ઉનાળામાં ગુજરાતમાં આટલી માથાફાડ ગરમી હોય, તો રણપ્રદેશોમાં શું હાલત હશે? કહેવાય છે કે સહારાના રણપ્રદેશમાં આખું વર્ષ સરેરાશ 30 ડિગ્રી જેટલું તાપમાન રહે છે! અને રાત્રે વળી કાતિલ ઠંડીય પડે! ઉનાળામાં અહીંનું તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે.
1922ના વર્ષમાં લિબિયા ખાતે 58 ડિગ્રી સેલ્સિયસ (1360 ફેરનહીટ) જેટલું રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયેલું. પ્રશ્ન એ છે કે આટલી બધી ગરમી, એટલે કે સૂર્યપ્રકાશનો કોઈ સદુપયોગ થઇ શકે કે નહિ? કોઈ વિસ્તારમાં વધુ ગરમી પડે, એનો અર્થ એ થાય કે સૂર્યનાં સીધાં કિરણો એ વિસ્તારમાં મબલખ પ્રમાણમાં પડે છે. આ કિરણો અમથા વેડફાય એના કરતાં રણપ્રદેશમાં લાખો-કરોડો સોલાર પેનલ્સ બિછાવી દઈએ તો કેટલી બધી ફ્રી વીજળી પેદા થાય! એક અંદાજ મુજબ જો સહારાના વેરાન રણપ્રદેશમાં સોલાર પેનલ્સ થકી વીજળી પેદા કરવાનો મેગા પ્રોજેક્ટ અમલમાં મુકાય, તો પૃથ્વીની કુલ જરૂરિયાત કરતાં 96 ગણી વીજળી પેદા કરી શકાય! એ પણ સાવ પ્રદૂષણમુક્ત વીજળી! છેને અફલાતૂન આઈડિયા!
આવો સોલ્લિડ આઈડિયા અત્યાર સુધી કોઈએ અમલમાં કેમ ન મૂક્યો, એનું આશ્ચર્ય થાય છેને? આખી વાત મુદ્દાસર સમજવા જેવી છે. ઉત્તરીય આફ્રિકાના બે તૃતીયાંશ ભાગ જેવડા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું સહારાનું રણ વિશ્વના સૌથી મોટા ગરમ પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં જીવસૃષ્ટિ મર્યાદિત પ્રમાણમાં છે. બીજી તરફ દક્ષિણ અમેરિકા ખંડના બ્રાઝિલ, પેરુ, કોલમ્બિયા જેવા અનેક દેશોને આવરી લેતું એમેઝોનનું વિશાળ વર્ષાવન `પૃથ્વીનાં ફેફસાં' તરીકે ઓળખાય છે. વનસ્પતિઓ સહિતના સજીવોની લાખો પ્રજાતિઓ આ વર્ષાવનોમાં વસવાટ કરે છે. બે સામસામા છેડાની પ્રકૃતિ ધરાવનાર આ બંને વિશાળ પ્રદેશોની વચ્ચે ઉત્તર એટલાન્ટિક સમુદ્ર હજારો કિલોમીટર પહોળા પટમાં પથરાયેલો છે.
એમેઝોનની સમસ્યા એ છે કે ત્યાંની જમીનમાંથી પોષકતત્ત્વો સતત શોષાતાં રહે છે. જંગલ પોતાનું પોષણ મેળવવા માટે જમીનનાં તત્ત્વોને શોષી લે છે. વળી, એમેઝોનનાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં ભારે વરસાદને કારણે જમીનમાંથી પોષકતત્ત્વો ધોવાઈ જાય છે, જેનાથી જમીન પોષકતત્ત્વોની દૃષ્ટિએ નબળી બની જાય છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલે તો જમીનની ઘટતી જતી ફળદ્રુપતાને કારણે જંગલ પણ સુકાતું જાય! પણ સદ્નસીબે આ સંજોગોમાં સહારાનું રણ મદદે આવે છે. વાત માન્યામાં ન આવે એવી છે, પણ કુદરતની `ઇકો સિસ્ટમ'નો આ જ તો જાદુ છે.
