આમ તો બ્રહ્માસ્ત્ર વારંવાર છોડી શકાતું નથી કે સાથે રાખી શકાતું નથી. આખરે બ્રહ્માસ્ત્રની પોતાની આગવી મર્યાદાઓ છે, પરંતુ મહાભારતના `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મે મૌનને બ્રહ્માસ્ત્ર સાથે સરખાવ્યું છે અને સાથે જ કહ્યું છે કે લીડરે આ બ્રહ્માસ્ત્ર કાયમ સાથે રાખવું અને જીવનના લગભગ પ્રસંગોએ લીડરે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવો! આવું ભીષ્મે કેમ કહ્યું? શું મૌનનો એવો કોઈ જાદુઈ કે આધ્યાત્મિક મહિમા છે? તો કે ના ભીષ્મ કહે છે કે મૌનનો વ્યવહારિક મહિમા અત્યંત છે. તેઓ કહે છે કે એક મૌનનો અભિગમ તમને જીવનને અનેક મુશ્કેલીઓથી બચાવી શકે છે. આ કારણે જો લીડરે કોઈ એક બાબત શીખવી હોય તો તેણે મૌન રહેતા શીખવું, જેના અનેક લાભો તેને જીવનમાં તબક્કાવાર મળતા જ રહેશે.

ભીષ્મ કહે છે કે જે મૌન રહેતા શીખે એની આંતરિક સમૃદ્ધિ તો અત્યંત વધે જ છે. વળી, મૌન રહેતા લોકોની ઊર્જાનો વ્યય પણ નથી થતો. આથી આ ઊર્જાનો લીડર અન્ય કોઈ સારા કામમાં ઉપયોગ પણ કરી શકે છે, પરંતુ આ ઉપરાંત તેઓ કહે છે કે જીવનની મોટાભાગની ઉપાધી માણસ બોલીને ઊભી કરતો હોય છે. પછી એ બોલવું કોઈને ડારવું-ધમકાવવું હોય, કોઈનું અપમાન હોય કે પછી કોઈ આપણું અપમાન કરવાનો પ્રયત્ન કરે ત્યારનું હોય કે પછી કોઈના વિશે કોઈ પણ ઓપિનિયન આપવા બાબતનો હોય! ઘણીવાર તો માણસ કોઈને સાચી અને સારી સલાહ આપવા જાય તોય સામેના માણસના લપેટામાં આવી જતો હોય છે.

એના કરતાં માણસ ન બોલવાની આદત કેળવે તો? જો માણસ બોલે જ નહીં તો તેને સૌથી મોટો ફાયદો એ થાય છે કે બોલવાને કારણે કે બોલબોલ કરતા રહેવાને કારણે તેઓ કોઈના ધ્યાને ચઢતા નથી. વળી, આ કારણે તેમને બે ફાયદા થાય છે. એક ફાયદો એ કે આવા માણસો હંમેશાં બીજાની ગુડબુકમાં રહે છે. તો એવા લોકો કોઈની ગોસિપમાં પણ સ્થાન પામતા નથી. આ કારણે તેઓ કારણ વિનાની પંચાત અને કારણ વિનાની તડાફડીની બહાર રહે છે. આ કારણે તેના જીવનમાં ઘણો બધો સમય એવો બચે છે, જે સમયમાં તેણે ચોખવટો નથી કરવી પડતી, જવાબો નથી આપવા પડતા કે નથી તેણે કોઈને બતાવી દેવાની ચણભણમાં પડવું પડતું.

આ ઉપરાંત મૌન રહેવાનો બીજો મોટો ફાયદો એ થતો હોય છે કે આપણા પેટમાં શું છે એની સામેના માણસને ખબર નથી પડતી. આ પણ માણસના જીવનની એક ઉપાધી છે. અંગ્રેજીમાં આજકાલ જેને કહે છે કે, `નેવર ટેલ યોર નેક્સટ મૂવ' એ કંઈ અમસ્તા થોડું બને? એ વાક્યમાં ગર્ભમાં જ મૌનની સ્ટ્રેટેજી રહેલી છે. કે જો માણસ મૌન રહેવાની જ આદત કેળવે તો આપોઆપ તેના મનમાં કે તેના પેટમાં શું ચાલી રહ્યું એ વિશે કોઈને જાણ નહીં થાય અને જ્યારે સામેનો માણસ તમને કળી નથી શકતો કે એને તમારા વિશે જ્યારે અંદાજો નથી હોતો ત્યારે એ માણસ તમારા સૌથી વધુ ધાકમાં હોય છે.

અને લીડરશિપની આ સૌથી મોટી જરૂરિયાત છે કે તમે ભલે દિલથી સારા માણસ હો, પરંતુ લોકોની વચ્ચે તમારી એક ચોક્કસ ધાક તો હોવી જ જોઈએ. નહીંતર લોકો તમને ધોઈને પી જશે અથવા ચણાના ભાવે વેચી આવશે. વળી, આ એ જ સમાજ છે, જે સમાજ માટે માણસની સરળતા અથવા સાદગી એ તેની મૂર્ખતા છે. એટલે તમે સરળ રહો ત્યારે લોકો તમને મૂર્ખ તરીકે ક્યારે ટ્રીટ કરવા માંડે એની તમને પણ ખબર રહેતી નથી. એના કરતાં પહેલેથી જ એક સિસ્ટમ અથવા એક છાપ ઊભી કરવી, જે સિસ્ટમ કે છાપમાં સામેના માણસના મનમાં ભયની પ્રીત હોય! આ કારણે થાય એવું લોકો તમારી સાથે આદરથી વાત કરશે અને ખાસ તો જ્યારે તમે કંઈ બોલો ત્યારે તમને ગંભીરતાથી લેશે!

પરંતુ આવું થાય ક્યારે? તો કે માણસ બોલબોલ ન કરીને કે વટાણા ન વેરતો રહીને મૌન રહેતા શીખેલો હોય ત્યારે. `બાંધી મુઠ્ઠી લાખની' એ કહેવત પણ આ જ કિસ્સામાં સાચી ઠરતી હોય છે કે જે માણસ કોઈ સામે ઊઘડતો જ નથી એનો સામેનો માણસ ક્યાસ કઈ રીતે લગાવી શકે? અને તમારો ક્યાસ સામેનાને ન મળે તો એ તમને પાડવા કે પછાડવા માટેની રણનીતિ કઈ રીતે તૈયાર કરી શકે? ઈનશોર્ટ જેણે પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચવું છે જેણે પોતાનો આગવો પ્રભાવ ઊભો કરવો છે એણે મૌનને એક સ્ટ્રેટેજી તરીકે સ્વીકારવું. એ કરવું અલબત્ત અત્યંત મુશ્કેલ છે, કારણ કે માણસ મૂળે બોલકો જીવ છે, પરંતુ એકવાર એની આદત પડી જાય પછી ચમત્કારો જોજો. માત્ર એક સ્ટ્રેટેજી તમને એકસાથે અનેક મુસીબતોમાંથી ઉગારશે અને તમારી આજુબાજુમાં તમારો આગવો પ્રભાવ ઊભો કરશે.