વર્ષો પહેલાં એકલ તારા રાજ્ય(lone star state)માં કોલેજના વિદ્યાર્થીઓના એક જૂથે કેમ્પસમાં એક રમૂજ આધારિત ક્લબ બનાવ્યું હતું. આ જૂથને નાઈટહૂડ ઓફ બુહ કહેવામાં આવતું હતું અને હતું ઓસ્ટિન, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ખાતે. 1980ના દાયકામાં આ જૂથના વિદ્યાર્થીઓ ભેગા થઈ આવનાર ફાઇનલ સીઝનના અંતની ઉજવણી કેવી રીતે કરવી તેનો વિચારવિમર્શ કરતા હતા. પ્રતિભાશાળીઓ (!)ના વિચારવિમર્શમાંથી એક વિચાર આવ્યો કે ફાઇનલ સીઝનના અંતની ઉજવણી કરવાનો એક શ્રેષ્ઠ રસ્તો છે. જોકે, આ વિચાર એ કોલેજના સમયની મજાક, જેનો ઈરાદો ફક્ત કેમ્પસમાં ખળભળાટ મચાવવાનો હતો, પરંતુ થયું એવું કે દર વર્ષે તેની ઉજવણી થતી રહી જ્યાં સુધી આ વિચારે આગ પકડી ન લીધી અને વર્ષ આવ્યું ઈ.સ. 2000 જ્યારે એક કોલેજના, એક જૂથ દ્વારા અમલમાં મુકાયેલો, મસ્તીખોર વિચાર વિશ્વભરમાં ફેલાઈ ગયો. આ ટીખળખોર વિચાર હતો, સૌથી વધુ સ્પષ્ટ રીતે સ્વતંત્રતાની ઉજવણી કરવી ટ્રાઉઝર ઉતારીને, વિચારને નામ આપવામાં આવ્યું હતું `નો પેન્ટ્સ ડે'
આનો અર્થ એ થાય કે તમે પેન્ટ અને ટ્રાઉઝર સિવાય શોર્ટ્સ, સ્કર્ટ્સ, ડ્રેસ ગમે તે પહેરી શકો છો જેનાથી તમારા પગ પવનનો અનુભવ કરી શકે. તે મોટાભાગે મે મહિનાના પહેલા શુક્રવારે (આ વર્ષે બીજી તારીખ) ઊજવવામાં આવે છે અને તેમાં મોટાભાગે જાહેરમાં શરીરના નીચેના ભાગ પર ફક્ત અન્ડરગાર્મેન્ટ્સ પહેરવાનો સમાવેશ થાય છે, નગ્નતા નહીં. લોકોને હસાવવા સિવાય આ રજા સામાન્ય રીતે અન્ય કોઈ હેતુ કે કાર્યસૂચિ પૂરી પાડતી નથી.
2003 પછી કેનેડાના કેટલાક ભાગો તેમજ ફ્રાન્સ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ અને બ્રિટનમાં લોકપ્રિયતા મળી. એટલું જ નહિ જેની શરૂઆત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટરના અંતે એક અનૌપચારિક ઉજવણી તરીકે થઈ હતી તે હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં એક બિનસત્તાવાર રજા છે. ભાગ લેનારાઓને જાહેરમાં પેન્ટ પહેર્યા વિના પોતાનો દિવસ વિતાવવા માટે આહ્વાન કરે છે, જાણે પેન્ટ ન પહેરવું એ સામાન્ય બાબત છે. 2004માં કેનેડિયન સંગીત નિર્માતા એન્ડ્રુ હુઆંગે નો પેન્ટ્સ ડેના રમૂજની ઉજવણી માટે `MC અંડરવેર' તરીકે રેપ કરીને `નો પેન્ટ્સ!' ગીત રેકોર્ડ કર્યું અને `સોંગ્સ ટુ વેર પેન્ટ્સ ટુ' વેબસાઇટ શરૂ કરી.
એક સ્ટેપ આગળ વધતા વાર્ષિક ધોરણે જાન્યુઆરીમાં આયોજિત `નો પેન્ટ્સ સબવે રાઈડ' (જેને યુકેમાં `નો ટ્રાઉઝર ટ્યૂબ રાઈડ' કહે છે) નો ઉદ્ભવ થયો, જ્યાં લોકો ટ્રાઉઝર પહેર્યા વિના રેપિડ ટ્રાન્ઝિટ અથવા સબવે પર મુસાફરી કરે છે. 2002માં ન્યૂયોર્કમાં શરૂ થયેલી આ ઘટના 2013 સુધીમાં સાઠ જેટલાં શહેરોમાં ફેલાઈ ગઈ હતી. પ્રથમ નો પેન્ટ્સ સબવે રાઈડ 2002માં ન્યૂયોર્ક સિટી સબવે પર સાત સવારો સાથે શરૂ થઈ હતી.2006માં ન્યૂયોર્ક સિટીમાં 150 લોકોએ ભાગ લીધો હતો. તે કાર્યક્રમ દરમિયાન અવ્યવસ્થિત વર્તન માટે આઠ લોકોને હાથકડી પહેરાવવામાં આવી હતી, પરંતુ પાછળથી આરોપો રદ કરવામાં આવ્યા હતા.
કેટલાક આયોજકોએ પાછળથી તેનો ઉપયોગ સામાજિક મુદ્દાઓ ઉઠાવવા માટે કર્યો છે. કિંગ ફીચર્સ સિન્ડિકેટ દ્વારા કોવિડ-19 રોગચાળાથી અસંતુષ્ટ ડ્રેસ ફોર સક્સેસ અને કોમ્યુનિટી થ્રિફ્ટ શોપ્સ જેવી કપડાંની સખાવતી સંસ્થાઓને ટેકો આપવાના સંકલિત પ્રયાસના ભાગ રૂપે, 2021માં 25થી વધુ કાર્ટૂનિસ્ટોએ નો પેન્ટ્સ ડે ઊજવ્યો હતો.
`નો પેન્ટ્સ ડે', `નો પેન્ટ્સ સબવે રાઈડ' કે `નો ટ્રાઉઝર ટ્યૂબ રાઈડ'નો મૂળ હેતુ થોડીક રમૂજ ફેલાવવાનો જ છે, બીભત્સતા, અશ્લીલતા દેખાડવાનો નહિ. અલબત્ત ત્યાં લોકો આ સમજે છે, ત્યાં લોકો આ વાતને અશ્લિલતામાં નથી ખપાવતા. ન્યૂયોર્ક, લંડન અંડરગ્રાઉન્ડમાં અન્ડરવેર પહેરીને સ્ત્રી-પુરુષ સહભાગીઓ સવારી કરે છે ત્યારે આનંદ અને રમૂજ લાવે છે, પરંતુ આપણા દેશમાં માત્ર અન્ડરવેર પહેરીને ફરવું બીભત્સ હોવાપણું, જુગુપ્સોત્પાદક જ ગણાય છે, સંસ્કૃતિનો ફરક છે.