ઝૂંપડપટ્ટીને શરમાવે એવી અમદાવાદના બહેરામપુરાની ચાલીમાં ચડભડ શરૂ થઇ હતી. તેમાં મુખ્ય સૂર હતો: `આ છોકરાને ઝટ પરણાવી દ્યો, નહિતર નવીનવાઇ કરશે!' પછી તાજા ઘા માથે મીઠું ભભરાવતા કહે: `તમારી ઊજળી આબરૂ માથે બટ્ટો બેહાડી દેશે નાનજી મુકાદમ.' સામે નાનજી દુદા મોં વકાસીને, દયામણી નજરે સાંભળતા રહે. નાનજી દુદા મ્યુનિસિપાલિટીમાં મજૂરોના મુકાદમ તે મજૂરો વારાફરતી આવીને, સારું લગાડવા અથવા તો બળતામાં ઘી હોમી જાય. નાનજી દુદા ટાઢા કોઠે સાંભળી લે, પણ પછી રહેવાયું નહીં તે સૌ સાંભળતાં કહી દીધું: `એલા પણ હકીકત તો જણાવો, એમ ને એમ ડિંગ હાંકે રાખો છો તે.'
પણ સળગતામાં ફૂંક મારનારા મગનું નામ મરી પાડ્યા વગર એકની એક વાત ઘૂંટે રાખતા હતા.
કોઈએ મોં પર કહ્યું ખરું: `એ તમારા લાડકા કુંવરનો ફોટો કોઈ છોકરી હારે બા'ર પડ્યો છે. આટલી વાતમાં સમજી જાવ.' આવું સાંભળતાં નાનજી દુદાની બેઠક નીચે ભડકો થયો હોય એમ ફણાભેર થઇ ગયા.
સવારના આઠ થતાં સાથે જ નાનજી દુદા સાઇકલ લઇને કચેરીવાળા મ્યુનિસિપલ કોઠા આગળ પહોંચી જાય. ત્યાં મજૂરો આવતા જાય એમ જુદી જુદી જગ્યાએ કામ પર રવાના કરતા જાય. તે પૂર્વે લારીની કીટલી પરથી અડધી ચા મગાવી લીધી હોય. ચાના ઘૂંટ સાથે છાપા પર નજર ફેરવી લે. મૂળ ગાયકવાડી ગામના. બે ચોપડી ભણેલા તે વાંચતા આવડે. આ લખવા-વાંચવાની આવડતના લીધે મુકાદમ થયેલા.
એક છતના છાંયે બેઠા નાનજી દુદા માથું ખંજવાળવા લાગ્યા. દરરોજ છાપાંઓમાં નજર નાખવા છતાં આ દીકરાના ફોટાવાળી વિગત નજરે કેમ ન ચડી? લોકો કહે છે ત્યારે આ વાતની ખબર પડે છે. તેમણે એક જણની પડખે જઈને પૂછ્યું: `એલા કયા છાપામાં ફોટો છપાણો છે?' તો સામે જવાબમાં કહે: `એ મુકાદમ, છાપામાં નહીં, ઓલ્યા સ્ટુડિયોવાળાને ત્યાં ફોટો આવ્યો છે!' ત્યાં કપાળે હાથ દઈ નાનજી દુદાથી કળપતા સ્વરે બોલાઈ ગયું: `એલા તમે તો જોયા-જાણ્યા વગર કાગનો વાઘ કરી નાખ્યો, મારા વાલીડાવ.'
નાનજી દુદાએ જાતતપાસ કરતાં ખબર પડી, પોતાના દીકરાનો ફોટો સ્ટુડિયોવાળાને સારો લાગ્યો હશે એટલે જાહેરાતના સંદર્ભે બોર્ડ પર ચીપકાવ્યો હતો. તેમાં સહેજ બાજુમાં ફિલ્મની કોઈ નટીનો ફોટો પણ હતો. ચાલીમાં રહેતા કોઈ અદેખા માણસની નજરે આ બોર્ડ ચઢી ગયેલું. તેણે નટી સાથે નાનજી દુદાના કોલેજિયન દીકરાની પણ સમજ્યા, વિચાર્યા વગર ફિલ્મ ઉતારી નાખી ને એક જાતની અફવા ઉડાડી હતી.
