ગાંડાનાં ગામ ન હોય, પણ દરેક ગામમાં ગાંડા હોય જ. પછી એ ગામ ભારતનું હોય કે અમેરિકાનું. ગાંડાની વાત પછી કરીએ પહેલાં ત્રણ-ચાર મહાન ડાહ્યાનું ચિત્ર કલ્પો. એક ડાહ્યાનું નામ છે બિલ ગેટ્સ. એક સમયનો દુનિયાનો સૌથી મોટો ધનાઢ્ય માણસ, જેનું નામ અને પૈસો બંને સમાનાર્થી બની ગયા. બીજો મોટો ડાહ્યો માણસ એટલે સ્ટીવ બોલ્મર. આ નામ અજાણ્યું હશે, પણ તે અગિયાર હજાર કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે. અડધી દુનિયામાં તે દાન આપે છે અને માઈક્રોસોફ્ટને અહીં સુધી પહોંચાડવામાં એમનો સિંહફાળો છે. ત્રીજો ડાહ્યો માણસ એટલે સત્યા નાદેલા જેને સૌ ઓળખે છે. દુનિયાને એક ચોક્કસ આકાર આપનારા ત્રણ ધુરંધરો સ્ટેજ ઉપર બેઠા હોય અને પછી ઓડિયન્સમાંથી આવીને કોઈ આ હસ્તીઓ સામે રાડારાડી કરીને ગાંડા કાઢે એ દૃશ્ય કેવું લાગે? મૂળે ભારતીય સ્ત્રી નામે વાનિયા અગ્રવાલ, જે બે વર્ષ પહેલાં જ માઈક્રોસોફ્ટમાં જોડાઈ તેની વાત છે. હમણાં માઈક્રોસોફ્ટનાં પચાસ વર્ષ પૂરાં થયાં તેની સેલિબ્રેશન પાર્ટી હતી. બિલ, નાદેલા અને સ્ટીવ સ્ટેજ ઉપર કંઇક ગંભીર વાત કરી રહેલા. ત્યાં આ બહેન દોડીને આવ્યાં અને મોટેમોટેથી બોલવા માંડ્યાં કે, તમે સૌ ખૂની છો. માઈક્રોસોફ્ટની ટેક્નોલોજી વાપરીને પેલેસ્ટાઇનમાં હજારોની હત્યા થઇ. ઇઝરાયેલ સાથે તમે સંબંધો તોડી નાખો વગેરે વગેરે બકવાસ. પરિણામ શું આવ્યું?

પરિણામ એ આવ્યું કે એ બહેનને સિક્યોરિટી ગાર્ડે પકડીને ફંક્શન હોલની બહાર કાઢી મૂક્યાં. તેના પછી તે બહેનનું (ના)રાજીનામું લઇ લેવામાં આવ્યું. હવે બનતા સુધી એવું થયું છે કે એ બહેન માઈક્રોસોફ્ટ જ નહિ, પણ બધી કંપનીમાંથી બ્લેકલિસ્ટ થઇ ગયાં છે. તેમને હવે કોઈ સારી મોટી કંપની નોકરીએ રાખશે નહિ. ભારતમાં પણ તે બદનામ થઇ ગયાં છે એટલે હવે એની કરિયર ઉપર મોટો પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. વાત આ બહેનની નથી કે નથી પેલેસ્ટાઇન સાચું કે ઇઝરાયેલ સાચું તેની. વાત છે આવા દમ વિનાના ડુગડુગીબાજ ઘેટાછાપ લોકોની. ગાડરિયા પ્રવાહના આ એવા જાતકો છે જેમની મૂર્ખામીના કારણે દલપતરામની કવિતામાંનુ ઊંટ યાદ આવે. પોતાનાં કપડાં ફાટેલાં છે ને બીજાનાં થીંગડાં સામે જોઇને હાય હાય કરવું છે. પોતાની શેરીનો ચોકીદાર પણ સલામ નથી કરતો, પણ પેલેસ્ટાઈનના જુલમોને લઈને ઉંવા ઉંવા કરવું છે. આ કંઈ સંવેદનાની વાત નથી. સંવેદના દાખવવા માટે દુનિયામાં હજાર એવા ખૂણાઓ છે જ્યાં દુ:ખ, દર્દ, પારાવાર પીડા સદીઓથી ઘર કરી ગયાં છે, પણ આ તો ફાંકા ફોજદારી કરીને નર્યો જૂઠો આત્મસંતોષ લેવાની ચેષ્ટા છે. ઠાલો ચણો વાગે ઘણો!

