આ ભારતીય કથા આપણે સૌ જાણીએ છીએ, પણ એક રશિયન લેખક ટોલ્સ્ટોય એને કઈ રીતે આલેખે છે એ જાણવા જેવું છે. ટોલ્સ્ટોય એમની આત્મકથામાં લખે છે,

એક મોટા રાજ્યનો નાનકડો રાજકુમાર હતો. એ સુખી હતો. માંદગી, બુઢાપો અને મોત એણે ક્યારેય જોયાં નહોતાં. એ બધું એની નજરે ન ચડે તેનું ખાસ ધ્યાન રખાયું હતું. એક દિવસ એ રથમાં બેસીને બહાર નીકળ્યો ત્યારે એણે એક વિચિત્ર માણસ જોયો. એના શરીરે કરચલીઓ હતી અને મોં બોખું હતું. રાજકુમારે સારથિને પૂછ્યું, `આ શું છે?' સારથિએ કહ્યું, `આ બુઢાપો છે. એ સૌને આવે. તમને પણ આવશે.' રાજકુમાર એકદમ વ્યથિત થઈ ગયો. એણે કહ્યું, `રથ મહેલમાં પાછો લો. આ બાબતે મારે વિચારવું પડશે.' મહેલમાં પાછા ફરીને રાજકુમારે પોતાની જાતને એક કક્ષમાં પૂરી દીધી અને ખૂબ મનન બાદ કોઈ રીતે એના મનનું સમાધાન થયું. એટલે એ ફરી એક વાર સારથિ સાથે બહાર ગયો. આ વખતે એણે માંદો માણસ જોયો. એણે સારથિને પૂછ્યું, `આ શું છે?' સારથિએ કહ્યું, `આ માંદગી છે. સૌ માંદા પડે. રાજકુમાર, તમે હજુ નાના છો અને માંદગીનો તમને અનુભવ નથી, પરંતુ તમે પણ ક્યારેક માંદા પડશો.' રાજકુમારે કહ્યું, `ચાલો ઘરે પાછા.' મહેલમાં પાછા ફર્યા બાદ એ મનની શાંતિ માટે મથ્યો અને કદાચ એને શાંતિ મળી પણ ખરી. એટલે એ ફરી સારથિને લઈને નીકળી પડ્યો. આ વખતે એણે કેટલાક લોકોને કશુંક (ઢાંકેલું) લઈ જતા જોયા. એણે સારથિને પૂછ્યું, `આ શું છે?' સારથીએ કહ્યું, `આ મૃતદેહ છે.' રાજકુમારે પૂછ્યું, `મૃતદેહ એટલે શું?' સારથિએ કહ્યું, `એ જાણવા માટે તો તમારે આ જે માણસ સૂતેલો છે એવા બનવું પડે.' રાજકુમાર રથમાંથી ઊતરીને મૃતદેહ પાસે ગયો અને એનો ચહેરો ખુલ્લો કરીને પૂછ્યું, `આનું હવે શું થશે?' એને જવાબ મળ્યો કે આ દેહને હવે એક ઊંડા ખાડામાં દાટી દેવામાં આવશે. `એવું કેમ?' `કારણ કે એ હવે ફરી બેઠો નહીં થાય. એના દેહમાંથી દુર્ગંધ આવશે અને કીડા નીકળશે.' `બધાની આવી હાલત થાય? મારી પણ આવી હાલત થશે? મને ખાડામાં નાખવામાં આવશે અને મારા દેહમાંથી ગંધ અને કીડા નીકળશે?' `હા.' `ચાલો પાછા. હવે મારે ફરવું નથી. હવે હું ક્યારેય ફરવા નહીં નીકળું.'

પછી એ રાજકુમાર જીવનમાંથી કોઈ સુખ ન શોધી શક્યો. પછી એણે (સંસાર ત્યાગીને, બુદ્ધ બનીને) માત્ર પોતાને જ નહીં, સમસ્ત માનવ જાતને પીડારૂપ જીવનમાંથી કઈ રીતે મુક્ત કરી શકાય અને એક વાર મર્યા પછી ફરી જન્મવું જ ન પડે (નિર્વાણ પ્રાપ્ત થાય) એ માટે શું થઈ શકે એની શોધ કરી. આ ગૌતમ બુદ્ધ ઉપરાંત ભારતના અન્ય તમામ ઋષિઓએ પણ આ જ (જન્મ-મરણના ચક્કરમાંથી છોડાવનારા મોક્ષની) વાત કહી છે.

ટૂંકમાં, જીવતરની સમસ્યાઓના ઉકેલ માટે મેં (ટોલ્સ્ટોયે) જ્યારે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો ત્યારે જાણ્યું કે વિજ્ઞાન તો આમાં પડતું જ નથી. બીજી તરફ જ્ઞાનીઓ (આગળ જેમને ટાંક્યા છે તે સોક્રેટિસ, શોપનહોઅર, સોલોમન અને શાક્યમુનિ જેવા દિગ્ગજો) પાસેથી મને જીવનની સમસ્યા વિશેના મારા સવાલના સીધા અને સ્પષ્ટ જવાબો મળ્યા, જીવન મિથ્યા છે. જન્મ લેવો એ એક કમનસીબી છે. જીવન કરતાં મોત સારું છે. જીવતરના ભારથી મુક્ત થવું જોઈએ.

