15નવેમ્બર, 2024ની સવારે જબલપુરના મણિયારી ગામમાં શાંતિ છવાયેલી હતી. સવારે લગભગ 6:00 વાગ્યે સૂર્યોદય સમયે પડોશીઓએ અચાનક ગામની જ એક મહિલા લલિતાની ચીસો સાંભળી. હંમેશાં ગામ અને પરિવારનો સહારો બનતી લલિતા આજે આઘાત પામેલી અને ભાંગી પડેલી દેખાઈ રહી હતી. લલિતાની ચીસો સાંભળીને પાડોશીઓ તરત જ તેની પાસે ગયા. લલિતા જોરજોરથી બૂમો પાડી રહી હતી કે તેના પતિ વિજયે આત્મહત્યા કરી લીધી છે.
પડોશીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા બાદ તેઓએ ઘરની અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશતાંની સાથે જ તેમણે વિજયનો મૃતદેહ જમીન પર પડેલો જોયો અને નજીકમાં એક દોરડું પણ મળી આવ્યું. લલિતાએ રડતાં રડતાં કહ્યું કે તેણે જ વિજયને ફાંસી પરથી નીચે ઉતાર્યો હતો અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના શબ્દો પર વિશ્વાસ કરી શકાયો નહીં. વિસ્તારના લોકોમાં પહેલેથી જ એક અફવા ફેલાઈ ગઈ હતી કે વિજય અને લલિતા વચ્ચે વારંવાર ઝઘડા થતા રહે છે, જેના કારણે કોઈ લલિતાની વાતને સંપૂર્ણપણે સાચી માનતું ન હતું.
પડોશીઓ અને આસપાસના રહેવાસીઓમાં ભય અને શંકાનું મોજું ફેલાઈ ગયું. થોડી વારમાં કોઈએ પોલીસને જાણ કરી. પનાગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયા. સૌ પ્રથમ સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ તે બારીનું નિરીક્ષણ કર્યું જેમાંથી લલિતાએ કહ્યું હતું કે વિજયે ફાંસી લગાવી છે. નોંધનીય વાત એ હતી કે બારી ફ્લોરથી ફક્ત 4 ફૂટ ઊંચી હતી, જ્યારે વિજયની ઊંચાઈ લગભગ 5.5 ફૂટ હતી. આ વિસંગતતાએ પોલીસના મનમાં ગંભીર પ્રશ્નો ઊભા કર્યા. આટલા ઊંચા માણસ માટે 4 ફૂટ ઊંચી બારી પરથી ફાંસી લગાવવી કેવી રીતે શક્ય બની?
આ કારણે પોલીસને શંકા થવા લાગી કે આ મામલો આત્મહત્યા કરતાં વધુ કાવતરું હોઈ શકે છે. તે સમયે તપાસ દરમિયાન ઘરના દરેક ખૂણાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન વિજયની માતા પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. વિજયની બે પુત્રીઓ પણ તેમની સાથે હતી. વિજયની માતાનો ચહેરો ગુસ્સા અને ઉદાસીથી ભરેલો હતો. `મને મારી વહુ પર પહેલેથી જ વિશ્વાસ નહોતો' તેણે પોલીસને ભારપૂર્વક કહ્યું. મારા દીકરાએ આત્મહત્યા નથી કરી, લલિતાએ જ તેને મારી નાખ્યો છે.'
વિજયનાં માતાના આરોપથી વાતાવરણ વધુ ગરમાયું. હવે વિસ્તારના લોકોમાં વધુ પ્રશ્નો ઊભા થવા લાગ્યા. શું વિજયનું મૃત્યુ ખરેખર આત્મહત્યા હતી કે પછી તે કોઈ અન્ય ગુનાહિત કાવતરાનો ભાગ હતો? પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
બીજા દિવસે એક ખુલાસો થયો કે જેણે કેસની દિશા બદલી નાખી. વિજયની બહેનની દીકરી પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને એક વીડિયો સોંપ્યો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે લલિતા ઘરના આંગણામાં તેના પતિ વિજયને ખરાબ રીતે માર મારી રહી હતી. આ વીડિયો બે દિવસ જૂનો હતો કે જે બાજુમાં રહેતા પડોશીઓએ રેકોર્ડ કર્યો હતો. વીડિયોમાં લલિતાના ગુસ્સાવાળા અવાજ અને પોતાના જ પતિને બેરહેમીથી માર મારવાની ઘટનાએ પોલીસની આંખો ખોલી નાખી.