મુકાદમને થયું: `ઓય ધાડેના, ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર એના જેવું કર્યું આ નાતીલાઓએ.'
પછી નાનજી દુદા વિચારે ચઢી ગયા હતા. યુવાન દીકરાની બદબૂ ફેલાઇ ગઈ હતી, તેથી વહેલી તકે તેનાં લગ્ન કરી દેવાં જોઈએ. છોકરો દેખાવડો ને કોલેજમાં ભણે. વળી, અમદાવાદ જેવા મહાનગરમાં વસે, જેથી સગપણ થતાં વાર ન લાગી, પણ નાનજી દુદા ભણેલા ઓછું પણ ઝાઝું ગણેલા હતા. જમાનો જોયો હતો તેથી દીકરાને કહ્યું હતું: `તું આપણા એક સગાને ત્યાં જા ને કન્યા જોઈ આવ્ય.' પછી ઉમેર્યું હતું: `કન્યા તને ગમે તો હા, નહિતર ના.' અને કોલેજિયન દીકરો કરસન ત્યાં કન્યાના ઘર સુધી પહોંચી ગયો હતો.
પણ ખાટલે મોટી ખોટ, કન્યાને મુખોમુખ જોવી કઈ રીતે? તે વખતના ગામડામાં મુરતિયો કુંવારા આંગણે આવે તે ટીકાપાત્ર હતું. વળી, એક ઓરડો ને ઓસરીવાળું દેશી મકાન, પરિવારમાં પાંચ-સાત સભ્યો. તેમાં કન્યાને રૂબરૂ મળવાનું તો શક્ય કેવી રીતે બને? પણ અનાયાસે એક તરકીબ લેખે લાગી ગઈ હતી.
થાંભલીમાં લટકાવેલા અરીસા સામે ઊભો રહી કરસન માથું ઓળતો હતો. તે સમયે ઘરમાં ફરતી કન્યા અરીસામાં દેખાઈ ગઈ. આ તરકીબ હાથમાં આવતાં એક-બે વાર પ્રયત્ન કરી લીધો, પણ કન્યાને ખ્યાલ આવતાં તે અદૃશ્ય થઇ ગઈ હતી. કંઈ નહીં તો કન્યાનું ઝાંખુંપાંખું મોં જોવા તો મળ્યું. તેટલાથી સંતોષ માની કરસન અમદાવાદ આવતો રહ્યો હતો, પણ વળતા દિવસે બાપે પૂછ્યું હતું: `એલા વવ તને ગમી હોય તો આગળ વધીએ, નહિતર ના પાડી દેયી.'
મોટા મનના બાપને કરસન શું જવાબ આપે? લગ્ન પહેલાં કન્યાને રૂબરૂ મળવા કે ન જોવાની પરંપરાગત ચાલી આવતી પ્રથામાં છીંડું પડે એવું નહોતું.
બાપ-દાદા વર-કન્યાનું મોં જોયા વગર, જીવનની બંધ બાજી રમતા આવ્યા હતા એના બદલે અલપઝલપ મોં જોવા મળ્યું તેનાથી સંતોષ માનવાનો હતો એટલે ઊંધું ઘાલી હા પાડી દીધી હતી.
પછી રંગેચંગે લગ્ન થયાં હતાં. અમદાવાદથી છેક સૌરાષ્ટ્રના રાજુલા પાસેના એક ગામમાં જાન પરણવા માટે સોમનાથ મેલમાં બેસીને ગઈ હતી. અહીં સુધી સઘળું સમુંસુતરું પાર પડી ગયું હતું.
પણ પછીના દિવસોમાં કન્યાએ કાયદેસરની હઠ લીધી હતી: `મને ફોટો પાડવા લઇ જાવ.' ત્યારે સ્ટુડિયોનાં પગથિયાં ચઢતાં કન્યાએ મરમ કર્યો હતો: `કોઈ બાઇ સાથે તમારો ફોટો હતો ઈ તો બતાવો.'
કરસન સ્તબ્ધ થઇ ગયા પછી ખરી હકીકત માંડ માંડ ગળે ઉતરાવી શક્યો હતો.