લીડરશિપ વિશે પિતામહ ભીષ્મે ઝીણામાં ઝીણી બાબતો તરફ આંગળી ચીંધી છે કે નાનકડી ચોકસાઈ અથવા નાનકડો અભિગમ પણ કઈ રીતે આપણને શ્રેષ્ઠ લીડર તેમજ સફળ લીડર બનાવી શકે એ વિશે તેમણે મહાભારતના `શાંતિપર્વ'માં જુદા જુદા સંદર્ભોએ-પ્રસંગોએ સમજાવ્યું છે. એવી જ બે સલાહ તેમણે સાવ નાંખી દેવા, આપણા ધ્યાને પણ ન ચઢે એવા અભિગમ વિશે આપી છે. તેમણે કહ્યું છે કે સામાન્ય રીતે લીડર્સનું ધ્યાન આ બાબતે જતું નથી, પરંતુ લોકો પર શંકા કરવા વિશે કે પોતાના કામને સમય પર પૂર્ણ કરવા વિશે લગભગ કિસ્સામાં લીડર સજાગ રહેતા નથી. અનેક કિસ્સામાં તો આ બંને બાબતોને લીડર વ્યાખ્યાયિત પણ કરી શકતો નથી, પરંતુ આ બંને બાબતો તેના માટે મોટી સફળતાઓ કે મોટી નિષ્ફળતાઓ નોતરી શકે છે.

તેઓ કહે છે કે શંકા કરવી કે અવિશ્વાસ રાખવો એ માણસના મૂળભૂત સ્વભાવમાં આવે છે. દરેક માણસ સૂક્ષ્મ રીતે કે દેખીતી રીતે સ્વકેન્દ્રી અને સ્વાર્થી હોવાનો જ. તેના આ વલણને કારણે સમયાંતરે તેના મનમાં શંકાઓ ઉદ્ભવે છે અને આ શંકાઓ કે અવિશ્વાસ મોટાભાગે તેને તેનાં પોતાનાં કાર્યો કે પોતાના ભાગની જવાબદારી બાબતે નહીં, પરંતુ સાથેના લોકો અથવા બીજા લોકોનાં કામ, જવાબદારી કે વર્તન બાબતે રહે છે. આવામાં જેમ ક્રોધી માણસના ક્રોધની અને વાસનાગ્રસ્ત માણસની વાસનાની આગ દવની જેમ વધતી જ જાય એમ કેટલાક લોકોની બીજાઓ પર શંકા કરવાની કે અવિશ્વાસ કરવાની વૃત્તિ પણ વધતી જ જાય છે.

આ કારણે થાય એવું કે એવા લોકો સામેના માણસો કે પોતાના સાથીઓમાંની શ્રદ્ધા જ ખોઈ બેસે છે અને દરેક બાબતોને પોતાના મનમાં ઊઠતી શંકાઓ અને અવિશ્વાસની અવધારણાઓથી સામેના માણસને તોલતો રહે છે. એના કારણે અંતતઃ તેનું વર્તન સામેના માણસ સાથે સીમિત, અવિશ્વાસભર્યું તેમજ તોછડું બની જાય છે. જેના રિએક્શન્સના ભાગરૂપે સામેના માણસો પણ એવા માણસો સાથે પોતાનું વર્તન બદલી નાખે છે. તેની અસર શંકાશીલ વ્યક્તિના કામ કે તેની પ્રતિષ્ઠા પર જ પડે છે. જેના કારણે શંકાશીલ માણસ અત્યંત નાનો, લોકોની કદર ન પામતો કે પોતાના ક્ષેત્રમાં સફળ ન થઈ શકનારો બને છે.

એના કરતાં ભીષ્મ કહે છે કે શંકાઓ કે અવિશ્વાસને ટાળતા શીખવું. આ અભિગમથી સામેના માણસ સાથેની અનેક શક્યતાઓનો ઉઘાડ થાય છે અને આવી શક્યતાઓ જ લીડર માટે અનેક સફળતાઓ કે પ્રતિષ્ઠા કે કીર્તિ પણ લઈને આવે છે. તો ભીષ્મ બીજી સલાહ આપે છે કે લીડરે કોઈ પણ નાનામાં નાના કામને પણ ટાળવું નહીં અને તેના સમયે જ પૂર્ણ કરવું. તેઓ કહે છે કે મોટા લાભ કે નુકસાન કરાવતાં કામો તો માણસ આમેય સમયસર પૂરાં કરવાનો આગ્રહ રાખે છે. એ પોતે આગ્રહ ન રાખતો હોય તો તેની નુકસાની કે લાભની ગણતરીઓ જ તેને મોટિવેશન પૂરું પાડે છે. આ ઉપરાંત નાનાં નાનાં અનેક એવાં કામો હોય છે જે કામો પૂરાં કરવામાં લીડર લઘરાવેડા કરે છે. તેને એમ થાય છે હશે આવાં કામો તો પછી પણ થશે. અથવા કેટલાક કિસ્સામાં તે એમ પણ વિચારતો હોય છે કે આમાં થઈ થઈને કેટલું નુકસાન થશે?

પરંતુ આવાં નાનાં કામો પતાવવાની ધગશ અથવા ટેવ માણસની અંદર એક આગવી શિસ્ત અને ગંભીરતા ઉમેરતા હોય છે. જેના કારણે તેનું એક શિસ્તબદ્ધ રૂટિન તૈયાર થતું હોય છે, જેની સીધી અસર લીડરની પ્રોડક્ટિવિટી પર પડતી હોય છે, કારણ કે જે નાનામાં નાનું કામ પૂર્ણ કરવાનો આગ્રહ રાખે છે અથવા નાનામાં નાની બાબતોમાં ચીવટ રાખે છે એ સ્વાભાવિક જ પંક્ચ્યુઅલ હોવાનો અને એકાગ્ર હોવાનો. કોઈ પણ મોટી સફળતાઓના મૂળમાં કે ઈવન તણાવમુક્ત જીવનના મૂળમાં એકાગ્રતા અને વેળાસર પૂરાં થયેલાં કામો જ હોય છે. પછી એ નાનાં નાનાં કામો પારિવારિક સ્તરના હોય, સામાજિક સ્તરના હોય કે પછી કામના સ્તરના હોય.

અને જો આપણે તપાસ કરીશું તો આપણને ખ્યાલ પણ આવશે કે આપણા જીવનમાં જે તણાવ કે ઉચાટ છે એના મૂળમાં આ નાનાં નાનાં લટકતાં રહેલાં કામો કે નાનાં નાનાં કામોને લટકતી રાખવાની આપણી આદતો જ રહેલી હોય છે, પરંતુ એ બાબતે જો આપણે અભિગમ બદલીએ અને દરેક કામને યોગ્ય અહેમિયત આપીએ તો આપોઆપ આપણા કેટલાક તણાવ કે કેટલીક મુશ્કેલીઓ ઘટવા માંડશે અને આપણો રસ્તો સુઘડ થવા માંડશે. ભીષ્મ કહે છે એમ આ બંને બાબતો પ્રત્યે મોટાભાગના લોકોનું ધ્યાન જ નથી જતું કે તેમની અંદર આ મર્યાદાઓ પણ છે. આ કારણે જ પછી એવા લોકો સીમિત રહી જાય છે અને મીડિયોકર જીવન જીવતા રહે છે.