આ સાથે પોલીસ સમક્ષ બીજી એક ચોંકાવનારી વાત પ્રકાશમાં આવી. લલિતાના પડોશના એક યુવાન રાકેશ સાથેના ગેરકાયદેસર સંબંધો સ્પષ્ટપણે ખુલ્લા પડી ગયા. પડોશીઓના જણાવ્યા મુજબ લલિતા ઘણીવાર વિજયની હાજરીમાં પણ રાકેશ સાથે અશ્લીલ હરકતો કરતી હતી. એવું માનવામાં આવતું હતું કે જો વિજય આનો વિરોધ કરે તો લલિતા અને રાકેશે મળીને તેને નિર્દયતાથી માર મારતાં. આ વીડિયો જોતાં પોલીસની શંકા વધુ ઘેરી બની. હવે મામલો આત્મહત્યાથી હત્યા તરફ વળતો હોય તેવું લાગી રહ્યું હતું.
પોલીસે તરત જ લલિતા અને રાકેશને કસ્ટડીમાં લેવાનો નિર્ણય કર્યો. લલિતાના ઘરની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ઘણાં એવાં રહસ્યો પ્રકાશમાં આવ્યાં, જેનાથી સ્પષ્ટ થયું કે લલિતા અને રાકેશનું કાવતરું ફક્ત ગેરકાયદેસર સંબંધો સુધી મર્યાદિત નહોતું, પરંતુ તેઓ વિજયને તેમના જીવનમાંથી સંપૂર્ણપણે મિટાવી દેવાની પણ યોજના બનાવી રહ્યા હતા.
સૌ પ્રથમ પોલીસને લલિતાના રેશનકાર્ડમાં કેટલીક છેડછાડ મળી આવી. લલિતાના રેશન કાર્ડમાં તેની દીકરીઓનાં નામ નોંધાયેલાં હતાં, પરંતુ તેના પોતાના જ પતિ વિજયનું નામ ગાયબ હતું. આ ઉપરાંત ઘરમાંથી એક હાર્ટ આકારનો શોપીસ મળી આવ્યો હતો જેના પર લલિતાનું નામ અને રાકેશનું નામ લખેલું હતું. આ પુરાવાઓ પોલીસને સંકેત આપતા હતા કે લલિતા અને રાકેશે વિજય વિરુદ્ધ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.
વધુ તપાસમાં જાણવા મળ્યું કે વિજય અને લલિતાનાં લગ્ન વર્ષ 2010માં થયાં હતાં. શરૂઆતમાં તેમનું જીવન સામાન્ય હતું. વિજય ખેડૂત હતો અને પરિવારનું ધ્યાન રાખતો હતો, પણ ધીમે ધીમે વિજયની મિત્રતા પાડોશની એક વ્યક્તિ રાકેશ સાથે વધતી ગઈ. શરૂઆતમાં કોઈને આ વાતની શંકા નહોતી, કારણ કે રાકેશ વિજયનો મિત્ર માનવામાં આવતો હતો, પણ ખરો ઈરાદો કંઈક બીજો જ હતો. રાકેશ લલિતાને પોતાની તરફ આકર્ષવા માંગતો હતો.
રાકેશે ચતુરાઈથી વિજય સાથે મિત્રતા કરી, ઘરે આવવાનાં બહાનાં બનાવ્યાં અને ધીમે ધીમે લલિતાની નજીક જવાનો પ્રયાસ શરૂ કર્યો. શરૂઆતમાં તે મજાક કરતો અને લલિતાને ભાભી કહેતો, પણ તેના ઈરાદા કંઈક બીજા જ હતા. ધીમે ધીમે લલિતાને રાકેશ પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. આ પછી રાકેશ અને લલિતા વચ્ચેના સંબંધો ગાઢ બન્યા. હોળીના તહેવાર દરમિયાન રાકેશ લલિતાને ખેતરોમાં હોળી રમવા માટે બોલાવે છે. લલિતાએ સવારથી જ વિજયને ખેતરમાં લઈ જવાની તૈયારી કરી લીધી હતી. થોડા સમય પછી રાકેશ દારૂની બોટલ લઈને ખેતરમાં પહોંચ્યો અને હોળીના બહાને વિજયને બળજબરીથી દારૂ પીવડાવ્યો. દારૂના નશામાં વિજય સંપૂર્ણપણે બેભાન થઈ ગયો. તે જ સમયે લલિતાને પણ દારૂ પીવડાવવામાં આવ્યો. દારૂના નશામાં લલિતા પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહીં અને રાકેશ સાથે શારીરિક સંબંધ બાંધ્યા.
તે દિવસ પછી રાકેશ અને લલિતા વચ્ચેની બધી સીમાઓ ભૂંસાઈ ગઈ. હવે તેમનો સંબંધ છુપાયેલો ન રહ્યો, પણ વિજયની સામે પણ ખુલ્લેઆમ દેખાવા લાગ્યો. વિજય જે શરૂઆતમાં આ બાબતને ધ્યાનમાં લેતો ન હતો, તે ધીમે ધીમે સત્ય સાથે સમાધાન કરે છે અથવા જ્યારે તેને ખબર પડી કે લલિતા રાકેશ સાથે ગાઢ સંબંધમાં છે, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે લલિતાને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેના બદલે લલિતાએ રાકેશ સાથે મળીને તેને નિર્દયતાથી માર મારવાનું શરૂ કરી દીધું. પત્નીના વર્તનથી ડરીને વિજય ચૂપ રહ્યો.
