ભવાને બાઈકની કિક મારતાં ગુસ્સા સાથે બોલી ગયો હતો: `આલ્લે લે, કર્ય વાત. આ તો ઘર કરતાં ઘરવાળી ડાહી નીકળી!' પણ પછી ધ્રાસકો પડ્યો. તેને તરત જ ઊગી આવ્યું, આવું કે આટલું વધારે બોલવાનું પરિણામ શું આવે? પાર્વતી બોલવામાં કાંઈ બાકી નહીં રાખે. તેની છાતીમાં સલવાયેલી સઘળી પીડા, બળતરા એકસાથે ઓકી નાખશે. પોતાને સામે બોલવા તો શું, નજર નાખવા જેવું પણ નહીં રહે, તેથી વાત વણસી ન જાય તે પહેલાં સભાનતા સાથે સલુકાઇથી કહ્યું: `આજકાલ ભણવા, ભણાવવાની બધાને ખબર છે પાર્વતી, પણ શું ભણાવવું તેની લગભગ કોઈ વાલીને ખબર નથી!'
પાર્વતી જરા પણ ગાજી જાય એમ નહોતી. સળગતી ફૂલઝડી જ જોઈ લ્યો. તેણીએ નેણ નચાવીને ઠાવકાઈથી કહ્યું: `લોકોના પગ ગટરમાં હોય અને ગંગાજળની વાતો કરતા લાગે!' પછી ભડભડતું ભટકાડી જ દીધું: `તમે એવું કાંય ભણ્યા છો? ભણતરની કાંય ખાસ ખબર છે? તો પછી શેની ડંફાશ મારો છો?'
ભવાન ખાસ ભણ્યો નથી, પણ ગણ્યો વધારે છે. જ્યારે પાર્વતી કોલેજનાં પગથિયાં ઘસી ચૂકી છે, પણ ભણતર સાથે ઘડતર થવું બાકી રહ્યું છે. વળી, ઘરમાં એકની એક હોવાથી ભારે લાડકોડમાં ઉછરી છે.
સવારનો ઊઘડતો પહોર હતો. ગામડાના એવા ગમતીલા ગોકીરા વગર સઘળું સૂમસામ ભાસતું હતું. મોટાભાગનાં ઘર ને શેરીઓ ગરીબના ખિસ્સા જેમ સાવ ખાલીખમ હતી. ઢોરઢાંખર તો રહ્યાં નથી અને ખાધાખોરાકી વગર કૂતરાં પણ ઓછાં થઇ ગયાં છે, નહિતર ક્યાંકથી ભસવાનો પણ અવાજ આવે.
ભવાન ગામની પડખેના શહેરમાં ધમધમતા કારખાનામાં કામે જાય છે. ઘરવાળી પાર્વતી ટિફિન કરી આપે ને પછી બાઈક લઈને નીકળી પડે, પણ આજે બાઈક બગડ્યું હોવાથી ઊપડતું નહોતું. તેમાં પાર્વતીએ સમી સાંજથી મુદ્દો છેડ્યો હતો દીકરાને ભણાવવાનો! દીકરો ભણે-ગણે ને સુખી થાય તેમાં ભવાનને અઢળક રાજીપો હતો, પણ પાર્વતીની અપેક્ષા હતી, ત્રિભેટે નવી શરૂ થયેલી સ્કૂલમાં એડમિશન લેવાની.
છેલ્લાં વર્ષોથી ત્રણ-ચાર ગામની સીમમાં એક મોટી ને દેખાવે ભવ્ય સ્કૂલ શરૂ થઇ છે. તે અડખેપડખેનાં ગામોમાંથી પોતાના વાહન દ્વારા વિદ્યાર્થીઓ લઇ આવે છે. પ્રાઇવેટ વાહનમાંથી પતંગિયાં જેવાં બાળકોને જતાં-આવતાં જોઈ પાર્વતીને પણ થયું હતું, પોતાનું સંતાન આ સ્કૂલમાં ભણીને સ્માર્ટ બને.
