તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની પહેલથી દેશના સાડત્રીસ વિપક્ષો સીમાંકનના મુદ્દે એકત્ર થયા છે. દક્ષિણનાં રાજ્યોએ વસ્તી નિયંત્રણના કાર્યક્રમોનો અસરકારક અમલ કરતાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે થતાં લોકસભા બેઠકોના સીમાંકનમાં તેમની બેઠકો ઘટવાની આશંકા છે. બેઠકો ઘટતાં કેન્દ્ર સરકારમાં તેમનો અવાજ નબળો પડશે, તેથી તેઓ સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણનાં રાજ્યોની લોકસભા બેઠકો ઘટશે નહીં તેવું આશ્વાસન આપ્યું છે, પરંતુ વિરોધ અટક્યો નથી. બંધારણીય જોગવાઈઓને અનુરૂપ બંધારણીય જરૂરિયાત એવા સીમાંકને આજકાલની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.

ગ્રામપંચાયતથી લોકસભા સુધીના મત વિસ્તારોની સીમાઓની આંકણી એટલે સીમાંકન, પરિસીમન કે ડીલિમિટેશન. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના મતાનુસાર કોઈ દેશની સંસદ કે રાજ્યની વિધાનસભાના ચૂંટણી ક્ષેત્રોની સીમા નક્કી કરવાની પ્રક્રિયા એટલે સીમાંકન. ભારતમાં મત વિસ્તારનું સીમાંકન વસ્તીના આધારે થાય છે. સીમાંકનનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોની વહેંચણી દેશની વસ્તીમાં તેમની હિસ્સેદારી પ્રમાણે હોય. એક વ્યક્તિ એક મતનો સિદ્ધાંત સચવાય અને મતવિસ્તારો સમાન હોય.

બંધારણના આર્ટિકલ 81માં લોકસભાની રચના પ્રક્રિયાની જોગવાઈ છે. તે પ્રમાણે રાજ્યોની વસ્તીના ધોરણે એકસમાન મતવિસ્તારોમાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યોથી લોકસભા રચાશે. આર્ટિકલ 82માં દર દાયકે થતી વસ્તી ગણતરી પછી વસ્તીના આધારે લોકસભાની કુલ બેઠકોની રાજ્યોમાં વહેંચણી કરવાની અને તે પ્રમાણે મતવિસ્તારોનું સીમાંકન કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ 170માં રાજ્યોની વિધાનસભાઓની પણ આ જ ધોરણે રચના થશે. જ્યારે અનુચ્છેદ 330 અને 332માં અનુસૂચિત જાતિ, જનજાતિઓ માટેની અનામત બેઠકોની જોગવાઈ છે.

જુદાં જુદાં વર્ષોના ચાર ડીલિમિટેશન એક્ટ પ્રમાણે દેશમાં ચાર વખત લોકસભા બેઠકોનું સીમાંકન થયું છે. 1952, 1963, 1973 અને 2002માં સીમાંકન થયું હતું. સીમાંકન માટે અલગ સીમાંકન આયોગ નામક બંધારણીય સંસ્થાની રચના કરવાની હોય છે. તેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ બની શકે છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કે તે નક્કી કરે તે ઈલેક્શન કમિશનર, સંબંધિત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત તેમાં એસોસિએટ મેમ્બર તરીકે નિષ્ણાતો કે લોકસભા-ધારાસભાના પાંચ-પાંચ સભ્યોની નિમણૂક કરવાની હોય છે.

આ કમિશન વસ્તી ગણતરીના અધિકૃત આંકડા સાથે દેશ અને રાજ્યના ચૂંટણી કમિશન સાથે મળીને મત વિસ્તારોની સીમા અને બેઠકોની સંખ્યા નક્કી કરે છે. સીમાંકનની કામગીરી સંપૂર્ણ પારદર્શિતાથી, રાજકીય પક્ષો અને લોકો સાથેના પરામર્શનથી અને પૂર્ણ તટસ્થતાથી કરવાની હોય છે. સીમાંકન આયોગ જે બેઠકોની સંખ્યા નક્કી કરે અને મત વિસ્તારોની જે હદ આંકે તે ફાઈનલ ગણાય છે. તેને કોઈ કોર્ટમાં પડકારી શકાતી નથી. સંસદ અને વિધાનગૃહોમાં સીમાંકન આયોગનો અહેવાલ તો રજૂ થાય છે, પરંતુ તેના પર કોઈ ચર્ચા કરી શકાતી નથી. આ પ્રકારની જોગવાઈને કારણે સીમાંકન આયોગનું કામ ખૂબ જ કઠિન અને સર્વોપરી છે.

1951, 1961 અને 1971ના દાયકે થયેલી વસ્તી ગણતરી પ્રમાણે સીમાંકન આયોગની રચના થઈ હતી અને બેઠકોની સંખ્યા નક્કી થઈ હતી. 1952માં લોકસભાના સભ્યોની કુલ સંખ્યા 494 હતી. તે પછી 1962માં 522 હતી અને 1973માં 543 થઈ. 1960માં ગુજરાતના અલગ રાજ્યની રચના થયા બાદની 1962ની ચૂંટણીમાં રાજ્યમાં લોકસભાની બેઠકો 22 હતી, જે વસ્તીના વધારા સાથે 1967માં 24 અને 1977માં 26 થઈ હતી. ગુજરાત વિધાનસભાની સીટો 1962માં 154, તે પછી 168 અને 1975થી 182 છે.

