તરફ હતું અને પગ આકાશ તરફ હતા. એ માણસે નીચે જોયું તો એક મહાબલિ નાગ મોં ફાડીને બેઠેલો દેખાયો. પછી ડોક ખેંચીને એણે ઉપરની તરફ જોયું તો એક અતિ મહાકાય હાથી કૂવાની ધારના ઢોળાવ પર એકદમ ધીમી ગતિએ જાણે એ માણસને પકડવા માગતો હોય એમ આગળ વધી રહ્યો હતો. એ હાથી એકદમ વિચિત્ર હતો. એનાં છ મોઢાં હતાં. એને 12 પગ હતા. પછી પેલા માણસનું ધ્યાન ગયું કે જે ડાળીઓમાં એનો પગ ભરાયેલો હતો અને જેને લીધે એ અધવચ્ચે લટકી રહ્યો હતો એ ડાળીઓને કાળા અને સફેદ રંગના બે ઉંદરો અટક્યા વિના સતત કોતરી રહ્યા હતા. વધુ ધારીને જોતાં એને ભરાયેલા પગની બાજુમાં એક મોટો મધપૂડો દેખાયો. એ મધપૂડા પરની મધમાખી અત્યંત મોટી અને ભયાનક હતી. મધપૂડામાંથી થોડું થોડું મધ રેલાઈ રહ્યું હતું. પેલા માણસના મુખ પાસેના પાંદડાં પર એ રેલાતું મધ ટીપા રૂપે પડી રહ્યું હતું. માણસે પાંદડાં પરનું મધ ચાટ્યું. એને મજા પડી

પછી વિદુરજી આ માણસની સ્થિતિ સમજાવે છેઃ એ પ્રવાસી છ પ્રકારના ભયથી ઘેરાયેલો હતો. 1. જંગલમાંનાં પ્રાણીઓનો ભય. 2. જાળીનું આવરણ ધરાવતા સમગ્ર જંગલને પોતાના આલિંગનમાં લઈને ઊભેલી ભયાનક સ્ત્રીનો ભય. 3. કૂવાના તળિયે બેઠેલા નાગનો ભય. 4. કૂવાના કાંઠે ઊભેલા હાથીનો ભય. 5. એ માણસ જેના આધારે લટકેલો હતો એ ડાળીને કોતરી રહેલા ઉંદરોનો ભય. 6. જરાક પણ વિફરે તો ડંખ મારીમારીને માણસની હાલત ખરાબ કરી શકનારી મોટીમોટી મધમાખીઓનો ભય. આવા છ-છ ભયોથી ઘેરાયેલો હોવા છતાં એ માણસ બધું ભૂલીને મધ પીવાનો આનંદ લેવામાં ડૂબી ગયો.

આ કથા વર્ણવીને વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છેઃ `માણસ સંસારવનમાં આવા ભયંકર ભયોથી ઘેરાયેલો રહીને જીવતો હોવા છતાં એ આશા ટકાવી રાખે છે અને એની અંદર વૈરાગ્ય પેદા થતો નથી.'

પહેલાં તો આ કથાના રૂપકોને સમજી લઈએ. એ જે દુર્ગમ વન છે એ આપણો સમગ્ર સંસાર છે. એમાં જે વિકરાળ પ્રાણીઓ છે એ વિવિધ પ્રકારના રોગો છે. વનને ઘેરીને પેલી જે સ્ત્રી ઊભી છે એ વૃદ્ધાવસ્થા છે. માણસ જેમાં લટકેલો છે એ કૂવો માણસનું શરીર છે. કૂવાના તળિયે જે વિકરાળ નાગ છે એ કાળ છે, જે સૌને છેવટે ભરખી જાય છે. કૂવામાં જે ડાળીઓ સાથે માણસ લટકી રહ્યો છે એ આશા છે. કૂવાની ધારે જે હાથી છે તે સંવત્સર છે, જેનાં છ મુખ એટલે છ ઋતુ અને 12 પગ એટલે 12 મહિના. ડાળીને કાપી રહેલા સફેદ અને કાળા ઉંદરો દિવસ અને રાત છે. મધપૂડાની જે મધમાખીઓ છે એ કામનાઓ છે. મધપૂડામાંથી વહી રહેલો મધ એ કામરસ છે, જેને માણવામાં સૌ માનવી ડૂબેલા છે

છેલ્લે વિદુરજી કહે છેઃ મોક્ષ તત્ત્વના વિદ્વાનો દ્વારા કહેવાયેલી આ દૃષ્ટાંત કથાનો લાભ એ છે કે એને બરાબર સમજીને જે માણસ વૈરાગ્ય ધારણ કરે છે એ સુખી થાય છે અને પુણ્ય મેળવે છે.

હવે આપણે ફરી ટોલ્સ્ટોયની આત્મકથામાં પ્રવેશીએ. આ કથા ટાંક્યા બાદ ટોલ્સ્ટોય પોતાની આત્મકથા આ પ્રમાણે આગળ વધારે છેઃ

આ (કૂવામાં લટકેલા માણસની કથા) કેવળ એક દંતકથા નહોતી. (મારા માટે તો) આ સચ્ચાઈનું એકદમ પ્રામાણિક અને સહેજ પણ નકારી ન શકાય એવું નિરૂપણ હતું. મારી હાલત આ જ હતી. અગાઉ હું આનંદોના ભ્રમમાં ડૂબીને કૂવાના તળિયે બેઠેલા ડ્રેગનના ભયને ભુલાવી-દબાવી શકતો હતો, પણ હવે (46-47ની ઉંમરે) મને એ ડ્રેગન ચોખ્ખો દેખાતો હતો. મધનાં ટીપાંમાંથી હવે હું મોજ મેળવી શકું તેમ નહોતો. લોકો તો મને બહુ કહેતા કે જીવતરનો અર્થ કોઈ સમજી શક્યું નથી એટલે એ બધી માથાકૂટ છોડી દેવા જેવી છે અને વિચારવાને બદલે જીવવામાં જ ડૂબી જવા જેવું છે, પણ હું વિચારવાનું છોડી શકું તેમ નહોતો, કારણ કે જીવનની સાર્થકતા વિશે હું ઘણાં વર્ષોથી વિચારી રહ્યો હતો (એ વિચારો મારામાં જડ ઘાલી ચૂક્યા હતા).

હવે તો મને એ જ દેખાતું હતું કે દિવસ અને રાત વીતી રહ્યાં છે અને મોત નજીક આવી રહ્યું છે. મને માત્ર આ જ દેખાઈ રહ્યું હતું, કારણ કે માત્ર આ જ સત્ય હતું. બાકી બધું જૂઠ હતું.

માણસ હજુ તો પચાસનો પણ ન થયો હોય ત્યારથી મૃત્યુ વિશે આટલું ગંભીર અને ચિંતન કરવા લાગે અને સતત મોતને જોયા કરે એ નોર્મલ બાબત તો નથી, પરંતુ ટોલ્સ્ટોય આમ પણ ક્યાં નોર્મલ હતા. એ અસાધારણ હતા. એટલે જ તો અસાધારણ સ્પષ્ટતા સાથે એમણે જીવનની નિરર્થકતા પણ જોઈ અને પછી સાર્થક જીવન કઈ રીતે જીવવું એનો માર્ગ પણ આગળ જતાં એમણે શોધ્યો.

એમની જે આત્મકથાની આપણે વાત કરી રહ્યા છીએ એના વિશે એક જ વાક્યમાં આવું કહી શકાયઃ નિરર્થકતાથી સાર્થકતા સુધીની યાત્રાનું આલેખન.