ડાયમંડ સૂત્ર, જે મૂળ સંસ્કૃતમાં લખાયેલો એક પ્રાચીન બૌદ્ધ ગ્રંથ છે, ડાયમંડ સૂત્ર એ કોઈ પરંપરાગત પુસ્તક નથી, પરંતુ એક સ્ક્રોલ છે. તે આશરે 5 મીટર (16 ફૂટ) લાંબું છે અને લખાણ લાકડાના બ્લોક પ્રિન્ટિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને છાપવામાં આવ્યું છે, જ્યાં દરેક પૃષ્ઠ લાકડાના બ્લોકમાં કોતરવામાં આવ્યું હતું. આ બ્લોક્સ પછી શાહીમાં બોળીને કાગળ અથવા કાપડની શીટ પર દબાવવામાં આવ્યા હતા. ડાયમંડ સૂત્ર પ્રાચીન પ્રિન્ટિંગ પદ્ધતિનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે ચીની તાંગ રાજવંશ દરમિયાન પુસ્તક ઉત્પાદનમાં ઐતિહાસિક પ્રગતિ દર્શાવે છે.
થોથાં એટલે મુખ્યત્વે લાંબી વિગતવાળાં લખાણ હોય તેવા કાગળો. પોથી એટલે એક કપડામાં બાંધીને બનાવેલી પોટકી કે લૂગડાના કટકામાં બાંધેલ છૂટાં પાનાં, (જૂની) હસ્તલિખિત પુસ્તિકા. પ્રમુખરૂપે ધર્મના પુસ્તકને પોથી કહે છે. જેને અંગ્રેજીમાં બુક કહે છે તે પુસ્તક એટલે મોટી પોથી, પરંતુ વ્યવસ્થિત રીતે છાપેલ, બાંધેલ કાગળો.
ઘણી વખત કટાક્ષમાં પુસ્તકોને થોથાં કહે છે, તેમજ બે એવા કટાક્ષમય શબ્દો છે જેણે પુસ્તક અને પુસ્તક વાંચનનું માહાત્મ્ય, મહિમા, મહત્ત્વ જ ખતમ કરી નાખ્યું છે. આ બે શબ્દો છે પુસ્તકપાંડિત્ય અને પુસ્તકપંડિત. પાંડિત્ય એટલે પંડિતપણું, પંડિતાઈ, વિદ્વત્તા ચતુરાઈ, હોશિયારી કે કુશળતા અને પંડિતનો અર્થ થાય બુદ્ધિમાન માણસ, શાસ્ત્રોનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ, વિદ્વાન જેને અંગ્રેજીમાં `સ્કૉલર' કહે છે. હવે જુઓ ખેલ, આ બંને શબ્દોને પુસ્તક સાથે જોડી કેવી હીનભાવના અને અનર્થકારક પેદા કરતા ભાવાર્થ રચ્યા છે. `પુસ્તકપાંડિત્ય'નો મતલબ કરવામાં આવ્યો ગ્રંથોના વાચનથી `માત્ર' `મળેલી' વિદ્વત્તા અથવા `અનુભવહીન' વિદ્યા અથવા ચોપડી વાંચીને મેળવેલું જ્ઞાન તેમજ `પુસ્તકપંડિત' મતલબ અનુભવ વગરનો `માત્ર' વાંચી `તૈયાર' થયેલો વિદ્વાન અથવા ચોપડી વાંચી `વિદ્વાન' થયેલ પુરુષ અથવા અનુભવ વગરનો વિદ્વાન કે ફક્ત ચોપડીઓ વાંચી જ્ઞાન મેળવેલું હોય તે માણસ.
વાસ્તવમાં પુસ્તક એ `જ્ઞાન' આપે છે, જે માટે `અનુભવ'નો ખર્ચ સહન કરવો પડતો નથી કે પડતર કિંમત ચૂકવવી પડતી નથી. અનુભવ એ કરવાથી, જોવાથી, અભ્યાસથી, અવલોકનથી અથવા પરિચયમાં પડવાથી થયેલું જ્ઞાન છે.
પાંડિત્ય, શિક્ષણ, વિદ્વત્તા અને વિદ્યા માત્ર ને માત્ર પુસ્તક વાંચનથી જ આવે છે. પુસ્તક એ અન્યોના અનુભવોનો નિચોડ છે, જે બીજાના માટે પથદર્શક હોય છે. અનુભવીને પંડિત નથી જ કહેવાતો. ડોક્ટર પંડિત છે, એન્જિનિયર પણ પંડિત છે, શિક્ષકો-પ્રોફેસરો પણ પંડિતો છે. છાતી કે પેટ ચીરતો ડોક્ટર પ્રથમ પુસ્તકમાં વાંચીને જ અનુભવ લેવા યોગ્ય બને છે. એન્જિનિયર ઘર કે પુલ બાંધવાનું પ્રાથમિક જ્ઞાન પુસ્તકમાંથી જ મેળવે છે. પુસ્તકપાંડિત્ય કે પુસ્તકપંડિત અપમાનજનક કટાક્ષ નહિ, સન્માનજનક પ્રશંસક શબ્દો હોવા જોઈએ.
વળી, પુસ્તકનો અર્થ અને પ્રકાર વિશાળ છે એટલે ફક્ત ભણવાના ચોપડા (પાઠ્યપુસ્તકો) જ પુસ્તક નથી હોતા. આપણા વેદો તથા મહાભારત, રામાયણ, ભાગવત તથા ભગવદ્ગીતા, ઉચ્ચ કક્ષાનું સાહિત્ય-ગ્રંથ, નવલકથાઓ, નિબંધ તથા કવિતા, ઠીકઠાક ચોપડીઓ કે પછી સાવ કાઢી નાખવા જેવું, જે આજે અઢળક છપાય છે અને આવતી કાલે પસ્તીમાં જાય છે એવું લખાણ `હલિથો' પણ પુસ્તકોનો જ ભાગ છે. વાંચન અને અનુભવ બંને ભિન્ન બાબત છે. વાંચન પણ અનુભવ મેળવવાની જ ક્રિયા-પ્રક્રિયા છે.
કાલ્પનિક, નોન-ફિક્શન, સંદર્ભ, બાળકોના, કવિતા, ગ્રાફિક નવલકથાઓ અને કોમિક્સ, રસોઈ કળાના, ધાર્મિક ગ્રંથો, કાવ્યસંગ્રહો અથવા અન્ય અનેક વિષયોને લગતાં પુસ્તકોમાંથી જે ગમે તે, જેમાં રુચિ હોય તે પુસ્તકો વાંચવાની આદત કેળવવાની જરૂર છે. વાંચન એ એક એવી વસ્તુ છે, જે વ્યક્તિના અસ્તિત્વને અન્યથા હોઈ શકે તેના કરતાં વધુ સમૃદ્ધ બનાવે છે.