આ બધા જવાબો રાહત આપનારા નહોતા. ઊલટાનું, આ જવાબોથી મારો અવસાદ વધુ ઘેરો બન્યો અને મારી માન્યતા વધુ દૃઢ બની કે જીવનને હું વાહિયાત ગણું છું એમાં મારી કોઈ ભૂલ નથી, હું ભટકી નથી ગયો, મને કોઈ માનસિક રોગ નથી લાગુ પડ્યો, બલ્કે હું જે તારણ પર પહોંચ્યો હતો એ તારણ વિશ્વના દિગ્ગજ વિચારકોનાં તારણો સાથે મેળ ખાતું હતું.

તો જ્ઞાન-વિજ્ઞાનનાં ક્ષેત્રોમાંથી ઉકેલ ન મળ્યો ત્યારે છેવટે મેં સ્વયં જીવનમાંથી જવાબ મેળવવાની કોશિશ કરી. મેં એ જોયું કે મારી આસપાસના લોકો કઈ રીતે જીવે છે. મારા જેવા, મારા દરજ્જાના, મારા જેવી જ સંસ્કૃતિમાં જીવનારા (ઉચ્ચ વર્ગના ઉમરાવો, સેનાપતિઓ, વકીલો, ડોક્ટરો, ઇજનેરો વગેરે) જીવનના વાહિયાતપણાનો સામનો કઈ રીતે કરે છે એની મેં તપાસ કરી ત્યારે મેં જોયું કે અસલમાં તો સૌની હાલત ભયંકર જ હતી, પરંતુ વાસ્તવિકતાના ખતરનાકપણાથી છટકવાના એમની પાસે ચાર રસ્તાઓ હતા.

એમાંનો પહેલો રસ્તો હતો, અજ્ઞાન. જીવન કેટલું ભયંકર અને નિરર્થક છે એની ઘણાંને ખબર જ ન હોય. મોટાભાગે જે લોકો યા તો યુવાન હોય કે પછી મૂરખ હોય એવાં સ્ત્રી-પુરુષો આ રસ્તે ચાલે. શોપનહોઅર, સોલોમન અને બુદ્ધને જે વાત સમજાઈ હતી એ આવા લોકોને ન સમજાય. એમને એ ન દેખાય કે એ કૂવામાં ડાળી પકડીને લટકેલા છે, નીચે ડ્રેગન ડાચું ફાડીને બેઠો છે, જે ડાળી પકડીને એ લટકી રહ્યા છે એ ડાળીને ઉંદર કોતરી રહ્યા છે. એમને કશું ન દેખાય. એ બસ પાંદડાં પર પડેલાં મધનાં ટીપાં ચાટવામાં ડૂબેલા રહે. આવું થોડા સમય સુધી ચાલે, પણ પછી જ્યારે એમને ડ્રેગન અને ઉંદર દેખાય ત્યારે એ મધ ચાટવાનું બંધ કરી દે. આવા અજ્ઞાનીઓ પાસેથી હું કશું શીખી શકું તેમ નહોતો, કારણ કે હું અજ્ઞાની બની શકું તેમ નહોતો. જે હું જાણી ચૂક્યો હતો એ હું ભૂલી શકું તેમ નહોતો. (ક્રમશઃ)

***

જીવન ગમે તેવું હોય, અમુક જૂજ અપવાદોને બાદ કરતાં બાકીના સૌ આપઘાત કરી લેવાને બદલે જીવી જ લે છે.

આટલી સાદી વાત જેમ આપણે સમજી શકીએ છીએ તેમ ટોલ્સ્ટોય પણ સમજી શક્યા હતા. એમને આપઘાત કરવાની બહુ ઇચ્છા થઈ ત્યારે પણ એટલું વિચારી શકવા જેટલી કૉમન સેન્સ એમનામાં હતી જ કે એકલો હું જ મરવા માટે શા માટે ઉતાવળો થઈ રહ્યો છું? બાકીના લોકોને કેમ મારી જેમ મરી જવાની ઇચ્છા નથી થતી? બીજા બધા લોકો જીવતરના ત્રાસથી છટકવા શું કરી રહ્યા છે?

આ બાબતે એમણે ઊંડો અભ્યાસ કર્યો ત્યારે એમણે જોયું કે જીવતરના ત્રાસથી બચવા માટે લોકો એક જ નહીં, ચાર-ચાર માર્ગો અપનાવી રહ્યા છે. એમાંનો પ્રથમ, ઉપર નોંધેલો માર્ગ છે અજ્ઞાનનો. જીવન શું છે અને જીવનનો અર્થ શું છે એ બધી માથાકૂટમાં પડવાનું જ નહીં. દેખવુંય નહીં ને દાઝવુંય નહીં. બસ, ઊંધું ઘાલીને શાંતિથી રોજિંદી જિંદગી જીવ્યા કરવાની. આને અજ્ઞાન માર્ગ કહી શકાય. અજ્ઞાનને સાવ ઉતારી પાડવા જેવું નથી. અજ્ઞાનને આશીર્વાદરૂપ પણ ગણી શકાય. જીવતરની ભયાનકતાની અનુભૂતિથી બચાવનારી એક મહત્ત્વની છટકબારી છે, અજ્ઞાન.

આ થઈ એક છટકબારી. આવી અન્ય ત્રણ ટોલ્સ્ટોયે નોંધેલી છટકબારીઓની વાત આવતા અંકે.