સમય જતાં લલિતાએ વિજય પર દબાણ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેણે વિજયની બધી જમીન વેચી દીધી. આના કારણે વિજયની બચત પણ ખતમ થઈ ગઈ.
લલિતાએ વેચાયેલાં ખેતરોના મોટાભાગના પૈસા રાકેશને આપી દીધા. આ પછી લલિતાએ રાકેશ માટે એક નવી મોટરસાઇકલ પણ ખરીદી. હવે ગામમાં બંનેનો ખુલ્લો ખેલ શરૂ થયો. બંને ધોળા દિવસે સાથે ફરતા જોવા મળ્યાં અને વિસ્તારના લોકો લગ્ન અને વિશ્વાસઘાતની આ વાર્તાની ચર્ચા કરવા લાગ્યા.
આ દરમિયાન વિજયની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. દારૂના વ્યસનથી તે વધુ નબળો પડી ગયો. તેની શારીરિક અને માનસિક સ્થિતિ એટલી નબળી પડી ગઈ કે આખરે તેણે પોતાના જીવનનો ત્યાગ કરી દીધો. તે રાત્રે લલિતાએ તેની બંને દીકરીઓને તેની સાસુના ઘરે મોકલી દીધી હતી. ઘરમાં શું થયું તે કોઈને ખબર ન પડી, પરંતુ સવારે લલિતાએ જોરથી રડતાં પડોશના લોકોને કહ્યું કે વિજયે આત્મહત્યા કરી લીધી છે.
જોકે, પોલીસને લલિતાની વાત પર વિશ્વાસ ન આવ્યો. પોલીસે લલિતા અને રાકેશને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર અટકાયતમાં લીધાં હતાં. પોસ્ટમોર્ટમ પછી અને તપાસ દરમિયાન સમગ્ર કાવતરાના દસ્તાવેજી પુરાવા પ્રકાશમાં આવ્યા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બે દિવસ પહેલાં જ લલિતાએ તેના પતિ વિજયને નિર્દયતાથી માર માર્યો હતો. પડોશીઓના મતે લલિતાનું આવું વર્તન નવું નહોતું. તે ઘણીવાર વિજય સાથે ઝઘડો કરતી અને આ દરમિયાન રાકેશ તેને સંપૂર્ણ ટેકો આપતો. એકંદરે એ સ્પષ્ટ થઈ ગયું કે વિજયનું મૃત્યુ કોઈ સામાન્ય આત્મહત્યા નહોતી, પણ લલિતા અને રાકેશ વચ્ચેની સાઠગાંઠમાં થયેલી હત્યા હતી.
કેસ ફાઇલોમાં રેકોર્ડ કરાયેલા તમામ પુરાવા અને વીડિયોના આધારે પોલીસે લલિતા અને રાકેશ વિરુદ્ધ કેસ નોંધ્યો. ધરપકડ પછી ગામમાં છુપાયેલા છેતરપિંડી અને પ્રેમની આ વાર્તા પ્રકાશમાં આવી. પડોશના લોકો હજુ પણ આ પ્રશ્નની ચર્ચા કરે છે, શું વિજયે ખરેખર આત્મહત્યા કરી હતી, કે પછી લલિતા અને રાકેશે કોઈ ખતરનાક કાવતરું રચીને તેની હત્યા કરી હતી?
પુત્રની હત્યા પછી વિજયની માતાએ તેમની પૌત્રીઓની સંભાળ રાખવાનું નક્કી કર્યું. તેમના ચહેરા પર ઊંડી ઉદાસી અને નિરાશા પ્રતિબિંબિત થતી હતી. તેણીએ કહ્યું કે તે હંમેશાં લલિતા પર શંકા કરતી હતી અને હવે બધા પુરાવાઓએ તેણીની શંકાને પુષ્ટિ આપી હતી. વિજયને આત્મહત્યા કરવા માટે ઉકસાવવાના આરોપ હેઠળ લલિતા અને રાકેશની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.
આ ઘટનાએ જબલપુરના મણિયારી ગામના લોકોના હૃદયમાં અમીટ છાપ છોડી છે અને આ વાર્તા ભવિષ્યમાં એક ચેતવણી તરીકે યાદ રાખવામાં આવશે, કે જે સમાજમાં વિશ્વાસ અને પારિવારિક સંબંધો નબળા પડે છે, ત્યાં કાવતરું અને કપટની આગ સળગવાની છે.
