સિપાઈનું કહેવું સાંભળી અમરત શેઠાણીના અઢારેય કરોડ રૂંવાડાં અવળાં થઇ ગયાં. મુખવટો બદલાઇ ગયો. ગોરા ને નમણા મોં પર આડા ઊભા ચાસ પડી ગયા. કેરીની ફાડ્ય જેવી આંખોમાં અગનજ્વાળા પ્રગટવા લાગી. જીભ કાબૂના ખીલા ખેંચાવી ચૂકી હતી. પરિણામની પરવા કર્યા વગર સળગતા સ્વરે કહી દીધું: `દીવાનની માંગણી મને મંજૂર નથી. થાય તે કરી લે.' શેઠની મહાલય જેવી હવેલીમાં સન્નાટો છવાઇ ગયો.

 `શેઠાણી, સંભાળીને બોલો દીવાન માથે શેખ બડેમિયાંના ચારેય હાથ છે.' પછી અસલિયત ઓકતાં લુચ્ચાઈથી કહ્યું: `શેખ વિફરશે એટલે તમારો હંધોય મદ ઊતરી જાશે ને ખેદાનમેદાન કરી નાખશે, હમજ્યા!'

 `હવે જા જા.રાજનું એંઠું ખાનારા.' શેઠાણી કાળઝાળ થાતાં વિફરી ઊઠ્યા: `આગળ બોલીશ તો જીભ ખેંચી લેશ્ય!' પછી ત્રાડ પાડી: `ચોકીદાર! આના માથામાં દીવાનની રાઇ ભરાઇ ગઇ છે. ધક્કા મારીને કાઢો.' આરબ ચોકિયાતના હડહડતા ધિક્કારની ગાંસડી માથે ઉપાડીને આવતલ જણ વાવંટોળના જેમ વછૂટ્યો.

 તે દી' માંગરોળ માથે શેખ બડેમિયાંનાં રાજ તપી રહ્યાં'તાં અને સંપત્તિમાં શેઠ કપૂરચંદનાં તેજ તપી રહ્યાં'તાં. માંગરોળના દીવાનને આર્થિક ભીંસે ભરડો લીધો હતો ત્યારે શેઠ કપૂરચંદે તેમની ભેર તાણી નગદ નાણાં ધીર્યાં'તાં, પણ ધરમ કરતાં ધાડ પડ્યા જેવું થયું હતું. દીવાનના પેટમાં પાપનાં બડબડિયાં બોલવા લાગ્યાં હતાં. નાણાં પાછાં ન આપવાની ખોરી દાનત ગણિકાની જેમ નખરાં કરવા લાગી હતી, પણ સીધી રીતે ના કેમ પાડવી, હાથ ઉલાળીને ઊભા કેમ રહેવું? નાક નહીં તો આંખની શરમ તો નડે! તેથી શેઠને આંટીમાં લેવાના કારસા કરવા લાગ્યા. આંટીમાં આવે તો પોતે શેઠને નિર્દોષ છોડાવે. એટલે લેતી દેતી માંડવાળ થાય.

દીવાનની નજરમાં શેઠનો નવલખો ઘોડો આવ્યો. શેખ આગળ ઘોડાનાં ભરપેટ વખાણ કર્યાં ને શેખે ઘોડો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ દીવાનને તો ધોડવું હતું ને ઢાળ મળ્યો હતો. ચપટી વગાડતાં નગરશેઠની હવેલીએ ઘોડો લેવા સિપાઈને રવાના કરી દીધો હતો, પણ ધોયેલ મૂળા જેમ પાછો આવ્યો હતો.

આ બાજુ શેઠ-શેઠાણી વચાળે ચકમક ઝરવી શરૂ થઇ હતી. શેઠનું કહેવું હતું: `રાજ સામે વાંધો પાડી ઠીક નથી કર્યું.' તો સામે શેઠાણી કહે: `તમતમારે પેટ માથે હાથ રાખી ઊંઘી જાવ. પડશે એવાં દેવાશે' ત્યાં શેઠ ચોખવટ કરતાં કહે: `દીવાનને દીધેલાં નાણાં પાછાં આપવા નો પડે ઇની આ બધીય રાજરમત છે.' પછી શેઠ ઊતરી ગયેલા મોંએ આગળ કહે: `નાણાંની માંડવાળ કરો કાં પેર્યે લૂગડે રાજ છોડવાની તૈયારી રાખો. આવું કીધું છે!' શેઠાણી ઘા ખાઈ ગયાં હતાં ને નેણની ઢીંગલિયું ભેગી કરી, કાળઝાળ થાતાં બોલ્યાં હતાં: `આવી ધમકી તમે સાંભળી પણ લીધી?' શેઠાણી ધાગધાગા થઇ ઊઠ્યાં હતાં. ખાટીમીઠી વાતુંની સાક્ષી એવી હવેલીની દીવાલો અબોલ થઇ ઊભી હતી. શેઠે શાંતિથી કહ્યું હતું: `તમે અથર્યા થાવમાં, તેલ જુઓ, તેલની ધાર જુઓ. રાજ સામે બાથ ભીડવાની છે.' ત્યાં સામે તાડૂકીને શેઠાણીએ કહ્યું હતું: `વખત આવે ભરી પીશું. કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે તે આપણને પેર્યે લૂગડે માંગરોળ બાર્ય કાઢે?' પછી કહે: `તમતમારે જોયા કરો!'

