ઘરનાં કમાડ ખુલ્લાં રાખી એ સ્ત્રી તો ખાલી હાથે ને જાણે ભારે પગલે ફળિયા બહાર નીકળી ગઈ, પણ એક સામટું ઘણું બધું છોડતી ગઈ હોય એવું વજેસંગને થયું. તે પાણીનો લોટો ભરી પાસે મૂકી ગઈ હતી, તે પાણી ગટગટાવી ગયા અને પાણી સાથે બીજું ઘણું બધું ગળા હેઠે ઊતરી ગયું. ભલે વીતેલા સમયનો લૂણો લાગી ગયો હોય, રહી સહી યાદ પોપડા માફક ઉખેડાઈ ગઈ હોય, પણ જે તે સમયે એટલું જ સાચું ને નર્યું સત્ય હતું. વજેસંગને વળી થઇ આવ્યું, ક્યાંક પોતે ઉલમાંથી ચૂલમાં તો નથી પડ્યો? પણ નજીવી પળોમાં તે બિન્ધાસ્તપણે સ્વયં બોલી ઊઠ્યા: મસાણમાં રહેલા મડદાને વળી વીજળી ભીતિ શું હોય?
પણ કોઈ જીવનો જુગારી વર્ષો જૂની ઉઘરાણી કરતી હોય એમ એ સ્ત્રી ઠાવકાઇથી બોલી હતી: `મને સમૂળગી ભૂલી ગયા લાગો છો?' વજેસંગ અબોલ રહ્યા, પણ જીવનમાં ઘણું યાદ રહી જતું હોય છે અને ઘણું આપમેળે વિસરાઈ જતું હોય છે. આવું વજેસંગ સારી પેઠે સમજતા હતા.
ઘર વસવાટ વગર બંધ હતું. વજેસંગે થાય એવું સરખું કર્યું. પછી ખાટલો ઢાળીને લંબાવ્યું. ભોજનની ચિંતા નહોતી. છેલ્લા વર્ષોથી ગામમાં ટિફિનસેવા શરૂ છે. જે ઘર, ખેતર-વાડી સાચવવા રહેતા હોય અથવા ઉંમરલાયક લોકો માટે સુરતવાસીઓ દ્વારા અહીં ભોજનસેવા શરૂ કરવામાં આવી છે. ગામનો એક જરૂરિયાતમંદ પરિવાર આ કામ સંભાળે છે. સમયસર જાણ કરો એટલે ટિફિન મળી જાય.
વજેસંગે સવલતના લીધે ગામમાં પાછા ફરવાનું નક્કી કર્યું હતું, અન્યથા વૃદ્ધાશ્રમ જ વિકલ્પ હતો.
અષાઢી આભમાં વીજળી થયા પછી જે કડાકા ભડાકા સાથે ભયંકર ગર્જના થવા લાગે એવું વજેસંગના ચિત્ત-મસ્તિકમાં થયું. તે સફાળા બેઠા થઇ, ધીમું ધીમું હાંફવા લાગ્યા.પછી પાર વગરનો પસ્તાવો પંડ્યના પરસેવા સાથે વહેવા લાગ્યો. કહી દેવું પડે: `લીલા, ખરું કહું તો મારી આ કફોડી હાલતે મને દી' દશાનું ભાન રહેવા દીધું નથી. અવસ્થાનો આખરી પડાવ કેવો હશે એ કલ્પના સામે સઘળું વિસરાઈ ગયું છે.' પછી જાતે જ કહે: `મારામાંથી હું ખુદ મરી પરવાર્યો છું તેમાં દેવરાની વાત ક્યાં કરવી!' ત્યાં મનના મંદિરમાં જ્યોત જેમ ઝબકી આવ્યું, પણ મારામાં હજી આણલદે જીવે છે એવું આ લીલા શું કરવા કહેતી ગઈ? જિંદગીના લગભગ ચાર દાયકા બાદ તેને આવું કહેવાનું થયું પણ શું કરવા?
શરીરના પરસેવા સાથે વજેસંગ અકળામણ અનુભવતા બેઠા રહ્યા. તેમની નજર તળે જે તે સમયનું આ ગોકુળિયું ગામડું દૃશ્યમાન થવા લાગ્યું હતું. તે આંખનું મટકું મારવાનું પણ ભૂલી ગયા.
