અમેરિકામાં દિવસે દિવસે ભારતીયોની વસતિ વધતી જાય છે, પણ અમેરિકાના ચૌદમા બંધારણમાં સુધારા દ્વારા જે છૂટ આપવામાં આવી છે એ મુજબ, અમેરિકાની ધરતી ઉપર જન્મ લેતા અમેરિકન સિટીઝનશિપ પ્રાપ્ત કરનારાઓ કે પછી નેચરલાઈઝેશન દ્વારા અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરનારાઓ તેમજ ગ્રીનકાર્ડ મેળવનારાઓ લગ્ન તો ભારતમાં રહેતી ભારતીય વ્યક્તિ જોડે જ કરવાની ઈચ્છા ધરાવે છે. અમેરિકામાં રહેતા વડીલો પણ એમનાં સંતાનોનાં લગ્ન માટે ભારતીય યુવતી/યુવકને પસંદ કરે છે.

જો કોઈ અમેરિકન સિટીઝન ભારતીય વ્યક્તિ જોડે અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતો હોય તો એ અમેરિકન, ભારતીય યુવતી/યુવક માટે `કે-1' સંજ્ઞા ધરાવતા નોન ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરીને એ ભારતીય વ્યક્તિને અમેરિકામાં આમંત્રી શકે છે. પછી અમેરિકામાં એની જોડે લગ્ન કરી શકે છે. ત્યારબાદ એ ભારતીય વ્યક્તિ અમેરિકામાં જ રહી શકે છે અને એનો અમેરિકન પતિ/પત્ની એના લાભ માટે `ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી' હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. એ પિટિશન એપ્રૂવ થાય એટલે એ ભારતીય યુવતી/યુવક એનું નોન ઈમિગ્રન્ટ સ્ટેટસ એડ્જસ્ટ કરીને ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવવાની અરજી કરી શકે છે. એ પ્રાપ્ત થતાં એને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ગ્રીનકાર્ડ મળેથી ત્રણ વર્ષ બાદ એ ભારતીય વ્યક્તિ નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકન સિટીઝન બનવાની અરજી કરી શકે છે.

`કે-1' વિઝાની પિટિશન અમેરિકન સિટીઝન જ ભારતીય વ્યક્તિ માટે દાખલ કરી શકે છે. ગ્રીનકાર્ડધારકોને આ સગવડ આપવામાં નથી આવી. જોકે, એ અમેરિકન સિટીઝને એ ભારતીય વ્યક્તિ, જેની જોડે એ પરણવા ઈચ્છતો હોય, એને છેલ્લાં બે વર્ષમાં ઓછામાં ઓછું એક વાર રૂબરૂ મળ્યા હોવા જોઈએ. જોકે, અમુક સંજોગોમાં આ શરતમાંથી મુક્તિ મેળવી શકાય છે. અમેરિકન સિટીઝન સાથે લગ્ન કર્યાં બાદ ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરનાર ભારતીય વ્યક્તિ ત્રણ વર્ષ પછી નેચરલાઈઝેશન દ્વારા અમેરિકન નાગરિક બનવાની અરજી કરી શકે છે. એ ત્રણ વર્ષના સમય દરમિયાન એણે એકેય વાર લાગલગાટ છ મહિનાથી વધુ સમય અમેરિકાની બહાર રહ્યા હોવું ન જોઈએ અને એ ત્રણ વર્ષના સમય દરમિયાન ઓછામાં ઓછા દોઢ વર્ષ અમેરિકામાં રહ્યા હોવું જોઈએ. આ ઉપરાંત એને અંગ્રેજી ભાષા આવડે છે એ દર્શાવી આપતી પરીક્ષા પણ આપવાની રહે છે તેમજ અમેરિકા વિશેના સામાન્ય જ્ઞાનની પણ પરીક્ષા આપવાની રહે છે.

