30જાન્યુઆરી, 2025ની સવારે તમિલનાડુના ચેન્નાઈમાં થિરુમલ લાઈ વોયાલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી કમલા છેલ્લા ચાર-પાંચ દિવસથી એક વિચિત્ર ગંધથી પરેશાન હતી. શરૂઆતમાં તેણે વિચાર્યું કે ગંધ કોઈ બગડેલા ખોરાક અથવા ગટરમાંથી આવી રહી હશે, પરંતુ કમલાએ પહેલાં તો પોતાનાથી શક્ય હતું તેટલું બધું કરવાનો પ્રયાસ કર્યો અને એપાર્ટમેન્ટના દરેક ખૂણાની સફાઇ પણ કરી. તેમ છતાંય દુર્ગંધમાં કોઈ ઘટાડો થયો નહીં. ધીમે ધીમે દુર્ગંધ આખી ઇમારતમાં ફેલાઈ ગઈ, જેનાથી અન્ય પડોશીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા.
જ્યારે કમલાએ તેના પડોશીઓ સાથે આ અંગે ચર્ચા કરી, ત્યારે બધાએ સાથે મળીને શોધવાનો પ્રયાસ કર્યો કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. બધાએ સાથે મળીને ફ્લેટ અને કોરિડોરની અંદર તપાસ કરી, પણ હજુ પણ દુર્ગંધનું મૂળ શોધી શકાયું નહીં. આખરે એક બંધ ફ્લેટના દરવાજા પાસે ખૂબ જ તીવ્ર દુર્ગંધ અનુભવાઈ, જેનાથી બધાના મનમાં શંકા વધુ ઘેરી બની. દરવાજો બંધ હોવાથી ગાર્ડે પણ પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે અંદરથી કોઈ જવાબ ન મળ્યો, ત્યારે પરિસ્થિતિ વધુ રહસ્યમય બની ગઈ.
ઘરમાંથી કોઈ જવાબ ન મળતાં કોઈએ પોલીસને જાણ કરી, ત્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે પહેલાં ફ્લેટના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળતાં, તેમને પડોશીઓ પાસેથી માહિતી મેળવવી પડી. પડોશીઓએ જણાવ્યું હતું કે ફ્લેટના રહેવાસીઓ, જેમની ઓળખ પાછળથી સિન્થિયા અને તેના પિતા સેમ્યુઅલ શંકર તરીકે થઈ હતી. ઘણા સમયથી જોવા મળ્યા ન હતા. કેટલાક પડોશીઓએ કહ્યું કે ફ્લેટમાંથી એક વિચિત્ર ગંધ આવી રહી હતી, પરંતુ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી.
દરવાજા પરના તાળાની સ્થિતિ અને સતત વધતી જતી દુર્ગંધને કારણે પોલીસને શંકા ગઈ કે આ માત્ર કુદરતી ઘટના નથી, પણ કોઈ ષડ્યંત્રનો ભાગ હોઈ શકે છે. પોલીસે ફ્લેટની સ્થિતિ તપાસવાનું નક્કી કર્યું અને આખરે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો. દરવાજો ખૂલતાંની સાથે જ અંદરનાં દૃશ્યે બધાંને ચોંકાવી દીધા. રૂમની અંદર બેડ પર જ બે મૃતદેહ પડ્યા હતા. તેમની હાલત એટલી ખરાબ હતી કે તેઓ ક્યારે મૃત્યુ પામ્યા તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો. રૂમમાં ફેલાઈ રહેલી દુર્ગંધ વચ્ચે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે રૂમમાં લગાવવામાં આવેલું એર કન્ડિશનર હજુ પણ ચાલુ હતું. જેના કારણે પ્રશ્ન ઊભો થયો કે મૃતકો સિવાય ત્યાં બીજું કોણ હાજર હોઈ શકે!
