હિન્દુ શાસ્ત્રોમાં ગંધર્વોને એક એવા જૂથ તરીકે વર્ણવવામાં આવ્યા છે કે જે સ્વર્ગના દૈવી સંગીત, નૃત્ય અને કલાનું પ્રતીક છે. ગંધર્વોને દેવતાઓના ભક્તો અને કલાત્મક પ્રતિભા અને સુંદરતાના અવતાર તરીકે જોવામાં આવે છે. તેમનો ઉલ્લેખ ઘણાં શાસ્ત્રોમાં જોવા મળે છે. જેમ કે, મહાભારત, વિષ્ણુપુરાણ, ભાગવત પુરાણ અને વેદ. આ ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગંધર્વો તેમના અદ્ભુત સંગીત અને નૃત્ય દ્વારા સ્વર્ગમાં આનંદ અને ખુશીનું વાતાવરણ બનાવે છે.

આ ગંધર્વોમાં તુમ્બુરુનું નામ ખાસ કરીને ઉચ્ચ સ્થાન ધરાવે છે. તુમ્બુરુને એક સંપૂર્ણ સંગીતકાર તરીકે વર્ણવવામાં આવે છે, જેમનું સંગીત દૈવી, શાશ્વત અને અત્યંત મોહક માનવામાં આવે છે. ઘણાં શાસ્ત્રોમાં તુમ્બુરુનો ઉલ્લેખ દર્શાવે છે કે તેમના દ્વારા રચિત અને રજૂ કરાયેલ સંગીતને દેવતાઓ દ્વારા ખૂબ જ માન આપવામાં આવતું હતું.

મહાભારતના આદિપર્વમાં ગંધર્વોના વર્ણનમાં તુમ્બુરુનો ઉલ્લેખ છે કે જ્યાં તેમને એક ઉત્તમ સંગીતકાર માનવામાં આવ્યા છે. ઉપરાંત, વિષ્ણુપુરાણ અને ભાગવત પુરાણ ગંધર્વોના આદર્શ સ્વરૂપ અને તેમના દ્વારા ઉત્પન્ન થયેલા દૈવી સંગીતની પ્રશંસા કરે છે, જે તુમ્બુરુની વિશેષ ભૂમિકા દર્શાવે છે.

શાસ્ત્રોમાં દર્શાવેલ હકીકતો મુજબ તુમ્બુરુનું સંગીત માત્ર સાંભળવામાં મધુર નહોતું, પરંતુ તેમાં એક દિવ્યતા અને વિશાળતા પણ હતી, જે શ્રોતાનાં મન, મગજ અને આત્માને એક કરવા સક્ષમ હતી. ગંધર્વો દ્વારા રજૂ કરાયેલા સંગીતમાં પ્રકૃતિ, વૈશ્વિક લય અને અનંત પ્રેમનો સમાવેશ થતો હતો. તુમ્બુરુના સંગીતની વિશેષતા એ હકીકતમાં જોવા મળે છે કે તેમની ધૂનમાં એક પ્રકારનો શાશ્વત અને દિવ્યતા સહજ લય હતો, જેને સાંભળીને દેવતાઓના હૃદય આનંદથી ભરાઈ જતા. આ સંદર્ભમાં તેમને આદર્શ સંગીતના પ્રતીક તરીકે ગણવામાં આવે છે, જેમનું સંગીત સતત આનંદનો સ્રોત રહ્યું છે.

હિન્દી અને સંસ્કૃત સાહિત્યમાં ગંધર્વોના મહિમા અને તેમના દ્વારા કરવામાં આવતી કળાઓનું વર્ણન કરતા ગ્રંથોમાં તુમ્બુરુનો ઉલ્લેખ જોવા મળે છે. મહાકાવ્ય મહાભારતમાં ગંધર્વોના જૂથનું વર્ણન કરતી વખતે તુમ્બુરુનું નામ ખાસ કરીને નોંધપાત્ર છે. ગંધર્વોના સંગીત અને કલાની પ્રશંસા કરતાં આદિપર્વ અને અન્ય સંદર્ભોમાં તુમ્બુરુને એક મહાન કલાકાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. વિષ્ણુપુરાણમાં ગંધર્વોના આદર્શ સ્વરૂપ અને તેમના દ્વારા ઉત્પન્ન થયેલા દિવ્ય સંગીતનું વિગતવાર વર્ણન છે. આ પુરાણમાં ગંધર્વો તેમજ તુમ્બુરુની પ્રશંસા કરવામાં આવી છે કે જે દર્શાવે છે કે તેમના સંગીતમાં એક રહસ્યમય દિવ્યતા છે, જેને પરમાત્માની નજીક પહોંચવાનું માધ્યમ માનવામાં આવે છે. ભાગવત પુરાણમાં પણ ગંધર્વોનો મહિમા ઉલ્લેખિત છે. અહીં તુમ્બુરુનું નામ ટૂંકમાં પણ શક્તિશાળી રીતે ઉલ્લેખવામાં આવ્યું છે, જે સાબિત કરે છે કે તુમ્બુરુનું સંગીત દેવતાઓ અને સર્જનહાર પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે. આ ઉપરાંત ઋગ્વેદ ગંધર્વોના સામૂહિક ગુણો અને તેમના દ્વારા બનાવેલા સંગીતના સ્વરૂપનો પણ ઉલ્લેખ કરે છે. ભલે તુમ્બુરુનું નામ સીધું વિગતવાર ઉલ્લેખિત નથી, તેની પ્રતીકાત્મક હાજરી સમજી શકાય છે.

