હમણાં જ એકેડેમી એવોર્ડ્સ પત્યા. કઈ કઈ ફિલ્મોને કે કયા કયા એક્ટરને ઓસ્કાર મળ્યો છે તેની આપણે ત્યાં લોકમાનસમાં ખાસ નોંધ લેવાઈ નથી. ઓસ્કાર એક ધંધો છે. આ વાક્ય `શિક્ષણ ધંધો બની ગયું છે' જેટલું જ ક્લીશે ગણાવવું જોઈએ, કારણ કે તે ઓપન સિક્રેટ છે.

હોલિવૂડે સિનેમાની સેવા કરી હશે, પણ સિનેમા હોલિવૂડના ખભે ઊભું નથી. સિનેમાના ઈતિહાસની ઓલટાઈમ ગ્રેટ ફિલ્મોની યાદીમાં હોલિવૂડની અને એમાંય ઓસ્કાર જીતનારી ફિલ્મો જૂજ હશે. સાયન્સ ફિક્શન ફિલ્મોની બાઈબલ ગણાતી `2001: A Space Odyssey' કે હિચકોક દાદાની `સાયકો' જેવી માસ્ટરપીસ ફિલ્મોને બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં ઓસ્કાર મળવાની વાત તો દૂર રહી, નોમિનેશન પણ ન મળે એ એવોર્ડની ક્રેડિબિલિટી કેટલી? `The Shawshank Redemption', `Once upon a time in America', `The Good, The Bad and The Ugly' જેવી માઈલસ્ટોન સમી આલાતરીન ફિલ્મોને પણ બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મળ્યો નથી. ક્રિટિક લોબી પણ જેનાં ઓવારણાં લે અને ત્રણ-ચાર પેઢી સુધી દર્શકો સતત જોયા કરે તેવી આ ફિલ્મોને ઓસ્કારની જરૂર છે ખરી? ગાંધીજીને નોબેલ મળ્યો હોત કે સરદાર પટેલને ભારતરત્ન મળ્યો, એ તે સન્માનનું સન્માન છે. આઈનસ્ટાઇનને નોબેલ પણ થિયરી ઓફ રિલેટિવિટી માટે ક્યાં મળેલું? જગતની શ્રેષ્ઠ ફિલ્મો પૈસાના ઘમંડથી ઊભરાતી હોલિવૂડ ઇન્ડસ્ટ્રીની બહાર બની છે.

બીજી વાત, યુટ્યૂબમાં સર્ચ કરો. ગૂગલમાં સર્ચ કરો. આ વર્ષે જે-જે ફિલ્મોને ઓસ્કાર મળ્યો છે તે બધી ફિલ્મો ઓસ્કારના લિસ્ટમાં આવશે તેવી શક્યતાની આગાહી કરતા એક કરતાં વધારે લેખો મળી આવશે અને તે બધાના તારીખ-વાર-સમય ખાસ માર્ક કરો. (ઉ.દા., ચારેક વર્ષ પહેલાં `ગ્રીન બુક' આવી એવું તરત અમેરિકન ને બ્રિટિશ અખબારોમાં એ ઓસ્કાર જીતશે એ મુજબના ત્રણ-ચાર-પાંચ કોલમના બોક્સ આવી ગયેલા. આ વર્ષે બેસ્ટ એક્ટર તરીકે એડ્રિયન બ્રોડી જીતશે એવું તો ઘણાએ કહી દીધેલું.) ફિલ્મ રિલીઝ થઇ હોય તેના બીજા-ત્રીજે દિવસે ઓસ્કારની મોડસ ઓપરેન્ડીના નિષ્ણાતોએ જાહેર કરી દીધું હોય કે આ ફિલ્મને આ કેટેગરીમાં ઓસ્કાર મળી શકે.

યુટ્યૂબ ઉપર તો ટ્યુટોરિયલ જેવા વીડિયો પણ મળશે, જેમાં સમજાવ્યું હશે કે ઓસ્કાર કેવી કેવી અને કઈ કઈ ફિલ્મોને મળે. આખો દિવસ ક્રિકેટ મેચ જોયે રાખતો માણસ કાં તો સટોડિયો થાય અથવા તો ક્રિકેટના કોચિંગમાં ભરતી થાય. ક્રિકેટર બને તો આપણને શાબાશી આપવાનું મન થાય કિન્તુ સટોડિયો દર વર્ષે કરોડો જીતે તો પહેલાં નફરત થાય પછી દયા આવે. વર્લ્ડકપના સેમી ફાઈનલ સુધી ઇન્ડિયાને પહોંચાડે તો જ આઈસીસીનો ધંધો ચાલે. છેલ્લા બોલ સુધી આઈપીએલમાં રસાકસી જળવાઈ રહે તો જ જાહેરાતોના ભાવો ઊંચકાય. આ બધાં ઓપન સિક્રેટ છે.

હવે તો ટેઈલર મેઈડ ઓસ્કાર વર્ધી ફિલ્મો બને છે. અમુક ફિલ્મો એટલે જ બનતી હોય છે કે ઢગલાબંધ એવોર્ડ જીતી શકે. ચોખ્ખી વાત છે કે મસાલા ફિલ્મોને એવોર્ડ મળવાના ચાન્સીસ ઓછા અને પેરેલલ સિનેમામાં બનતી ફિલ્મો સુપરહિટ જાય એવા ચાન્સ પણ ઓછા. માટે હવે તો ટ્રેડ પંડિતો પહેલેથી કહી દેતા હોય છે કે આ ફિલ્મ આટલો વકરો કરશે અને આ ફિલ્મ આટલા એવોર્ડ ઉસેટી જશે. માહિતીના ઢગલા કે ભવિષ્યવાણીઓના તુક્કાથી સર્જન પોતાનું આકાશ જોજનો દૂર બાંધતું હોય છે. આગાહીઓ કરનાર હાંસીપાત્ર બને છે પછી તે નેસ્ત્રાડેમસ હોય કે હવામાનખાતું. સિનેમા મોટો દરિયો છે અને આખી ને આખી જિંદગીઓ એક સઢ બનાવવામાં પસાર થઇ જતી હોય છે.

કોફી વિથ કરણના ઈતિહાસમાં બેસ્ટ રેપિડ ફાયર રાઉન્ડ આપનાર જોડી એટલે મહેશ ભટ્ટ અને ઇમરાન હાશ્મી. તે રેપિડ ફાયર રાઉન્ડની શરૂઆત જ મહેશ ભટ્ટ `પેથેટિક લસ્ટ ફોર ઓસ્કાર' વાક્યથી કરે છે. મોરલ ઓફ ધ આર્ટિકલ સિનેમા અને ઓસ્કારને કંઈ ખાસ લેવાદેવા નથી. સિનેમા બહુ મોટી કળા છે અને ચાર્લી ચેપ્લિન જેવા જૂજ અપવાદો સિવાય ભાગ્યે જ કોઈ એની સહેજ પણ નજીક પહોંચી શક્યું છે. કોઈ પણ કળાના ફોર્મના આજીવન વિદ્યાર્થી બનીને જે કલાકાર ચાલે તે મહાન બની શકે, પણ ક્યારેક કોઈ પણ કળા ઉપર માલિકીભાવ દર્શાવનારને જુઓ તો સમજવું કે પતન નક્કી છે. ઓસ્કાર કે કોઈ પણ એવોર્ડ જરૂરી છે અને તેનું મહત્ત્વ પણ છે જ, પણ ફક્ત એવોર્ડ મેળવવાની લાયમાં સિનેમા નામની ઉત્તમ કળા સાથે બાંધછોડ થાય છે એ યોગ્ય નથી.