વધુમાં પોલીસે જોયું કે રૂમની આસપાસ કેટલાંક કેમિકલ્સ વ્યવસ્થિત રીતે મૂકવામાં આવ્યાં હતાં કે જે ગંધને દબાવવાનો પ્રયાસ કરતાં હોય તેવું લાગતું હતું. પોલીસે તાત્કાલિક પડોશીઓ અને સંબંધીઓનો સંપર્ક કરીને મૃતદેહોની ઓળખ કરી. પડોશીઓએ પુષ્ટિ આપી કે મૃતદેહો સિન્થિયા અને તેના પિતા સેમ્યુઅલ શંકરના છે. પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કર્યો ત્યારે ખબર પડી કે, સેમ્યુઅલ શંકરનું મૃત્યુ લગભગ ત્રણ મહિના પહેલાં થયું હતું, જ્યારે સિન્થિયાનું મૃત્યુ લગભગ એક મહિના પહેલાં થયું હતું. આનાથી પોલીસને વધુ શંકા ઊભી થઈ કે જો સિન્થિયાના પિતાનું મૃત્યુ પહેલાં થયું હતું તો તે એકલી હતી તે સમયગાળા દરમિયાન તેણે શું કર્યું હશે?
પોલીસને સિન્થિયાનો મોબાઇલ ફોન મળી આવ્યો. ફોનની કોલ ડિટેલ્સ તપાસતી વખતે પોલીસને જાણવા મળ્યું કે છેલ્લા ચાર મહિનામાં, સિન્થિયાએ સૌથી વધુ વાત એક એવા માણસ સાથે કરી હતી, જેનું નામ સેમ્યુઅલ સંપથ હતું. આ માહિતી પછી પોલીસનો શંક વધુ ઘેરો બન્યો. લોકેશન ટ્રેકિંગથી જાણવા મળ્યું કે શંકાસ્પદ વ્યક્તિ સેમ્યુઅલ સંપથ હાલમાં કાંચીપુરમમાં છે. કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ ટીમ કાંચીપુરમ દોડી ગઈ અને શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધી.
જ્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો, ત્યારે સેમ્યુઅલ સંપથે શરૂઆતમાં ટાળી શકાય તેવા જવાબો આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસના દબાણ હેઠળ તેણે ધીમે ધીમે આખું સત્ય જાહેર કર્યું. તેણે જણાવ્યું કે મૃતક સેમ્યુઅલ શંકર 70 વર્ષના હતા અને તેઓ વેલ્લોર જિલ્લાના રહેવાસી હતા. તેમની 35 વર્ષની પુત્રી સિન્થિયા પરિણીત હતી, પરંતુ તેના પતિ સાથેના કેટલાક વિવાદને કારણે સિન્થિયાએ છૂટાછેડા લીધા અને ત્યારથી તે તેના પિતા સેમ્યુઅલ શંકર સાથે રહેવા લાગી. સેમ્યુઅલ સંપથે એમ પણ કહ્યું કે સેમ્યુઅલ શંકરની તબિયત સતત બગડતી હોવાથી તેમનું જીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું હતું. તેઓ ગંભીર લીવર રોગ અને ડાયાબિટીસથી પીડાતા હતા, જેના માટે નિયમિત ડાયાલિસિસની જરૂર પડતી હતી. જેના કારણે તેમને વારંવાર વેલ્લોરથી ચેન્નઈ મુસાફરી કરવી પડતી હતી. આ કારણોસર તેમણે ચેન્નઈના થિરુમલ વેલે વિસ્તારમાં ખાનગી એપાર્ટમેન્ટમાં ભાડાના ઘરમાં રહેવાનું નક્કી કર્યું, જેથી તેમને હોસ્પિટલ સુધી સરળતાથી પહોંચી શકાય અને તેમની સારવારમાં કોઈ વિક્ષેપ ન આવે.