ગામડામાં નવરાત્રિમાં ત્યારે ભવાઇ રમવામાં આવતી હતી. ગામના જ યુવાનો ભવાઇની ભજવણી કરી ગામલોકોને ધાર્મિક આસ્થા સાથે સાત્ત્વિક મનોરંજન પૂરું પાડતા હતા. તેમાં રાજા ભરથરી, સત્યવાદી હરિશ્ચંદ્ર, રા' નવઘણ વગેરેની કથા આધારિત ભવાઇ રમાતી હતી. એ કથાઓ પૈકી સૌરાષ્ટ્રની અજોડ ને અમર પ્રેમકથા આણલદે-દેવરો જે `સૌરાષ્ટ્રની રસધાર' કથાસાહિત્યમાં આહિરની ઉદારતા નામે શબ્દસ્થ થઇ છે. ગુજરાતી ચલચિત્ર `શેતલના કાંઠે'માં પણ ભારે ધૂમ મચાવી હતી. આ બાજુ વજેસંગ દેવરાના પાત્રમાં પોંખાતો ને પ્રશંસા પામતો હતો. વળી, કોઈ એવી કાચી-કુંવારી કન્યાના દિલમાં વસવા ને શ્વસવા લાગ્યો હતો, પણ આ બધું કાળના પ્રવાહમાં તણાઇ આરે-ઓવળે ચઢી ગયું હતું. અમુલખ ઘરેણાં જેવી આ જીવતર જડીબુટ્ટી સમાન યાદને કોઈ પોતીકી મૂડી સમજી મનની મંજૂષામાં સંઘરી બેઠું હોય તે જુદી વાત હતી.
લીલા ટિફિન લઈને આવી. કોઈ સોખમણ કે ચોખવટ કર્યા વગર વજેસંગ પેટની આંતરડી ઠારવા બેઠા. પછી સૂઝી આવ્યું હોય એમ લીલા સામે જોઇને કહ્યું: `હું નામ પણ ભૂલી ગયો હતો, લીલા.' પછી ઉમેરી જ દીધું: `તારું નામ યાદ રાખવાનું કારણ પણ નહોતુંને.' વજેસંગનો આ ઘસાતો સ્વર લીલાની છાતીમાં ઘચરકો કરી ગયો. પીડા થઇ. તે મોં બગાડીને બોલી ગઈ: `હા, બીજી મારાં જેવી ઘણીય હતીને.' વર્ષોથી અવાવરું રહેલી ઓસરી સરવા કાને સાંભળવા લાગી, પણ વજેસંગથી સાંભળી શકાયું નહીં. તે ડૂસડૂસ કરતા ગળચવા લાગ્યા. લીલા ગુસ્સાની ઠાવકાઇથી કહે: `યાદ રાખી હતી એને બોલાવોને અત્યારે.'
કોઈ વ્યક્તિ અંતરના ઓરડે કાયમી અજવાળું પાથરતી હોય એવા હક્ક-દાવે લીલાએ હૈયામાં સંઘરાયેલો બળાપો ઠાલવી દીધો. વચ્ચે માત્ર એટલું જ બોલ્યો હતો: `તારા સામે નજર પણ નાખી નહોતી પછી યાદ રાખું શું કરવા?' ત્યાં લીલા બોલી ગઈ: `તે હવે નજર નાખવાની કોણ ના પાડે છે?' વજેસંગના રૂંવાડાં નાગરવેલના જેમ કોળી ઊઠ્યા. શબ્દો સમાધિમાં બેસી ગયા.
પછી પૂછ્યું: `હેં લીલા, તારામાં હજી આણલદે જીવે છે એ મને સમજાયું નહીં.' આવું સાંભળી લીલા સહેજ શરમાઇ ગઈ. પછી કહે: `તમારા સામે જે આણલદેનું સ્ત્રીપાત્ર ભજવતો હતો તે મારાં કપડાં પહેરતો હતો. બસ ત્યારથી મારામાં દેવરા માટે આણલદે જીવે છે.' પાંદડું પડખું ફરે તો પણ ખલેલ પહોંચે એવી શાંતિ પથરાઈ ગઈ અને વજેસંગને અહેસાસ થયો, જીવન તો ખરેખર હવે જીવવા જેવું થયું!