બધાં પ્રાણીઓ જેમ પોતાની જીભ બહાર કાઢી શકે છે તેમ મગર પોતાની જીભ બહાર કાઢી શકતો નથી! કારણ કે તેની જીભ જડબાંને ચોંટેલી હોય છે. જો અન્ય જીવજંતુઓની વાત કરીએ તો કાંચિડાની જીભ તેના શરીર કરતાં પણ લાંબી હોય છે. તેમજ તે તેની જીભથી ગણતરીની

સેકન્ડમાં જ શિકાર પણ કરી શકે છે. જોકે, મનુષ્યોની જીભ માપસરની જ હોય છે, પરંતુ કેટલાક અપવાદરૂપ મનુષ્યોની જીભ ખૂબ જ લાંબી હોય છે અને આ લાંબી જીભનો ગિનીસ રેકોર્ડ પણ નોંધવામાં આવ્યો છે. કેલિફોર્નિયામાં રહેતી ચેનલ ટેપર નામની સ્ટુડન્ટની જીભ 3.8 ઈંચ (9.75 સેમી.) લાંબી છે. ચેનલને પોતાની જીભ લાંબી છે તેની ખબર તેને આઠ વર્ષની ઉંમરે પડી હતી, કારણ કે તે સમયે તેણે તેની હેલોવીનની તસવીરો જોઇ હતી. તે પછી તેણે પોતાની જીભનો ક્યાસ કાઢ્યો હતો અને તેને જાણ થઇ કે હા, ખરેખર મારી જીભ ખૂબ જ લાંબી છે. ચેનલની જીભ સામાન્ય માણસ કરતાં બે ગણી લાંબી છે. નોંધનીય છે કે, પુરુષોમાં લાંબી જીભનો રેકોર્ડ યુ.એસ.ના નિક સ્ટોબર્લના નામે છે. તેની જીભ 3.97 ઈંચ (10.1 સેમી.) લાંબી છે.

લો બોલો, બાથરૂમને જ રૂમ બનાવી ભાડે લીધો!

સૌકોઇને શહેરમાં પોતાના સપનાનું ઘર વસાવવાની ઈચ્છા હોય છે. તે માટે અધધ પૈસાની જરૂર પડતી હોય છે. તેથી જ્યાં સુધી જે તે વ્યક્તિ અધધ પૈસા કમાઈ ન લે ત્યાં સુધી તે ભાડાના ઘરમાં રહેતી હોય છે. જોકે, શહેરોમાં એપાર્ટમેન્ટનાં ભાડાં પણ વધારે હોય છે, પરંતુ ચીનના હુનાનમાં 18 વર્ષીય યાંગ નામની યુવતીએ ભાડાનું ઘર કે એપાર્ટમેન્ટ લેવા કરતાં તેણે વર્ક પ્લેસના બાથરૂમને ભાડે રાખી લીધો છે. યાંગ એક ફર્નિચરના સ્ટોરમાં નોકરી કરે છે અને જો તે ભાડાનું એપાર્ટમેન્ટ રાખે છે તો તેને 800 યુઆન આપવા પડે તેમ હતા, પરંતુ જો તે સ્ટોરનો બાથરૂમ ભાડે રાખે છે તો તેને માત્ર 50 યુઆન જ આપવાના રહે છે, તેથી તેણે સ્ટોરના માલિક સાથે વાટાઘાટો કરી બાથરૂમ ભાડે રાખી લીધો છે. યાંગે આ બાથરૂમમાં ફોલ્ડેબલ પલંગ અને સ્ટોરેજ માટે કપડાંની રેલિંગ લગાડી છે. યાંગ ખાવાનું બનાવવા માટે પોર્ટેબલ હોબનો ઉપયોગ કરે છે. જોકે, તે બાથરૂમને એકદમ ચકચકિત રાખે છે! એક રીતે તો નોકરિયાત વર્ગ પોતાની અડધી જિંદગી ઓફિસમાં જ કાઢી લેતો હોય છે. એવામાં બાથરૂમ ભાડે રાખવો પ્રશંસનીય કહી શકાય!

હવે પ્લાસ્ટિક પ્રદૂષણથી છુટકારો મળશે.

આપણી રોજબરોજની જિંદગીમાં પ્લાસ્ટિક જાણે એક ભાગ બની ગયું છે. આપણી આસપાસ એવી ઘણી બધી વસ્તુઓ છે, જેમાં પ્લાસ્ટિક વપરાતું હશે. એક રીતે પ્લાસ્ટિક લાકડાનો પર્યાય છે જેથી વૃક્ષો ઓછાં કપાય છે. એટલે કે પ્લાસ્ટિકની મજબૂતાઇને કારણે તે વધુ લાંબા સમય માટે યોગ્ય સાબિત થાય છે, પરંતુ જ્યારે પ્લાસ્ટિક ડિસ્પોઝ કરવાની વાત આવે છે ત્યારે તે પર્યાવરણનું દુશ્મન બની જાય છે, તેથી જાપાનમાં સેન્ટર ફોર ઇમર્જેન્ટ મેટર સાયન્સે (RIKEN) એક નવા પ્રકારનું પ્લાસ્ટિક બનાવ્યું છે, જે ઉપયોગમાં મજબૂત છે. આ પ્લાસ્ટિક ખારા પાણીમાં ભળ્યા બાદ તે હાનિરહિત કંપાઉન્ડમાં તૂટી જાય છે અને પર્યાવરણમાં પ્રદૂષણ પણ ફેલાતું નથી. વધુમાં આ પ્લાસ્ટિક કોઇ પણ પ્રકારનો ઝેરી કચરો પણ છોડતું નથી. ટૂંકમાં, આ પ્લાસ્ટિકથી સમુદ્રી પ્રદૂષણને ઓછું કરી શકાશે. જોકે, આ પ્લાસ્ટિકને સરતચૂકથી પણ જો ખારું પાણી અડી જાય છે તો તે જલદીથી ગળી જાય છે. તેથી તેના પર એક વિશેષ પ્રકારનું કોટિંગ લગાવવામાં આવે છે, જેથી તે પ્લાસ્ટિક ત્વરિત ભળી ન શકે. અંદાજિત સાડા આઠ કલાકમાં આ પ્લાસ્ટિક ખારા પાણીમાં ભળી જાય છે.