બહુ જ થોડા અમેરિકન સિટીઝન તેમજ ગ્રીનકાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ એમનું સ્કૂલનું ભણતર પૂરું થાય પછી કોલેજમાં જતા હોય છે. મોટાભાગનાઓને વધુ ભણવું નથી હોતું. એમને કમાવવું હોય છે. અમેરિકાની કૌટુંબિક વ્યવસ્થા જ એવી છે કે, સંતાનો અમુક વર્ષનાં થાય પછી એમણે એમનો પોતાનો રસ્તો જાતે જ કરી લેવાનો હોય છે. તેઓનાં મા-બાપો ભાગ્યે જ એમને આર્થિક સહાય કરે છે.
જે વિદ્યાર્થીઓ વધુ શિક્ષણ મેળવવા મોંઘી ફી આપીને યુનિવર્સિટીમાં જાય છે તેઓ સાયન્સ, ટેક્નોલોજી, મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મેકેનિકલ, તબીબી આવા વિષયો શીખવાની ઈચ્છા નથી ધરાવતા. એમનો રસ આર્ટ્સમાં હોય છે. તેઓ સંગીત, ગીત, નૃત્ય, વાજિંત્રો, ચિત્રકાર આવા વિષયોમાં યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું પસંદ કરે છે. આ કારણસર અમેરિકામાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મેકેનિકલ આવા વિષયોમાં જેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય એવા યુવકોની પુષ્કળ ખોટ છે. આ કારણસર જ અમેરિકાએ આવા વિષયોમાં જે કોઈ પણ પરદેશી અમેરિકાની યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો કોર્સ કર્યો હોય એવા પરદેશી વિદ્યાર્થીઓને એમનો અભ્યાસ પૂરો થાય ત્યારબાદ અન્ય સામાન્ય પરદેશી વિદ્યાર્થીઓને જે એક વર્ષનો અમેરિકામાં રહીને કામ કરવાનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પિરિયડ આપે છે એમાં આવા વિદ્યાર્થીઓને વધુ બે વર્ષનો ઓપીટી પિરિયડ આપે છે, જેથી અમેરિકામાં આવું શિક્ષણ પામેલા વિદ્યાર્થીઓની જે ખોટ હોય એ થોડા ઘણા અંશે પૂરી પડે છે.
અમેરિકાનું ઉચ્ચ ભણતર ત્યાંના નાગરિકો તેમજ ગ્રીનકાર્ડધારકો માટે પણ ખૂબ જ મોંઘું છે અને પરદેશી વિદ્યાર્થીઓને તો ત્રણ ગણી વધુ રકમ ટ્યૂશન ફી તરીકે આપવાની રહે છે. અમેરિકન યુનિવર્સિટીઓને એમને ત્યાં પરદેશી વિદ્યાર્થીઓ ભણે એટલે આ પણ એક વધારાનો લાભ થાય છે.
અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રાપ્ત થતું શિક્ષણ ર્નિવિવાદ ઉચ્ચ શિક્ષણ હોય છે. વિશ્વની જે યુનિવર્સિટીઓ એક વખત એમના ઉચ્ચ શિક્ષણ માટે પંકાયેલી હતી, એ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજની યુનિવર્સિટીઓને પણ અમેરિકાની હાર્વર્ડ અને સ્ટેનફોર્ડે પાછળ પાડી દીધી છે. આ કારણોસર વિશ્વના લાખ્ખો વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં એમની ટ્યૂશન ફી અધધધ હોય છે તે છતાં ભણવા જાય છે અને આ પરદેશી વિદ્યાર્થીઓ જ અમેરિકાની યુનિવર્સિટીઓને મબલખ કમાણી કરાવી આપે છે.
અમેરિકાની સરકાર તેમજ અમેરિકામાં આવેલા કંઈકેટલાયે પબ્લિક તેમજ પ્રાઈવેટ ચેરિટેબલ ટ્રસ્ટો અમેરિકાની યુનિવર્સિટીઓને ડોનેશન આપે છે, ગ્રાન્ટ આપે છે, અમુક ખાસ સવલતો આપે છે. આમ, અમેરિકાની યુનિવર્સિટીઓ એમને ત્યાં ભણતા પરદેશી વિદ્યાર્થીઓ તેમજ એમને જુદી જુદી રીતે જે આર્થિક સહાય મળે છે એની ઉપર નભે છે. આજે અમેરિકામાં દસ લાખથી વધુ પરદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એમાં ત્રણ લાખથી વધુ તો ભારતીય વિદ્યાર્થીઓ છે.