દેશ-દુનિયા-સમાજમાં શું થઇ રહ્યું છે તે વર્તમાનથી અવગત રહેવું સારી બાબત છે, ઊલટાનું તે જાગ્રત નાગરિક તરીકે ફરજ હોવી જોઈએ. (જોકે, પોતાના વોર્ડના કોર્પોરેટરનું નામ કે પોતાના શહેરના મેયરનું નામ કેટલાને આવડે છે?) ભલે સ્પોર્ટ્સમાં રસ ન હોય, પણ અત્યારે ક્રિકેટ કે હોકી કે કબડ્ડીની ક્યાં શું ટૂર્નામેન્ટ ચાલે છે તે જાણવું, દેશમાં અને રાજ્યમાં ટોચના સ્થાને કોણ બિરાજમાન છે અને તેઓનું રાજકારણ શું છે તેની ખબર હોવી, ભલે શેરબજારમાં રોકાણ ન હોય, પણ દેશના અર્થતંત્રની પાયાગત સ્થિતિ શું છે તે ખ્યાલ હોવો - આ બધાથી સાવ અજાણ્યા ન હોવું તે સામાન્ય અને જાગ્રત નાગરિક પાસેથી અપેક્ષિત છે. પણ પ્રોબ્લેમ એ થાય છે કે બધા સગવડિયો ધર્મ અપનાવનારા હોય છે. મંગળવારે જીવહત્યા નહિ કરીને બહુ પુણ્ય કમાઈ લીધું એવા હાસ્યાસ્પદ ખયાલી પુલાવો ફાંકતા રહેતા હોય છે. પોતાનો કમ્ફર્ટ ઝોન હોય એ જ વિષય વિશે અપડેટ રહે, બાકી તા થૈયા થૈયા. ચાલો, એનો પણ વાંધો નથી, પણ પછી પોતે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બની જાય અને ટ્રમ્પથી લઈને વડાપ્રધાન સુધી, કોહલીથી લઈને સલમાન સુધી બધાએ શું કરવું એની હોશિયારી મારવા માંડે એ નુકસાનકારક છે. (એના નુકસાનની ચિંતા નથી, સમાજને જે હાનિ પહોંચે એની વાત છે.)

ઘરમાં રોટલો હોય નહિ ને બાજુવાળાનો ઓટલો ચણવા જાય એ શરમજનક વૃત્તિ છે. મોટી મોટી વાતો, દુનિયા બદલી નાખવાના ફાંકા અને પોતાનું ખિસ્સું ફાટેલું આવા અનેક પદમશીઓને આપણે ઓળખીએ છીએ. અમેરિકાની આ ભૂલ છે, ચાઈના હવે આ કરવાનું છે, ફિલ્મોમાં હવે આ નથી, યહૂદીઓનો આ પ્રોબ્લેમ છે, ભારતની સંસ્કૃતિમાં આમ લખ્યું છે, પેલેસ્ટાઇનનો પ્રોબ્લેમ આમ સોલ્વ થશે,

 શેરબજારમાં હવે આ કરવું જોઈએ, ટચલી આંગળીએ હાથીને ઊંચકવો હોય તો હું શીખવાડીશ - બસ, આવી જ નકરી વાતો. વાતો નહિ નર્યા ધુપ્પલ. સોશિયલ મીડિયા આવ્યા પછી આવી રિઅલ લાઈફમાં પણ ઠોકમઠોકનું પ્રમાણ વધ્યું છે.

પોતે જિંદગીમાં નિષ્ફળ નીવડ્યા હોય એટલે કોઈને ટ્રોલ કરશે. ઇન્સ્ટાગ્રામમાં આમિરના દીકરા કે શ્રીદેવીની દીકરીને ગાળો દઈને કંઇક મહાન કામ કરી લીધાનો સંતોષ માનશે. દેશના પ્રાઈમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ જેવી હસ્તીઓને ટ્રોલ કરી શકે એમ ન હોઈ તેમની નિંદા પોતાના વર્તુળમાં કરશે. વોટ્સએપિયા ફોરવર્ડ મેસેજની અસર સમાજના ઘણા લોકોનાં દિમાગમાં થઇ ગઈ છે ને તેનો ચેપ બીજાઓમાં ફેલાવી રહ્યા છે. પોતાનાં ઠેકાણાં નથી, પણ ચાર હજાર કિલોમીટર દૂર આવેલા દેશમાં કંઇક થયું તેનો વીડિયો જોઇને ડૂમો ભરાઈ જશે. નવરાશ અને શેખચલ્લીપણાની પરાકાષ્ઠા. દયાજનક સ્ટેટ ઓફ માઈન્ડ. આ કોમેડિયન કાર્ટૂનો આજુબાજુ હોવાનાં, પણ સૌથી મહત્ત્વનું એ છે કે ભૂલેચૂકે આપણે એવા નથી થઇ જતાને?