મોટાભાગના સંબંધોમાં એક સંવાદ સામાન્ય છે કે સામી વ્યક્તિ મારા મનની વાત સમજતી જ નથી અથવા તો જે હું કહેવા માંગું છું, ફીલ કરું છું એને બદલે પોતાની મરજી અને ઇચ્છા પ્રમાણે જ મારી લાગણીને મૂલવે છે. કોઈની લાગણીને ન સમજવી એના કરતાં ખોટી રીતે સમજવી એ સંબંધોને વધુ નુકસાન કરી શકે. ગેરસમજ એટલે સામાન્ય રીતે વાતનું ખોટું અર્થઘટન.
A single moment of misunderstanding is so posionous, that it makes us forget the hundred lovable moments spent together within a minute.
ગેરસમજ એ બે વ્યક્તિ વચ્ચેનું સૌથી મોટું અંતર છે, જેને ઓળંગવામાં જીદ, અવિશ્વાસ, અહમ્ અને ઓછી સમજણ જેવાં અનેક પરિબળો ભાગ ભજવે છે. જોકે, કેટલીક વ્યક્તિ ખુદ એટલી માનસિક રીતે ગૂંચવાયેલી હોય છે કે સામી વ્યક્તિની સીધી-સ્પષ્ટ વાત પણ મનમાં ગેરસમજ ઊભી કરે છે. જ્યારે વ્યક્તિ ખુદ મનથી નક્કી કરી લે કે સામી વ્યક્તિ ખોટી છે ત્યારે મનને શાંત કરવું મુશ્કેલ બને છે, તેથી જ સંવેદનશીલ માણસો સમજણ કરતાં ગેરસમજથી વધારે કરે છે.
આપણી આજુબાજુ એવા અનેક લોકો બોલતા સંભળાશે કે મારું બોલવાનું આખું છે, મને સારું સારું બોલતા નથી આવડતું, બાકી મારો ઈરાદો કોઇને હર્ટ કરવાનો નથી હોતો. ખોટા શબ્દોની પસંદગી એ ગેરસમજનું પ્રથમ કારણ છે. બીજું કે સ્પર્ધાત્મક સંવાદ, લાગણી-પ્રેમ હોય, સન્માન હોય છતાં બે વ્યક્તિ વાત કરે ત્યારે એમના સંવાદ ખુદને શ્રેષ્ઠ સાબિત કરવાના પ્રયાસો કરતા હોય. માનવના મનમાં રહેલો સૂક્ષ્મ ઇગો લાગણીની અભિવ્યક્તિમાં પણ ખુદને શ્રેષ્ઠ સાબિત કરવા મથે છે, જે સામી વ્યક્તિને લઘુતા ફીલ કરાવે. જ્યારે માણસમાં લઘુતા આવે ત્યારે એને સઘળી વાતો વાંકી દેખાશે, તેથી સંવાદ અને શબ્દોની પસંદગી એવી હોવી જોઈએ કે જેનાથી પ્રિય પાત્ર હર્ટ ન થાય, ખુદને લાચાર કે લૂઝર ન સમજે. જ્યારે સંવાદ અને શબ્દોમાં સામી વ્યક્તિનું માન-સન્માન જળવાતું હોય તો ગેરસમજની શક્યતા નહીંવત્ રહે અને ગેરસમજ મનમાં આવે તો પણ મનને સમજાવી દે.
આજે લોકો વચ્ચે રૂબરૂ કરતાં વર્ચ્યુઅલી કમ્યુનિકેશન વધુ થાય છે, તેથી ગેરસમજ વધે છે. જ્યારે મેસેજ દ્વારા વાત થાય છે ત્યારે વ્યક્તિ સામે નથી હોતી, એટલે મનમાં જે આવે તે લખી દેવાય. એટલે સામી વ્યક્તિ પણ વધુ આક્રમક બનીને જવાબ આપે. તેથી સારું-ખોટું, સાચું-નરસું અને યોગ્ય-અયોગ્યનો બિલકુલ ભેદ નથી રહેતો. જ્યારે સમસ્યા તાજી હોય ત્યારે સામસામે હોવું પણ ખતરારૂપ બને, પરંતુ થોડો સમય પસાર થયા બાદ સામસામે વાતચીત થાય તો ગેરસમજ ઘટી શકે.