શેઠાણીએ મુનીમ દેવકરણ કંપાણીને ઝટ બોલાવી, ઘટના સમજાવી, આગળનું સંભાળી લેવા કહ્યું.

 આ બાજુ શેખ બડેમિયાં પ્રજાવત્સલ ને દીર્ઘદૃષ્ટા રાજવી પણ દીવાનની વાતોમાં આવી ગયા હતા,

 તેથી શેઠ સાથેના લીલાછમ સંબંધમાં મીઠાનાં હળ હંકાઇ ગયાં હતાં. દીવાનને આટલું જ જોઈતું હતું. તેણે સાગમટા સિપાઈઓ લઈને શેઠની હવેલી માથે હલ્લો કરાવ્યો. અડધીપડધી રાત પસાર થઇ ગઈ હતી.

મોતી જેવું માંગરોળ નગર નિરાંતવું પોઢી ગયું હતું. આભમાં તારોડિયા લબૂકઝબૂક થાતા હતા.

 હવેલી ફરતે આરબ સિપાઈઓનો ચોકી-પહેરો લાગી ગયો હતો. તેની આગેવાની મહામાત્ય મુનીમ સંભાળી રહ્યા હતા ને બીજી બાજુ પુરુષવેશમાં ખુદ અમરત શેઠાણી મોરચો સંભાળી રહ્યાં હતાં. કાળમુખી બંદૂક લઇ રાજના સિપાઈઓ સામે ધણધણાટી બોલાવવા લાગ્યાં હતાં. સામે પણ બટાઝટી બોલવા લાગી હતી.

 ધણણણ કરતું નગર ગાજી ઊઠ્યું ને શેખ બડેમિયાંની ઊંઘ ઊડી ગઇ.ઊંઘરેટી આંખને ચોળતા વાર લાગે એ પેલા સિપાઈને સગડ લેવા મોકલી દીધો. હકીકત જાણી વળતા જવાબે હલ્લો અટકાવી દીધો.

બીજા દિવસે રાજકચેરી ભરાણી. તેમાં દીવાનને રુખસદ આપવામાં આવી. શેઠ-શેઠાણીને અદકો આદર આપવામાં આવ્યો. ભરકચેરીમાં શેખ બડેમિયાંએ કહ્યું: `આ જે કંઇ બન્યું તેનું અમોને ભારોભાર દુઃખ છે, પણ એક વાતનો ગર્વ છે કે, આવી વિરાંગનાઓ રાજમાં છે. અન્યાયમાં રાજ સામે પણ ગોળી ચલાવી શકે!' પછી ગજગજ છાતી ફુલાવીને કહ્યું: `માગી લે બેન, જોઈએ તે માગી લે.' ત્યાં શેઠાણીએ ગરવાઇથી કહ્યું: `માગવું નથી, આપવું છે. આ દીવાન આમેય મરી ગયેલો, તેને આપેલાં નકદ નાણાં માંડવાળ કરીએ છીએ.'

રાજકચેરીમાં વાહ વાહ થવા લાગી. ત્યાં અટકાવીને શેઠાણીએ કહ્યું: `આ ખેલમાં દીવાને અમારા નવલખા ઘોડાને નિમિત્ત બનાવ્યોને!' સામે કોઈ કંઇ બોલે એ પહેલાં જ શેઠાણીએ કહી દીધું: `તો નવલખો ઘોડો પણ રાજને દીધો!' પોરસના લીધે આગળ કોઈ કંઈ બોલી શક્યું નહીં, પણ આ સલુણા ટાણે માંગરોળ નગરના પગ પખાળતો જલાધિરાજ પણ હરખના લીધે બમણા વેગથી ઘૂઘવાટા કરવા લાગ્યો હતો.