પણ ભવાનના પગાર પ્રમાણે એ સ્કૂલની ફી પરવડે એમ નથી. એ તો ખરું જ પણ તેનું કહેવું છે: `બોરડીમાં કોઈ દિવસ કેરી ન પાકે અને આંબામાં બોર ન આવે' પણ પાર્વતી અવળું લઈને કહે છે: `તમારા જેવી બોરડીમાં તો ખાટાં બોર જ આવે, પણ મારી સામે તો જુઓ, આંબામાં રસદાર કેરી જ પાકે.'
મૂળ તો આંબો ને બોરડી એક ક્યારામાં રોપાઇ ગયાં જેવું થયું છે. પાર્વતીએ કોલેજ પૂર્ણ કર્યા પછી નોકરિયાત મુરતિયાની રાહમાં ત્રીસી વટાવી ગઈ હતી. પછી બાંધછોડ કરી ભવાન સાથે લગ્ન કર્યાં હતાં. ભવાન જમીન વેચી શહેરમાં મકાન લેશે ને ત્યાં જ નોકરી-ધંધો કરશે, પણ આ બધી શરત ને ભાંજગડમાંથી પાર પડે તે દરમ્યાન દીકરાનું અવતરણ થઇ ચૂક્યું હતું. પછી તો મનેકમને પણ સંસારનું ગાડું ગબડાવવાનું હતું. એક સમયે પાર્વતીને લાગી આવ્યું હતું, ભવાનથી છૂટા થઇ ભરણપોષણ મેળવવું, પણ પછી થયું હતું, ભવાનનો પગાર જ માંડ ત્રણ-ચાર આંકડાનો હતો તેમાંથી મળે શું? મનેકમને વિચારનો વીંટો વાળી લીધો હતો અને છૂટાછેડા લીધેલી એક બહેનપણીનો અનુભવ ખરાબ હતો, તેથી પડ્યું પાનું નિભાવવાનું જ હતું.
પાર્વતીનું કહેવું ભવાનને બરાબરનું અડી ગયું. ક્રોધ આસમાને આંબી ગયો. પરિણામની પરવા કર્યા વગર ધડબડાટી બોલાવી લેવી, જેથી ફરીવાર આવું બોલતા વિચારે. સ્વમાન જેવું કાંઈ હોય કે નહીં?
પણ ભવાને ઊંચા સ્વરે સંભળાવી દીધું: `હે આંબાની કાચી-પાકી કેરી! તેં કોલેજ કરીને શું ઉકાળી દીધું?' પછી ઘા ભેળો ઘચરકો કરી દીધો: `રસોડામાં કૂકરની સિસોટી વગાડ્યા સિવાય બીજું કાંઇ કર્ય છો!'
પાર્વતીને માથાથી પગ લગી બરાબરની આગ લાગી ગઈ. ભડભડ સળગવા લાગી. તેનું ચાલ્યું હોત તો હિચકારું પગલું ભરી લેત, પણ મનમાં તણખો પડ્યો, થયું ભવાનનું કહેવું શું ખોટું છે? કોલેજ કર્યા પછી પણ શું? એક ઘરકૂકડીથી વધારે કાંઈ નથી. તે થોડી ઠરીને સથરી પડી. પછી ધીમા પગલે ભવાન પાસે આવીને ઊભી રહી. કોઈ કાંઈ બોલ્યું નહીં પણ અબોલતા વચ્ચે સૂકાભઠ્ઠ જેવા જીવતરમાં સ્નેહાળ સંવાદ રચાતો રહ્યો. તરસી ભોં તરબોળ થવા લાગી.
`મારી પાસે કોલેજની ડિગ્રી છે તે હું નોકરીની તૈયારી કરું તો...' ભવાને પાર્વતી સામે જોયું. પળભર મૌન રહ્યા પછી ભવાને જીભાન ખોલી: `મારું એ જ કે'વાનું છે. તું નોકરી કર્ય તો શહેરમાં રે'વાનુંય ને આપડા ભટુડાને તું કે'શો એવું ભણવાનુંય થાશે.'
પાર્વતી શાંતિથી સાંભળતી રહી. તે દરમ્યાન ભવાને બરાબરની કિક મારી, બાઈક ધુમાડા ઓકતી ચાલુ
થઇ ગઈ.