કોઇપણ પર્વતને દિવસના કોઇ પણ સમય દરમિયાન અથવા કોઇ પણ ઋતુમાં જોવામાં આવે તો તેનો રંગ એક જ દેખાશે. એટલે કે કહેવાનો અર્થ એ છે પર્વત ક્યારેય રંગ બદલતો નથી. એ તેના મૂળ રંગને જાળવી રાખે છે, પણ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એક પર્વત એવો પણ છે જે સવારથી લઇને સાંજ સુધીમાં કાચિંડાની જેમ રંગ બદલે છે. કાચિંડો તો પોતાનો જીવ બચાવવા રંગ બદલે છે, પરંતુ આ પર્વતના રંગ બદલવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઓસ્ટ્રેલિયાના રેગિસ્તાનમાં આવેલ, દુનિયાનો આ એકમાત્ર એવો પર્વત છે જે રંગ બદલે છે, તેનું નામ ઉલુરુ છે.

50 કરોડ વર્ષ જૂનો પર્વત

ઉલુરુ પર્વતનો રંગ લાલ છે અને તે બલુઆ પથ્થરથી બનેલો છે. ઓસ્ટ્રેલિયાના સંશોધક મુજબ ઉલુરુ પર્વત આજકાલનો નહીં પરંતુ આશરે 50 કરોડ વર્ષ જૂનો છે, એવું સંશોધકોના આધારે સાબિત થઇ ચૂક્યું છે. 1873માં ઉલુરુ પર્વતની શોધ ડબલ્યુ. જી. ગોસ નામના અંગ્રેજે કરી હતી. એ સમયે હેનરી આયર્સ ઓસ્ટ્રેલિયાના મુખ્ય સચિવ હતા, તેથી આ પર્વતનું નામ આયર્સ રોક રાખવામાં આવ્યું હતું. જોકે, પર્વતનું મૂળ નામ ઉલુરુ હતું. આ નામ ત્યાં વસવાટ કરતા આદિવાસી લોકો દ્વારા અને આ ભૂમિના પરંપરાગત માલિકો દ્વારા રાખવામાં આવ્યું હતું, તેથી 2002માં આ પર્વતનું નામ આયર્સ રોકમાંથી ફાઇનલી ઉલુરુ રાખવામાં આવ્યું.

એફિલ ટાવર કરતાં ઊંચો પર્વત

દૂરથી જોતા દેખાવમાં નાનો લાગતો ઉલુરુ પર્વત એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે. તમને જાણીને નવાઇ લાગશે પણ આ હકીકત છે. એફિલ ટાવર આશરે 330 મીટર ઊંચો છે જ્યારે ઉલુરુ લગભગ 348 મીટર જેટલો ઊંચો છે. 3.6 કિલોમીટર લાંબો અને 1.9 કિલોમીટર પહોળા ઉલુરુ પર્વત 9.4 કિલોમીટરની પરિધી ધરાવે છે. તેના આ વિશાળ આકારને કારણે સંપૂર્ણ રીતે ફરવામાં સાડા ત્રણ કલાક જેટલો સમય લાગે છે.

સવાર-સાંજ બદલાય છે રંગ

ઉલુરુ પર્વતનો સામાન્ય રંગ ભલે લાલ હોય, પણ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે તે પોતાનો રંગ બદલે છે. એ પાછળ વૈજ્ઞાનિક કારણ હોવાનું પણ મનાય છે. જે મુજબ પર્વત બલુઆ પથ્થરમાંથી બનેલ છે, તેથી તેનો રંગ સૂર્યનાં કિરણોને કારણે બદલાતો દેખાય છે. સવારે પર્વત ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે આગમાં શેકાતો હોય એવો લાલચોળ લાગે છે. આ સિવાય દિવસ દરમિયાન સૂર્યમાં થતા પરિવર્તનને કારણે ક્યારેક પર્વતનો રંગ પીળો તો ક્યારેક નારંગી દેખાય છે. ઘણી વખત ઉલુરુનો રંગ રીંગણી દેખાય છે. આમ, સૂર્યોદયથી લઇને સૂર્યાસ્ત સુધીમાં ઉલુરુ પર્વતમાં અનેક રંગો બદલાય છે. મજાની વાત તો એ છે કે બદલાતા રંગોને સ્પષ્ટપણે જોઇ શકાય છે.

આદિવાસીમાં ઉલુરુનું મહત્ત્વ

ઇંડા આકાર ધરાવતા ઉલુરુ પર્વત વિશે એવું કહેવાય છે કે આ પર્વતની આસપાસ પહેલાં આદિવાસી પ્રજા વસવાટ કરતી હતી. તેમનો આ પર્વત સાથે હજારો વર્ષ જૂનો સંબંધ છે. તેમના મતે આ જગ્યા ચમત્કારિક અને પવિત્ર છે, તેથી આધ્યાત્મિક રીતે તેઓ ઉલુરુ પર્વત સાથે જોડાયેલા છે. આ ઉપરાંત સાંસ્કૃતિક રીતે પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. ઉલુરુ પર્વત રેતાળ હોવાથી તેના ઉપર ચડવું સરળ નથી. બીજું, અહીં ગરમીનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોવાથી પર્યટકો માટે અઘરું છું. આ ઉપરાંત અહીં પર્વત ઉપર ચડાઇ દરમિયાન અનેક લોકોનાં મૃત્યુ પણ થઇ ચૂક્યાં છે, તેથી ઉલુરુ પર્વત પર ચડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ઉલુરુની આસપાસ નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો છે. પ્રવાસીઓ આ પાર્કની સાથે ઉલુરુ પર્વતની મુલાકાત પણ લેતા હતા. ઉલુરુ પર્વત સંશોધકો અને લોકો માટે વર્ષો પહેલાં પણ આકર્ષણનું કેન્દ્ર હતો અને આજે પણ છે.