આપણા હાઈવે પર દર પાંચમી ટ્રકે કદાચ આપણને વાંચવા મળતું હોય છે કે `સમય સે પહલે ઔર નસીબ સે જ્યાદા કભી કિસી કો નહીં મિલતા.' જોકે, પહેલી નજરે મીડિયોકર લાગતું આ વાક્ય પિતામહ ભીષ્મે શાંતિપર્વમાં જરા જુદી રીતે સમજાવ્યું છે. અબલત્ત, તેમણે જે વાત પર ફોકસ કર્યું છે એ ઉપરના વાક્યનો અડધો ભાગ છે, જેમાં તેમણે કહ્યું છે કે મોટાભાગના માણસો કેટલીક વસ્તુઓ અથવા તો કેટલાંક પદો કે હેસિયત મેળવવામાં અત્યંત ઉતાવળ કરી નાંખતા હોય છે. જેને કારણે તેઓ મોટા નુકસાનનો સામનો કરે છે તેમજ તેઓ જીવનભર કેટલીક પીડાઓને આમંત્રી દેતા હોય છે.
ભીષ્મ કહે છે કે દરેક ઉંમરની તેમજ દરેક સમયની પોતાની આગવી જરૂરિયાત હોય છે અને જો માણસ સમયની જરૂરિયાત મુજબ નથી વર્તતો અથવા તો એ મુજબનાં કાર્યો નથી કરતો તો તે વિકૃત, ભૂંડો અને હાસ્યાસ્પદ દેખાય છે. તેઓ ઉદાહરણ આપે છે કે જેમ એક બાળક અથવા કિશોર, યુવાનોથી પ્રભાવિત થઈને યુવાનો સાથે ઊઠબેસ કરતો હોય, તેમના જેવી પ્રવૃત્તિ કરતો હોય કે તેમની જેમ બોલતો હોય તો એ કિશોર સ્વાભાવિક ઉપહાસને પાત્ર બને. એવું જ લીડરશિપમાં પણ લાગુ પડે છે.
ભીષ્મ કહે છે કે કોઈ પણ વ્યક્તિ લીડર તરીકે સ્થાપિત થાય એ પહેલાં લોકોના મનમાં તેના વિશે અમુક ચોક્કસ પ્રકારની માન્યતા હોય છે. લીડર પોતાના મનમાં ભલે એમ માનતો હોય કે તેની અંદર એક આગવો એટિટ્યૂડ છે કે તેની પાસે પોતાનો આગવો પ્રભાવ છે, પરંતુ લોકો લીડરને તેની ઉંમર, તેના પ્રભાવ કે તેના પાવરના હિસાબે જ આંકતા હોય છે અને તેની સાથે નેટવર્ક કે વર્તન કરતા હોય છે. બીજી તરફ લીડરની વાસ્તવિકતા કંઈક જુદી હોય છે, પણ તેનું મન કંઈક જૂદું જ માનીને બેઠું છે. અંતતઃ થાય શું? તો કે લીડર પોતાની સફળતા કે પોતાના સંતોષ કે પોતાના ગોલ્સને માળીએ ચઢાવી દે છે અને બીજાની સામે કશુંક પ્રૂવ કરવાની કે તેમને કશુંક બતાવી દેવાની ભાવનાથી આગળ વધવા માંડે છે.
ભીષ્મ કહે છે કે આવી સ્થિતિમાં લીડર માટે ત્રણ બાબતો અત્યંત આસાનીથી ઘટી શકે છે. એક બાબત તેના દેવાદાર થવાની, બીજી બાબત તેના અગાધ નિરાશામાં ધકેલાઈ જવાની અને ત્રીજી બાબત તેના અસંખ્ય દુશ્મનો કે વિરોધી બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. કોઈ કહેશે કે જો આવું હોય તો લીડરે કોઈને બતાવી દેવાની વૃત્તિમાંથી મુક્ત થઈ જવું. એમાં તે વળી સમયથી વહેલાં પ્રાપ્ત કરવાની સ્ટ્રેટેજી ક્યાં આડે આવે છે? પરંતુ ભીષ્મ કહે છે કે માણસની અંદર બીજાને બતાવી દેવાની વૃત્તિનો જન્મ પણ ત્યારે જ થાય છે, જ્યારે માણસની અંદર સમયની પહેલાં કશુંક પામી લેવાનો કે બતાવી દેવાનો મોહ જાગે છે.
જો માણસ સમય સાથે ચાલતો હોય અને પોતાના એ સમય મુજબ વર્તતો, સપનાં જોતો કે કામ કરતો હોય તો તો પ્રશ્ન જ ક્યાં આવે છે? પરંતુ ડખા ત્યારે થાય જ્યારે તે સમયથી પહેલાં કોઈ પદ કે પ્રતિષ્ઠા કે સત્તા મેળવવા માટેના પ્રયત્નો કરે. આવી સ્થિતિમાં સૌથી પહેલાં રિએક્શન્સ બહારથી આવતાં હોય છે. એ રિએક્શન્સ ક્યાં તો ટીકાઓ તરીકે આવતાં હોય છે, ક્યાં તો વિરોધ તરીકે આવતાં હોય છે અથવા તો ઉપહાસ તરીકે આવતાં હોય છે. જે પછી લીડરને સળી કરી જાય છે અને તેને ઉશ્કેરે છે. અંતતઃ થાય શું? લીડર ક્યાં તો એ રિએક્શન્સ આપતા લોકોને બતાવી દેવા માગતો હોય. અથવા તો જો બતાવી ન શકે તો તે નિરાશામાં ધકેલાતો હોય છે. જે નિરાશાની પણ પાછી પોતાની અનેક સાઈડ ઈફેક્ટ્સ હોય છે.
ઈનશોર્ટ, લીડરે પોતે ધ્યાનમાં રાખવાનું છે અમુક સ્થાન, અમુક પ્રતિષ્ઠા કે અમુક પદ સમય આવ્યે જ મળે. દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ છે, પણ એક સમયે તેઓ નગરપરિષદના સભ્ય જ હતાં, પણ જો તેઓ નગરપરિષદના સભ્ય તરીકે જ રાષ્ટ્રપતિની જેમ વર્તવા માંડતાં તો? તો કદાચ એવું બનત કે તેમની રાજકીય કારકિર્દી પર જ પૂર્ણવિરામ મુકાઈ જાત. સી, આપણે સપનાં જરૂર જોવાના અને એ દિશામાં પ્રયત્નો પણ પૂરા કરવાના, પરંતુ આ બધાની સાથોસાથ આપણે પેલી ગુજરાતી કહેવત પણ યાદ રાખવાની કે ચાદર ઓઢાય એટલી જ ઓઢવાની. નહીંતર વાંધો પડે જ. ખાસ તો આવા કિસ્સામાં આપણે વેચાતી બબાલોથી બચી શકીએ છીએ, જે એનર્જી આપણને બીજાં રચનાત્મક કાર્યોમાં કામમાં આવી શકે છે.