દ્વારકા શોધવા માટે ફરીથી સમુદ્રમાં સંશોધન શરૂ થયું છે. એમ માનવામાં આવે છે કે દ્વારકા સોનાની નગરી હતી. એ નગરી આજે ક્યાં છે, એ કોઈ જાણતું નથી, પરંતુ પુરાતત્ત્વશાસ્ત્રીઓ એ શોધવા માટે પ્રયાસ કરતા રહે છે. એમ તો હાલમાં પણ અનેક સ્થળોએ સમુદ્ર ભારે ધોવાણ કરી રહ્યો છે, એ જોતાં ભૂતકાળમાં મહાસાગર ફક્ત દ્વારકાને જ નહીં, પણ સાત સાત સંસ્કૃતિઓને ભરખી ગયો છે!
ભારત આજે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. જોકે, ભૂતકાળમાં અહીં અનેક રજવાડાં હતાં. એ રજવાડું કે શહેરો કે સંસ્કૃતિનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં મળે છે. એ શહેરો કે સંસ્કૃતિઓ એક સમયે ધમધમતી હતી, પણ આજે તેના અવશેષો જ રહ્યા છે. હા, એ ખરું કે એ બધાં નગરોમાં દ્વારકા સૌથી જાણીતું છે. કનૈયાએ દ્વારકા વસાવેલું હતું. એટલે આજે મોટાભાગના લોકો જાણે છે કે દ્વારકા સોનાની નગરી હતી. એ નગરીને સમુદ્ર ભરખી ગયો હતો. એ પૌરાણિક કથા બહુ જાણીતી છે, તેથી અનેક લોકો દ્વારકા અંગે તો જાણે જ છે, પરંતુ એ સિવાય પણ મહાસાગરમાં બીજાં છ નગરોએ જળસમાધિ લઈ લીધી હતી. એ અંગે ભાગ્યે જ કોઈને જાણકારી છે. ભારતમાં ઘણી બધી સંસ્કૃતિઓ અને શહેરો હતાં, જેના અવશેષો આજે સમુદ્રના પેટાળમાં ધરબાઈ ચૂક્યા છે. એ પૈકી કેટલાંય નગરોનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. એ સાત પ્રાચીન નગરોમાંથી દ્વારકા ખાસ જાણીતું છે. બાકીનાં નગરો અંગે પણ જાણવું જરૂરી છે.
સમુદ્રમાં ડૂબી ગયેલી નગરીમાં દ્વારકા પહેલી જ યાદ આવી જાય. કૃષ્ણ ભગવાને દ્વારકા નામનું નગર વસાવ્યું હતું. જોકે, યાદવ કુળનો નાશ થશે એવો શાપ સાચો સાબિત થયો એ પછી દ્વારકા પણ સમુદ્રમાં સમાઈ ગઈ હોવાની ચર્ચા સદીઓથી ચાલતી જ રહી છે. જોકે, એ માત્ર વાયકા નથી, કેમ કે દ્વારકાના ઘણા અવશેષો મળી આવ્યા છે. હાલમાં પણ દ્વારકાના દરિયામાં ફરીથી પુરાતત્ત્વશાસ્ત્રીઓ નગરી શોધવાનું કામ ફરી શરૂ કરી ચૂક્યા છે. હિન્દુઓની માન્યતા છે કે એ સોનાની નગરી સમુદ્રમાં મળી જ આવશે. હવે જોવાનું એ રહે છે કે અત્યાર સુધીના અવશેષો મળતાં ત્યાં કોઈ નગર હોવાની સંભાવના સ્પષ્ટ છે, પરંતુ એ નગરી સોનાની હતી કે કેમ એવા કોઈ પુરાવા મળ્યા નથી. એ સંજોગોમાં હજુ ઘણાં સંશોધનો જરૂરી છે. ગુજરાતમાં માત્ર દ્વારકા જ નહીં, ખંભાતના અખાતમાં પણ કોઈ નગરી હોવાની સંભાવના છે. વિજ્ઞાનીઓ સતત ગુજરાતના દરિયાકિનારે સંશોધન કરતા રહે છે. ખંભાતના અખાતમાં સમુદ્રમાં વૈજ્ઞાનિકોને વિશાળ ખડકો અને રચનાઓ જોવા મળી હતી. એવી માન્યતા છે કે એ રચના પ્રાચીન મંદિરની કે કોઈ નગરની હોવી જોઈએ. લોકોમાં એવી વાયકા છે કે 9 હજાર વર્ષ પહેલાં એ સ્થળે એક નગર હતું, જે સમુદ્રના પાણીમાં ગરક થઈ ગયું છે.