સેમ્યુઅલ સંપથે પોલીસને જણાવ્યું કે સિન્થિયા અને સેમ્યુઅલ સંપથ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને મળ્યાં હતાં. સેમ્યુઅલ સંપથ વ્યવસાયે હોમિયોપેથિક ડૉક્ટર હતો અને ઓસ્ટ્રિયામાં રહેતો હતો. શરૂઆતમાં તેમની વાતચીત નોર્મલ હતી, પરંતુ ધીમે ધીમે તેમની વચ્ચેની મિત્રતા ગાઢ બનતી ગઈ. એકલતા અને જીવનની મુશ્કેલીઓ તેમને એકબીજાની નજીક લાવ્યાં. આખરે સેમ્યુઅલ સંપથે સિન્થિયાને પ્રસ્તાવ મૂક્યો કે તે ત્રણેય - સિન્થિયા, તેના પિતા અને સેમ્યુઅલ સંપથ એકબીજાને મદદ કરવા માટે સાથે રહે. સિન્થિયાને આ વિચાર ગમ્યો, કારણ કે તેને લાગ્યું કે તેનાથી તેના પિતાની સંભાળ રાખવામાં સરળતા રહેશે અને તેને એક સાથી પણ મળશે. આ નિર્ણયથી પરિવારના જીવનમાં એક નવો વળાંક આવ્યો, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે આ નિર્ણય પાછળથી ભયંકર દુર્ઘટના તરફ દોરી જશે.
થોડા સમય પછી સેમ્યુઅલ શંકરની તબિયત વધુ બગડવા લાગી. તેમના લીવરમાં ચેપ ઝડપથી ફેલાવા લાગ્યો અને તેમની તબિયત વધુ ગંભીર બની ગઈ. આખરે એક દિવસ સેમ્યુઅલ શંકરનું અવસાન થયું. આ ઘટનાથી સિન્થિયાને ઊંડો આઘાત લાગ્યો. સેમ્યુઅલ સંપથે આ પરિસ્થિતિમાં સિન્થિયાને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે હવે જ્યારે તેના પિતા આસપાસ નથી ત્યારે બંનેએ સાથે મળીને નવી શરૂઆત કરવી જોઈએ. સેમ્યુઅલ સંપથે સિન્થિયાને સૂચવ્યું કે તેઓએ બંને સાથે યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા રહેવા જવું જોઈએ અને નવું જીવન શરૂ કરવું જોઈએ.
સિન્થિયા આ પ્રસ્તાવ સાથે સહમત ન હતી. તેને લાગ્યું કે સેમ્યુઅલ સંપથે જાણીજોઈએ તેના પિતાની સારવારમાં બેદરકારી રાખી હતી, જેનાથી સેમ્યુઅલ શંકરનું મૃત્યુ થયું અને જે બાદ સેમ્યુઅલ સંપથ સિન્થિયા સાથે લગ્ન કરી શકે અને સાથે જ સિન્થિયાના પિતા સેમ્યુઅલ શંકરની પ્રોપર્ટી પણ મેળવી શકે. આથી સિન્થિયાએ આ બાબત પર સેમ્યુઅલ સંપથ સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું અને તેના પર પોતાના પિતાની હત્યાનો આરોપ લગાવ્યો. આ આરોપથી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો શરૂ થયો.
ગુસ્સે ભરાયેલા સેમ્યુઅલ સંપથે સિન્થિયાને જોરથી ધક્કો માર્યો, જેના કારણે તેનું માથું જમીન પર પટકાયું અને તે તરત જ મૃત્યુ પામી. આ અણધારી ઘટનાએ ઘરનું વાતાવરણ વધુ ભયાનક બનાવી દીધું.