આપણે જાણીએ છીએ કે રણવિસ્તારમાં જોશભેર પવન ફૂંકાય એટલે રેતીની ડમરી હવામાં ઊંચે ચડે. જો પવન પોતાની તાકાત દેખાડે, તો ડમરી બનીને હવામાં ચડેલા રેતીના કણો હજારો કિલોમીટરનો હવાઈ પ્રવાસ ખેડી નાખે છે! સહારાના રણ અને એમેઝોનનાં વર્ષાવનો વચ્ચે દર વર્ષે કુદરતનો આ `જાદુઈ ખેલ' રચાય છે. સહારાથી ઊડેલી હજારો ટન રેતી એમેઝોનનાં જંગલોમાં જઈને પડે છે અને આ રેતીમાં મોટા પ્રમાણમાં મોજૂદ હોય છે એક તત્ત્વ - ફોસ્ફરસ.
2015માં નાસાએ સેટેલાઇટ દ્વારા જે અભ્યાસ કર્યો, એનાં તારણો મુજબ દર વર્ષે સહારાની રેતી સાથે ઊડીને આશરે 22,000 ટન જેટલો ફોસ્ફરસ એમેઝોનનાં જંગલો સુધી પહોંચે છે. આમ, સહારાની રેતી એમેઝોનની જમીન માટે ફોસ્ફરસનો મુખ્ય સ્રોત સાબિત થાય છે. એમાં અન્ય કેટલીક ખનિજો પણ હોય છે, જે છોડની વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે. આ ઉપરાંત રેતીના કણોનો બીજો એક `માઈનોર બેનિફિટ' એટલે કે નાનો અમથો ફાયદો પણ છે. ધૂળના ઝીણા કણો વાતાવરણમાં પાણીનાં ટીપાંના ઘનીકરણ માટે ન્યૂક્લિયસ (કેન્દ્ર) તરીકે કામ કરે છે, જે વાદળોની રચનામાં મદદ કરે છે. જો ધૂળનું પ્રમાણ મધ્યમ હોય, તો સારો વરસાદ પડવાની સંભાવના વધી જાય છે. ઓવરઓલ, દરિયાપારથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવતી સહારાના રણપ્રદેશની રેતી એમેઝોનના જંગલ માટે જીવનરેખા સાબિત થાય છે, જે પોષકતત્ત્વો પૂરાં પાડે છે અને હવામાનને પણ પ્રભાવિત કરે છે. જરા કાવ્યાત્મક અંદાજમાં કહેવું હોય તો કહી શકાય કે એક દુનિયાનું સૌથી મોટું રેગિસ્તાન દુનિયાના સૌથી મોટા જંગલને જીવાડે છે! છેને કમાલની વાત! આ બંને પ્રદેશો વચ્ચેનું આ જોડાણ વૈશ્વિક પર્યાવરણની જટિલતા અને પરસ્પર નિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ ઉપરાંત એમેઝોનનાં ઘેઘૂર જંગલો મોટા પ્રમાણમાં ઓક્સિજન અને ભેજવાળી હવા વાતાવરણમાં ઉમેરે છે. એથી વિરુદ્ધ સહારાનું વિશાળ રણ વાતાવરણને ગરમ રાખે છે. આમ, આ બંને પ્રદેશો પોતપોતાની ખાસિયતો થકી પૃથ્વીના ગોળા પર ઠંડી-ગરમીનું બેલેન્સ જાળવી રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
અંતે લેખની શરૂઆતમાં કરેલી કલ્પના તરફ પાછા વળીએ. જો સહારાના રણપ્રદેશમાં લાખોની સંખ્યામાં સોલાર પેનલ્સ બિછાવી દઈએ, તો ભરપૂર સૌરઊર્જા તો મળે, પણ સાથે જ હવામાં ઊડતી રેતીમાં નોંધપાત્ર ઘટાડો થાય. જેની અસર લાંબા ગાળે એમેઝોનનાં વર્ષાવનોની ફળદ્રુપતા પર પડે! એટલું જ નહિ પણ સોલાર પેનલ્સને કારણે રણપ્રદેશનું તાપમાન મોટા પાયે ઘટી જાય, પરિણામે ઠંડી-ગરમીનું બેલેન્સ પણ ખોરવાય, જે ભવિષ્યમાં આપણને હિમયુગ તરફ ધકેલવામાં નિમિત્ત બને તોય નવાઈ નહિ! હવે જરા વિચારો, સોલાર પેનલ્સ બિછાવીને સૌરઊર્જા પેદા કરવાની જે કલ્પના લેખની શરૂઆતમાં `અફલાતૂન' લાગતી હતી, એ હવે શેખચલ્લીના તર્કસમી વાહિયાત લાગે છેને!