લોકસભાની કુલ બેઠકો 543 અને ગુજરાત વિધાનસભાની બેઠકો 182 છેલ્લાં પચાસ વર્ષોથી સ્થિર છે અને વસ્તી વૃદ્ધિ છતાં તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેનું કારણ બંધારણ સુધારા મારફતે ભારત સરકારે તેમાં કોઈ વધારો ન કરવાનો કરેલો નિર્ણય છે. 1976માં આંતરિક કટોકટી દરમિયાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પચીસ વર્ષ માટે (2000 સુધી) લોકસભાની બેઠકોમાં ફેરફાર ન કરવા બેતાળીસમો બંધારણ સુધારો કર્યો હતો. એ વખતે એવું કારણ આગળ ધર્યું હતું કે જે રાજ્યોએ કુટુંબ નિયોજન કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડ્યા છે તેમની બેઠકો ઘટે નહીં અને વસ્તી વધારાને રોકી શકાય તે માટે આ જરૂરી છે.

2001માં 84મા બંધારણ સુધારાથી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે વળી બીજા પચીસ વર્ષ સુધી એટલે કે 2025 સુધી લોકસભાની 543 બેઠકો યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો. હવે 2025માં નવો સીમાંકન એક્ટ અને આયોગ રચવાના છે.

આ દાયકાના આરંભે થનારી વસ્તી ગણતરીના કોઈ અણસાર જણાતા નથી, પરંતુ તેના આધારે થનારા સીમાંકન અને બેઠકોમાં વધારા-ઘટાડાની ચર્ચા થઈ રહી છે.

દક્ષિણનાં રાજ્યોની દલીલ છે કે ઉત્તર ભારતની તુલનામાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે સીમાંકન થાય તો તેમને નુકસાન થવાની અને બેઠકો ઘટવાની વાતમાં દમ છે. વળી, તેમની બેઠકો ઘટવા કરતાં ઉત્તરની બેઠકો વધતાં સત્તા સંતુલનમાં તેમની ભૂમિકા સાવ નામશેષ થઈ જવાનો ડર પણ છે. તમિલનાડુ, આંધ્ર, તેલંગણા, કર્ણાટક અને કેરળ એ પાંચ દક્ષિણ ભારતીય રાજ્યોની કુલ બેઠકો હાલમાં 129 કે લોકસભાની કુલ બેઠકોમાં 24 ટકા છે. ઉત્તરનાં મોટાં રાજ્યોની બેઠકો 174 કે 32 ટકા છે. હવે જો વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં લઈ બેઠકોની વહેંચણી થાય તો એકલા ઉત્તરપ્રદેશ અને બિહારની બેઠકો જ વધીને કુલ બેઠકોના 30 ટકા અને દક્ષિણનાં પાંચ રાજ્યોની ઘટીને 19 ટકા થશે. એટલે દક્ષિણ ભારતના રાજકીય પક્ષો સીમાંકન 30 વર્ષ સુધી ટાળવાની માંગ કરી રહ્યા છે.

દુનિયાના અન્ય લોકશાહી દેશો પૈકી અમેરિકામાં 7 લાખની વસ્તીએ એક અને યુ.કેમાં 1 લાખની વસ્તીએ 1 એમ.પી. છે. જ્યારે ભારતમાં આશરે પચીસ લાખે એક એમ.પી. છે. વળી, તેમાં પણ ભિન્નતાછે. કેરળમાં 17 લાખે, રાજસ્થાનમં 33 લાખે અને લક્ષદીપમાં 50 હજારે એક એમ.પી છે. આ વિસંગતતા ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે પણ છે.

સીમાંકનની બંધારણીય જરૂરિયાતનો રાજકીય પક્ષો પોતાના ફાયદા કે હિત માટે ઉપયોગ કરતા હોય છે. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં બંધારણીય સંસ્થા એવું ડીલિમિટેશન કમિશન સત્તા પક્ષની કઠપૂતળી બની સીમાંકન કરે છે તેવી ફરિયાદ આજના સત્તા પક્ષો જ્યારે વિપક્ષો હતા ત્યારે અને વિપક્ષો જ્યારે સત્તા પક્ષો હતા ત્યારે કરતા રહ્યા છે. પોતાની વોટ બેન્કને એક તરફ કરતું અને વિરોધી વોટ બેન્કને વિભાજિત કરતું સીમાંકન થતું રહ્યું છે. એટલે આઝાદીનાં પંચોતેર વર્ષ પછી લોકતંત્રની મજબૂતી માટે પરામર્શન, પારદર્શિતા અને નિષ્પક્ષતાના આધારે સીમાંકન થાય તે દેશહિતમાં છે.