પહાડ તો પહાડ જ હોય. એ કુદરતી રીતે પેદા થયો હોય, પણ નિર્જીવ ગણાય. હા, હિમાલય જેવા પહાડો વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને કારણે દુનિયાભરમાં જાણીતા હોય છે. દુનિયામાં સંખ્યાબંધ પહાડો છે, જેઓ કોઈ ને કોઈ ખાસિયતને કારણે જાણીતા હોય છે, પરંતુ ન્યૂઝીલેન્ડમાં આવેલો એક પહાડ એક અલગ કારણસર જ જાણીતો થયો છે. માણસનો દરજ્જો પામનારો દુનિયાનો આ એકમાત્ર પહાડ છે અને તેનું નામ છે, માઉન્ટ ટારાનાકી.
પહાડ કહો કે પર્વત એમ તો ધરતીકંપ જેવી ઘટનાને કારણે માટી કે પથ્થરની શિલાઓ ધરતીની સપાટીથી ઊંચકાઈને સર્જાતો હોય છે. પ્રચંડ ભૂકંપને કારણે હિમાલયની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. પહાડ તો નિર્જીવ જ હોય છે. એવરેસ્ટ જેવા શિખર ધરાવતા હિમાલય જ નહીં દુનિયાના બીજા પહાડો પર પર્વતખેડૂઓ આરોહણ કરીને પોતાની શક્તિ તથા મનોબળનો પરિચય આપતા હોય છે. પહાડો તેમના શિખરોને કારણે જ દુનિયાભરમાં જાણીતા હોય છે. હિમાલય જેવા પહાડો તો વિવિધ ઋતુઓ માટે પણ ઉપયોગી છે. વરસાદ કે ઠંડી માટે પહાડ ઉપયોગી થઈ પડે છે, પરંતુ ન્યૂઝીલેન્ડનો એક પહાડ આજકાલ ચર્ચામાં એટલા માટે આવ્યો છે કે માઉન્ટ ટાકાનાકીને માણસનો દરજ્જો અપાયો છે.
ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડ પર આવેલા બીજા ક્રમાંકના ઊંચા શિખર માઉન્ટ ટારાનાકીની ઊંચાઈ 8261 ફીટ છે. આ પર્વતને એ વિસ્તારમાં રહેતા માઓરી સમુદાયના લોકો પોતાના પૂર્વજ માને છે. ન્યૂઝીલેન્ડના મૂળ નિવાસી ગણાતા માઓરી લોકો માટે આ પહાડ પવિત્ર તો છે જ, પણ સાથે સાથે તેમની સંસ્કૃતિનો એક મહત્ત્વનો હિસ્સો છે. માઓરી લોકો ન્યૂઝીલેન્ડને સફેદ વાદળોની ભૂમિ ગણે છે.18મી સદીમાં બ્રિટિશ ઉપનિવેશવાદ સમય દરમિયાન બ્રિટને વેટાંગીની સદી હેઠળ પર્વત અને તેની આસપાસની જમીન માઓરી લોકો પાસેથી છીનવી લઈને બિનમાઓરી સમુદાયના લોકોને આપી દીધી હતી. લગભગ 10 લાખ એકર જમીન પર ગેરકાયદે કબજો કરી લેવાયો હતો. 1840માં માઓરી સમુદાયનાં હિતોના રક્ષણ માટે બ્રિટિશ ક્રાઉન અને સ્વદેશી લોકો, જનજાતિઓ અને પેટા જનજાતિઓની વચ્ચે સંધિ થઈ હતી.આ સંધિનો હેતુ બંને સમુદાયોની વચ્ચે શાંતિ અને ભાગીદારી સુનિશ્ચિત કરી ન્યૂઝીલેન્ડનો વિકાસ કરવાનો હતો. ખાસ કરીને પ્રકૃતિને જાળવવાનો હેતુ હતો.
આ પહાડને માણસનો દરજ્જો આપવા માટે લાંબી લડાઈ લડવી પડી હતી. અહીંના સ્થાનિક લોકો માને છે કે પહાડને માણસનો દરજ્જો આપવામાં આવે તો સ્થાનિક જનજાતિના લોકો તથા સરકાર સાથે મળીને પહાડની દેખભાળ કરે અને કોઈ પહાડને નુકસાન પહોંચાડે તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે. એ કારણે જ અહીંના લોકો પહાડને માણસનો દરજ્જો આપવા માટે સતત લડત ચલાવતા હતા. ટારાનાકી પહાડને માણસનો દરજ્જો મળે એટલે તેને માણસના અધિકાર પણ મળી જ જાય. આ પ્રશ્ને સંસદમાં પણ લડાઈ ચાલી હતી. ટારાનાકી માઉંગા કલેક્ટિવ રિડ્રેસ બિલ સંસદમાં રજૂ થયું હતું. એ બિલ પસાર થતાં જ ટારાનાકી પહાડને માનવનો દરજ્જો મળી ગયો છે. માનવીનો દરજ્જો મળે એટલે ટારાનાકી પહાડને માણસને મળતા અધિકાર પણ મળી ગયા છે. ટારાનાકી પહાડ અને તેની આસપાસના નાના-મોટા પહાડો તથા મેદાની વિસ્તારને સરંક્ષિત કરવાનો કાયદેસરનો અધિકાર મળી ગયો છે. માણસ તરીકેનો અધિકાર મળતાં જ હવે આ પર્વત પર કોઈનો અધિકાર રહેશે નહીં અને સ્થાનિક જનજાતિના લોકો તેની સુરક્ષા પણ કરશે.
જોકે, આપણને ભલે આ કાયદો અનોખો લાગે કે અચંબામાં મૂકી દે એવો હોય, પણ ન્યૂઝીલેન્ડમાં કુદરતી ચીજોને માણસનો અધિકાર આપવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં 2014માં ઉરેવેરા નામના જંગલને પણ માણસનો અધિકાર અપાયો હતો. એ બાદ 2017માં વાંગાનુઈ નામની નદીને પણ કાયદા હેઠળ માણસના અધિકાર અપાયા હતા. જોકે, ન્યૂઝીલેન્ડમાં પહેલી વખત કોઈ પહાડને માણસનો દરજ્જો અપાયો છે. માણસનો દરજ્જો આપી પ્રાકૃતિક ચીજોને માણસ તરીકેના અધિકાર આપીને ન્યૂઝીલેન્ડ તેની પ્રકૃતિને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત સહિતના દેશોએ પણ પ્રાકૃતિક ચીજોને સંરક્ષિત કરવાનો માર્ગ અપનાવવો જોઈએ એમ નથી લાગતું?