જ્યારે સેમ્યુઅલ સંપથે જોયું કે ઘરમાં હવે બે મૃતદેહ છે, એક સિન્થિયાના પિતાનો અને બીજો સિન્થિયાનો કે જેની હત્યાનો આરોપ તેના પર હતો, ત્યારે તેના મનમાં ભય સર્જાયો. તેણે તરત જ હત્યાના પુરાવા છુપાવવાનું નક્કી કર્યું, કારણ કે જો તે પકડાઈ જશે તો તેને કડક સજા થઈ શકે છે. ગુનાને છુપાવવા માટે સેમ્યુઅલ સંપથે એવાં રસાયણોનો ઉપયોગ કર્યો હતો કે જે મૃતદેહોની ગંધ દબાવવામાં મદદ કરે. તેણે આખા ફ્લેટમાં રસાયણો છાંટી દીધાં, લાશોમાંથી આવતી ગંધ છુપાવવા માટે તેને પલંગ, ફ્લોર અને દીવાલો પર પણ કેમિકલનો છંટકાવ કર્યો. ઉપરાંત એર કન્ડિશનર ચાલુ રાખ્યું, જેથી રૂમનું તાપમાન ઓછું રહે અને શરીર ઝડપથી સડી ન જાય. આ પછી તેણે ફ્લેટનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને ત્યાંથી ભાગી ગયો.
પોલીસે સેમ્યુઅલ સંપથનો ફોન ટ્રેક કરીને તેનું લોકેશન શોધી કાઢ્યું અને તેની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન સેમ્યુઅલ સંપથે કબૂલાત કરી કે તેણે સેમ્યુઅલ શંકરની સારવારમાં ઇરાદાપૂર્વક કોઈ બેદરકારી દાખવી ન હતી, પરંતુ સિન્થિયાનું મૃત્યુ ગુસ્સામાં જોરથી ધક્કો મારવાથી થયું હતું. તેણે એ પણ સ્વીકાર્યું કે તેની લાગણીઓ પર તેનો કોઈ કાબૂ નથી. તેણે કરેલાં કાર્યોનો તેને હંમેશાં પસ્તાવો થશે. પોલીસે હત્યા અને પુરાવા છુપાવવાના આરોપસર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી.
આ સમગ્ર ઘટનાએ સ્થાનિક સમુદાય પર ઊંડી અસર છોડી. ચેન્નાઈના લોકોએ આ ઘટનાને માત્ર એક ભયાનક ગુના તરીકે જ નહીં, પણ અનિયંત્રિત લાગણીની એક ક્ષણ કોઈના જીવનને કેવી રીતે બરબાદ કરી શકે છે તેનું ઉદાહરણ તરીકે પણ જોયું. સ્થાનિક ન્યૂઝ ચેનલો અને અખબારોમાં આ કેસની વ્યાપક ચર્ચા થઈ હતી. નિષ્ણાતોએ ભાર મૂક્યો હતો કે કાયદો એટલો મજબૂત છે કે ગુનાને છુપાવી શકાતો નથી. આ ઘટનામાંથી ઘણા લોકો એ શીખ્યા કે પરિસ્થિતિ ગમે તેટલી જટિલ હોય, કોઈ પણ પ્રકારની હિંસા કે ગુસ્સામાં લીધેલા નિર્ણયોનાં હંમેશાં ભયંકર પરિણામો આવે છે.
આ કેસમાં એ પણ સ્પષ્ટ થયું કે મોબાઇલ ફોન ટ્રેકિંગ અને કોલ રેકોર્ડની તપાસ જેવી તકનીકી સહાયતાઓએ પોલીસને ગુનેગાર સુધી પહોંચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગુનાને છુપાવવા માટે ઉપયોગમાં લેવાતાં રસાયણોની શોધથી ફોરેન્સિક તપાસકર્તાઓને મહત્ત્વપૂર્ણ સંકેતો મળ્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું. ફોરેન્સિક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જે રીતે રસાયણનો છંટકાવ કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે કે ગુનેગારને ખબર હતી કે ગંધ દબાવી શકાય છે અને તેણે આ તકનીકનો ઉપયોગ કરીને ગુનાને છુપાવવાનો પ્રયાસ કર્યો.