નોન ઈમિગ્રન્ટ શ્રેણીના `કે-1' વિઝાની પિટિશન જે સ્ટેટમાં, જે અમેરિકન સિટીઝન એ ભારતીય વ્યક્તિને પરણવા ઈચ્છતો હોય ત્યાં રહેતો હોય ત્યાં જ દાખલ કરવાનું રહે છે. એ સ્ટેટની ઈમિગ્રેશન ઓફિસમાં કેટલી વધારે-ઓછી કે-1 પિટિશન દાખલ થાય છે એની ઉપર એ કે-1 પિટિશન કેટલા સમયમાં એપ્રૂવ થઈ શકે એનો આધાર રહ્યો હોય છે. આજે કે-1 પિટિશનને એપ્રૂવ થતાં આઠથી અઢાર મહિના કે એથી પણ વધુ સમય લાગે છે. કે-1 પિટિશન દાખલ કરવામાં આવે ત્યારબાદ જો ઈમિગ્રેશન ખાતાને જરૂર જણાય તો તેઓ `રિક્વેસ્ટ ફોર ધ ફર્ધર ઈવિડેન્સ (આરએફઈ)' મોકલાવે છે અને વધુ જાણકારી માગે છે. એનો જવાબ એ નોટિસની અંદર જણાવેલ સમયની અંદર આપવાનો રહે છે. અનેક વાર જો ઈમિગ્રેશન ખાતાને એવું લાગે કે કે-1 પિટિશન એપ્રૂવ કરવા જેવી નથી તો તેઓ `નોટિસ ટુ ઈન્ટેન્ટ ટુ ડિનાઈ (એનઆઈડી)' પણ મોકલાવે છે. આનો પણ પિટિશન દાખલ કરનાર અમેરિકન સિટીઝન જવાબ આપીને વિરોધ કરી શકે છે.

કે-1 પિટિશન એપ્રૂવ થાય, જેના લાભ માટે એ દાખલ કરવામાં આવ્યું હોય એને ઈન્ટરવ્યૂ આપ્યા બાદ કે-1 વિઝા આપવામાં આવે અને એ ભારતીય વ્યક્તિ અમેરિકામાં જઈને લગ્ન કરે ત્યારબાદ એના અમેરિકન પતિ/પત્ની એના લાભ માટે જે ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરે એમાં પણ `રિક્વેસ્ટ ફોર ધ ફર્ધર ઈવિડેન્સ' અને `નોટિસ ઑફ ઈન્ટેન્ટ ટુ ડિનાઈ' મોકલવામાં આવી શકે છે અને આ મુજબ એડ્જસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની પિટિશનમાં પણ `આરએફઈ' અને `એનઆઈડી' મોકલવામાં આવી શકે છે. ઈમિગ્રન્ટ વિઝાની પિટિશન એપ્રૂવ થતાં લગભગ બારથી ચોવીસ મહિના લાગે છે. એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની પિટિશન પણ એ પિટિશનની સાથે સાથે દાખલ કરી શકાય છે. અનેક વાર એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની પિટિશન ઉપર નિર્ણય લેતાં પહેલાં પિટિશનર યા બેનિફિશિયરી યા બંનેને પર્સનલ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.

આમ, અમેરિકામાં જઈને અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરવાં હોય અને પછી ત્યાં કાયમ રહેવું હોય તો, ત્રણ પિટિશન દાખલ કરવી પડે છે અને અમેરિકન એટર્નીઓ એ ત્રણે માટે જુદી જુદી ફી લેતા હોય છે. આટલું જ નહીં, પણ તેઓ `આરએફઈ' અને `એનઆઈડી'ના જવાબો આપવા માટે પણ અલગથી ફી લેતા હોય છે. કે-1 વિઝાનું ઈન્ટરવ્યૂ ભારતમાં આપવાનું રહે છે. ભારતીય વ્યક્તિની બધી બાતમી અમેરિકન એટર્નીઓ મેળવી નથી શકતા તેમજ એ ભારતીય વ્યક્તિને પર્સનલી મળીને એ વ્યક્તિ કેવી છે એ જોઈને જાણી નથી શકતા. તેઓને ભારતની ઓફિસની કાર્યપદ્ધતિ તેમજ ઓફિસમાં કાર્ય કરતા કોન્સ્યુલર ઓફિસરના વિચારોની જાણ નથી હોતી. આથી કે-1 વિઝાની પિટિશન અને ત્યારબાદ દાખલ કરવી પડતી ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી અને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ, આ બે પિટિશન પણ ભારતીય એડ્વોકેટ આગળ દાખલ કરાવવી ઉચિત હોય છે. અમેરિકન એટર્નીઓને ફી ડોલરમાં આપવાની રહે છે, જ્યારે ભારતીય એડ્વોકેટની ફી રૂપિયામાં આપવાની રહે છે અને એમની ફી અમેરિકન એટર્નીઓ કરતાં ખૂબ ઓછી હોય છે.