રામાયણમાં ઉલ્લેખ છે કે તુમ્બુરુ બધા ગાયકોમાં શ્રેષ્ઠ હતા અને ભગવાન વિષ્ણુ દ્વારા તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નારદ મુનિને એક વાર તુમ્બુરુની ઈર્ષ્યા થઈ, તેથી ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું કે તુમ્બુરુ તેમનું સંગીત તેમના કરતાં વધુ સારી રીતે વગાડે છે અને પછી ભગવાન વિષ્ણુએ નારદને ગણબંધુ નામના ઘુવડ પાસે સંગીત શીખવા મોકલ્યા. ઘુવડ પાસેથી શીખ્યા પછી નારદ તુમ્બુરુના ઘરે ગયા. ત્યાં તેમણે તુમ્બુરુને ઘાયલ પુરુષો અને સ્ત્રીઓથી ઘેરાયેલા જોયા અને પછી તેમને ખ્યાલ આવ્યો કે તેઓ સંગીતમય રાગ અને રાગિણીઓ છે કે જેઓ નારદ મુનિના ખરાબ ગાયનથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. નારદ મુનિ શરમમાં તે સ્થળ છોડીને ચાલ્યા ગયા અને તે પછી ભગવાન કૃષ્ણની પત્નીઓ પાસેથી યોગ્ય ગાયન શીખે છે.

તુમ્બુરુ કુબેરનો અનુયાયી હોવાનું કહેવાય છે અને તેમનાં ગીતો સામાન્ય રીતે કુબેરના દરબારમાં ગવાતાં હતાં. તુમ્બુરુ અથવા થમ્બુરુ ગંધર્વોને સંગીત અને ગાયન શીખવે છે અને તેમના સંગીત માટે તેમને `ગંધર્વોના ભગવાન' કહેવામાં આવે છે. તુમ્બુરુને ક્યારેક ગંધર્વને બદલે ઋષિ તરીકે પણ વર્ણવવામાં આવે છે. તુમ્બુરુને ઘણીવાર ઘોડાના મુખવાળા ઋષિ તરીકે દર્શાવવામાં આવે છે. તે વીણા પકડીને ગાય છે. શિવજીને પોતાની તપસ્યાથી પ્રસન્ન કર્યા પછી તુમ્બુરુએ શિવજીને ઘોડા જેવું મુખ અને અમરત્વ આપવા કહ્યું. શિવે તેને આશીર્વાદ આપ્યા અને તેણે માંગેલું વરદાન આપ્યું.

તુમ્બુરુના વ્યક્તિત્વને માત્ર એક દૈવી સંગીતકાર તરીકે વર્ણવવામાં આવતું નથી, પરંતુ તેમના દ્વારા આપણને આધ્યાત્મિક ઉત્થાન, સુંદરતા, કલા અને સર્જનાત્મકતાનો સંદેશ પણ મળે છે. હિન્દુ ફિલસૂફીમાં સંગીતને આત્માના શુદ્ધીકરણ અને બ્રહ્માંડિક ઊર્જાના પ્રસારણનું સાધન માનવામાં આવે છે, તેથી તુમ્બુરુની કલા માત્ર શાસ્ત્રીય સંગીતની પરંપરાનો એક ભાગ નથી, પરંતુ તે આધ્યાત્મિક અભ્યાસ અને પરમાત્માની નજીક પહોંચવાનું એક માધ્યમ પણ છે.