ગુજરાતની વાત નીકળે તો અહીં લોથલ સંસ્કૃતિ વિકસી હતી, એ પણ નામશેષ થઈ ગઈ છે. સિંધુ ખીણની સભ્યતા ભારતની સૌથી જૂની સભ્યતાઓમાંની એક છે. લોથલ અને ધોળાવીરા જેવાં સિંધુ સંસ્કૃતિનાં કેટલાંક શહેરો સમુદ્રના કિનારે આવેલાં હતાં. એવું માનવામાં આવે છે કે સમય જતાં, આબોહવા પરિવર્તન અને પૂરને કારણે નગરના કેટલાક ભાગો ડૂબી ગયા હતા. હવે એ સંસ્કૃતિને શોધવા માટે પ્રયાસ થઈ રહ્યા છે.
દેશનો દરિયાકિનારો મોટો છે, તેથી એ સમુદ્ર કાંઠે વિકસેલાં અનેક નગરો આજે અસ્તિત્વમાં નથી.
એ નગરો મળી આવે તો આપણી પ્રાચીન સંસ્કૃતિ અંગે ઘણાં રહસ્ય ખૂલે એમ છે. દ્વારકા ઉપરાંત કાવેરી નદીના કિનારે પુમ્પુહાર નામનું એક જૂનું બંદર શહેર હતું. તમિલ સંસ્કૃતિ અને વેપાર માટે પુમ્પુહાર બંદર દૂરસુદૂર સુધી ખૂબ જ જાણીતું હતું. જોકે, એમ માનવામાં આવે છે કે આ પ્રાચીન નગર વિશાળ દરિયાઈ મોજાંને કારણે ડૂબી ગયાની માન્યતા છે. નવા યુગમાં પુમ્પુહાર તરીકે જાણીતું કાવેરીપટ્ટિનમ નામનું એક વેપારી શહેર પણ હતું, જે દરિયાકિનારે આવેલું હતું. સમય જતાં દરિયાનું પાણી વધ્યું અને શહેર તેમાં ડૂબી ગયું હતું એમ માનવામાં આવે છે.
એ ઉપરાંત તમિલનાડુમાં જ બીજું મહાબલીપુરમ નામનું એક નગર હતું. મહાબલીપુરમ પથ્થરના બનેલાં સુંદર મંદિરો માટે જાણીતું છે. જોકે, એક માન્યતા એવી છે કે મહાબલીપુરમમાં સાત મંદિર હતાં. હવે એક જ મંદિર દેખાય છે. લોકવાયકા એવી છે કે બાકીનાં 6 મંદિરો સમુદ્રમાં ડૂબી ગયાં હતાં. એ ખરું કે 2004માં પ્રચંડ ધરતીકંપ બાદ સુનામી આવી હતી. એ સુનામી દક્ષિણ ભારતના કિનારા સુધી ભારે નુકસાન વેરી ગઈ હતી. જોકે, એ સુનામી બાદ સમુદ્રની ઊંડાઈએ કેટલાક અવશેષો જોવા મળ્યા હતા. હજુ એ અંગે વધુ સંશોધન થયાં નથી. એ થાય તો જ મહાબલીપુરમ નગર અંગે જાણકારી મળી શકે છે.
એ જ રીતે તમિલનાડુ અને કેરળ નજીક નીલગીરીના દરિયાકાંઠાના વિસ્તારમાં એક એવું પ્રાચીન શહેર હતું, જ્યાં માનવ સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. તમિલ વાર્તાઓમાં તેનો ઉલ્લેખ છે, પરંતુ અત્યાર સુધી તેના વિશે વધુ માહિતી મળી નથી.
સમુદ્ર આખરે પડખું બદલીને પટ બદલતો રહી કેટલાંય નગરોને ભરખી ગયો હશે. ક્યાંક એ જ તો નવા યુગનો પ્રારંભ હશે?