કેટલીક વ્યક્તિની દૃષ્ટિ જ નેગેટિવ હોય અને સર્વત્ર ખોટું જ દેખાય. એ કોઇ પણ વાતમાંથી ગલત મતલબ જ કાઢશે, જેનો કોઈ ઉપાય નથી. હા, એકાદ મોટી ઠોકર વાગે અને ખુદ સમજાય તો બરાબર, નહીંતર એને ભગવાન પણ નહીં બચાવે. ગેરસમજનું એક કારણ ઘણી બધી માહિતી, ઘણી વ્યક્તિનું ઇનવોલ્વમેન્ટ અને એકથી અનેક એંગલ પર ઓવરથિંકિંગ કરવાની આદત છે. દાખલા તરીકે પતિ-પત્ની વચ્ચે આર્થિક વ્યવહારને કારણે સમસ્યા ઉદ્ભવે. હવે એમાં ઘરના અન્ય લોકો ઇન્વોલ્વ થાય, આગળ-પાછળના વ્યવહારોના ઇતિહાસ-ભૂગોળ બહાર કાઢે. મુખ્ય સમસ્યાની સાથે બીજી સમસ્યાઓ જોડી દેવાય ત્યારે એક નહીં અનેક ગેરસમજ જન્મે, કારણ કે ઓવરલોડેડ ઇન્ફર્મેશન માણસના મગજને ચકરાવે ચડાવી દે. એ નક્કી જ ન કરી શકે કે વાસ્તવમાં સત્ય શું છે?
આ ઉપરાંત કમ્યુનિકેશન સ્કિલ્સ પણ ગેરસમજ વધારે-ઘટાડે છે. જેમની હંમેશાં એટેક કરવાની, વાતને ગોળ-ગોળ ફેરવવાની, સામી વ્યક્તિને બોલવાનો બિલકુલ ચાન્સ ન આપવાની આદત હોય તેઓ સામી વ્યક્તિના મનમાં અવશ્ય ગેરસમજ જન્માવશે. જોકે, ગેરસમજ માટે બોલનાર અને સાંભળનાર બંને જવાબદાર છે. સંબંધોમાં બોલનારની સાથે સાંભળનારે પણ દિલ-દિમાગ ખુલ્લા રાખીને ઘટનાનું વિશ્લેષણ કરવું પડે.
જેમ કે, સામી વ્યક્તિ જે પરિપ્રેક્ષ્યમાં વાત રજૂ કરે છે એ જ પરિપ્રેક્ષ્યમાં સમજો. મનમાં સંદેહ ઊભો થાય તો પ્રશ્ન પૂછીને તે જ સમયે ક્લિયર કરો.
સામી વ્યક્તિનો મૂડ ખરાબ હોય, ઓફિસમાં ઝઘડો થયો હોય, ધંધામાં નુકસાન કે સ્વજનના મૃત્યુ જેવી ઘટનાનો આઘાત હોય, ત્યારે કહેવાયેલી વાતોને દિલને બદલે દિમાગથી વિચારવી.
જ્યારે પણ ઝઘડા કે સમસ્યા પછી સંવાદ થાય ત્યારે મનને ખુલ્લું રાખો. ભૂતકાળના અનુભવો પરથી દરેક બાબતને મૂલવવી જરૂરી નથી. સમય-સંજોગો બદલાતા માણસની માનસિકતા પણ બદલાઈ શકે છે.
બે વ્યક્તિ વચ્ચેના પ્રશ્નમાં ત્રીજી વ્યક્તિનો અભિપ્રાય તમને સાચી તસવીર નહીં બતાવે. પ્રશ્ન તમારો છે તો ઉકેલની દૃષ્ટિ પણ તમારી જ હોવી જોઈએ.
અવિશ્વાસ, ઇર્ષ્યા અને હરીફાઈથી મુક્ત થયા વિના ઘટનાને સત્ય સ્વરૂપે સમજવી મુશ્કેલ છે.
પોતાની દબાયેલી લાગણીઓ સાથે વહીને પણ ગેરસમજ ઊભી કરાય છે, તેથી લાગણીઓ પર નિયંત્રણ રાખી સામી વ્યક્તિને સમજો.