બીજી વાર અમેરિકાના પ્રેસિડન્ટ પદે ચૂંટાઈ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ ઈમિગ્રન્ટોની વિરુદ્ધ છે, એમણે સેંકડો પરદેશી વિદ્યાર્થીઓ જેઓ અમેરિકાની જુદી જુદી યુનિવર્સિટીઓમાં નોન ઈમિગ્રન્ટ શ્રેણીના એફ-1 સંજ્ઞા ધરાવતા વિઝા ઉપર ભણી રહ્યા હતા એમને એક ઈ-મેલ મોકલાવીને જણાવ્યું કે, `અમે તમારા સ્ટુડન્ટ વિઝા રદ કરીએ છીએ. સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર ઈન્ફર્મેશન સર્વિસીસમાંથી તમારું નામ કાઢી નાખીએ છીએ. તમે તરત જ અમેરિકા છોડીને તમારા દેશભેગા થઈ જાવ.'
અનેક પરદેશી વિદ્યાર્થીઓને તો આવા ઈ-મેલ પણ મોકલવામાં નથી આવ્યા. એમની યુનિવર્સિટીઓને એમના આ વિદ્યાર્થીના સેવિસ રેકોર્ડ અને સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવ્યા છે એની જાણ કરી છે.
શા માટે આ બધા પરદેશી વિદ્યાર્થીઓના `સેવિસ' રેકોર્ડ કેન્સલ કરવામાં આવ્યા? શા માટે એમના સ્ટુડન્ટ વિઝા પણ કેન્સલ કરવામાં આવ્યા? એનું કારણ જણાવવામાં નથી આવ્યું. આ સેંકડો વિદ્યાર્થીઓ હવે અવઢવમાં પડી ગયા છે. ઘણાએ અમેરિકાની કોર્ટમાં આ ઈ-મેલોને પડકાર્યા છે અને મનાઈહુકમ મેળવ્યા છે, પણ એ તો બધું ટેમ્પરરી છે. કેસનો નિકાલ આવશે ત્યાં સુધી આ બધા વિદ્યાર્થીઓના મનમાં ગભરાટ રહેશે. ભણવામાં એમનું ચિત્ત નહીં ચોંટે અને અન્ય પરદેશી વિદ્યાર્થીઓને પણ બીક લાગવા માંડશે કે એમના સેવિસ રેકોર્ડ તેમજ સ્ટુડન્ટ વિઝા આ જ રીતે તો કેન્સલ કરવામાં નહીં આવેને?
આ કારણે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કે ત્યારબાદ અમેરિકામાં ભણવા જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ વિમાસણમાં પડી ગયા છે. આવી અનિશ્ચિતતાની વચ્ચે લાખ્ખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ભણવા જવું કે નહીં? આવું તેઓ વિચારવા લાગ્યા છે. આ વર્ષે અમેરિકામાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. અમેરિકા ભણવા જવા ઈચ્છતા સેંકડો ભારતીયો હવે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ, રશિયા અને ચીન સુધ્ધાં વધુ અભ્યાસ માટે જવાનું વિચારી રહ્યા છે.
આટલું ઓછું હોય તેમ હાલમાં જ પ્રેસિડન્ટ ટ્રમ્પે એવી જાહેરાત કરી છે કે, હાર્વર્ડ યુનિવર્સિટીને જે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે એ બંધ કરવાના છે અને કદાચ બીજી યુનિવર્સિટીઓની ગ્રાન્ટ પણ તેઓ બંધ કરાવે.
આ બધાં કારણોને લીધે અમેરિકાની યુનિવર્સિટીઓની યાતનાઓ ખૂબ વધી ગઈ છે. હવે તો `વેઇટ એન્ડ વોચ' આ જ એક રસ્તો રહ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ બીજું નવું નવું શું કરે છે અને અમેરિકાની કોર્ટો એમનાં પગલાંઓ વિરુદ્ધ કેવા કેવા ચુકાદાઓ આપે છે એ જોવાનું રહ્યું. હાલમાં તો પરદેશી વિદ્યાર્થીઓની વિમાસણ વધી ગઈ છે અને અમેરિકાની યુનિવર્સિટીઓની યાતનામાં પણ વધારો થયો છે.