વાનીમાં જગતને બદલી નાખવાનું જોશ ઘણામાં પ્રગટે. રશિયન લેખક ટોલ્સ્ટોયમાં પણ પ્રગટ્યું, પરંતુ પછી 34ની ઉંમરે લગ્ન કર્યાં બાદ ટોલ્સ્ટોય પૂરેપૂરા સાંસારિક જીવનમાં, પોતાની મોટી જાગીરના કામકાજમાં તથા નવલકથા લેખનમાં પરોવાઈ ગયા. લગ્નએ ટોલ્સ્ટોયને ઊંડી આંતરિક અકળામણમાંથી ઉગારી લીધા. 15 વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું, પણ 50ની ઉંમરની નજીક પહોંચતાં સુધીમાં નવા સવાલોએ માથું ઊંચક્યું: આ બધું શા માટે? અને હવે પછી શું? શરૂઆતમાં તો ટોલ્સ્ટોયને આ સવાલો વેવલા અને બાલિશ લાગેલા, પરંતુ પછી એમને લાગ્યું કે આ તો ઊલટાના જીવનના સૌથી મહત્ત્વના પ્રશ્નો છે.
ટોલ્સ્ટોયના શબ્દોમાં...
આ એવા સવાલો હતા જે રાહ જોવા તૈયાર નહોતા. જવાબ તમારે આપવા જ પડે. નહીંતર તમે જીવી ન શકો અને જવાબો મારી પાસે નહોતા.
મારી જિંદગી જાણે થીજી ગઈ. અલબત્ત, શ્વાસ લેવાનું, ખાવા-પીવાનું અને ઊંઘવાનું ચાલુ જ હતું, કારણ કે એના વિના ચાલે તેમ નહોતું, પરંતુ મારી અંદરનો જીવનરસ સાવ જ સુકાઈ ગયો હતો. જેને પૂરી કરવાનું મન થાય એવી કોઈ ઈચ્છા મારામાં જાગી રહી નહોતી. એ એવો તબક્કો હતો જ્યારે કોઈ જાદુગરે આવીને મને કહ્યું હોત કે, `માંગ માંગ, માંગે તે આપું', તો મને સૂઝ્યું જ ન હોત કે મારે શું માંગવું. હા, ક્યારેક નશાની અવસ્થામાં ઈચ્છાઓ તેની આદત પ્રમાણે જાગતી ખરી, પણ નશા વિનાની શાંત અવસ્થામાં મને સમજાતું કે ઈચ્છવા જેવું કશું છે જ નહીં. મને ઇવન સત્ય જાણવાની પણ ઈચ્છા નહોતી રહી, કારણ કે સત્ય મને સમજાઈ ચૂક્યું હતું. સત્ય એ જ હતું કે જિંદગીનો કોઈ અર્થ નથી.
હાલત એવી હતી કે ચાલતાં-ચાલતાં હું ખાણની ધાર પર પહોંચી ગયો હતો. મને દેખાયું કે આગળ હવે વિનાશ-પતન સિવાય બીજું કશું જ નથી. છતાં અટકવું શક્ય નહોતું. પાછા ફરવાનું પણ શક્ય નહોતું. આગળ કેવળ સુખના ભ્રમ છે, પીડાઓ છે અને અંત છે. આ બધું જોવું ન પડે એ માટે આંખો બંધ કરીને વાસ્તવિકતાનો અસ્વીકાર કરવાનું પણ મારા માટે શક્ય નહોતું.
ટૂંકમાં, તંદુરસ્ત અને સુખી હોવા છતાં મને એવું લાગવા માંડ્યું કે હવે હું જીવી નહીં શકું. જેની સામે હું લડી શકું તેમ નહોતો એવી એક પ્રચંડ શક્તિ મને જીવનથી દૂર ખેંચી જઈ રહી હતી. રોજિંદી દુન્યવી ઈચ્છાઓ કરતાં જીવનથી મને દૂર ખેંચી જનારી આ શક્તિનું જોર ઘણું વધારે હતું. અગાઉ જુવાનીમાં જે રીતે એક શક્તિ મને જીવનની તરફ ખેંચતી હતી એવી જ, પરંતુ એનાથી એક ઊંધી દિશાની, એક શક્તિ મને હવે જીવનથી દૂર ખેંચી રહી હતી. હું જીવનથી મુક્ત થવા માટે અતિ ઉત્સુક બની રહ્યો હતો.
અગાઉ જે રીતે મને જીવનને સારું અને પરફેક્ટ બનાવવાના વિચારો આવતા હતા એટલી જ સાહજિકતાથી હવે મને મરી જવાના વિચારો આવવા લાગ્યા. જીવનના અંતના વિચારોનું આકર્ષણ એટલું પ્રબળ બન્યું કે હું ક્યાંક કોઈ અવિચારી પગલું ન ભરી બેસું એ બાબતે મારે સાવધ બનવું પડ્યું. હું ઉતાવળ કરવા માગતો નહોતો. મરતા પહેલાં મારે આ મુદ્દો (જીવતરનો કોઈ અર્થ છે કે નહીં એ) ઉકેલવો હતો. હું મારી જાતને સમજાવવા લાગ્યો કે ભલે અત્યારે આ પ્રશ્નનો મને ઉકેલ ન મળે, પરંતુ આગળ જતાં ઉકેલ કદાચ મળી પણ રહે, હજુ મારી પાસે સમય છે.
હું ક્યાંક આપઘાત ન કરી બેસું એ ડરથી મારે કેટલીક તરકીબો કરવી પડી. જેમ કે, રાતે કપડાં બદલવા હું જે કમરામાં જતો ત્યાં પડેલું એક દોરડું મેં દૂર મુકાવી દીધું. મને બીક લાગી કે બે કબાટની વચ્ચેના બીમ સાથે એ દોરડું બાંધીને હું આપઘાત કરી બેસીશ. એ જ રીતે શિકારે જતી વખતે મેં સાથે રાઇફલ લેવાનું પણ બંધ કરી દીધું, કારણ કે રાઇફલ વડે જાતને ગોળી મારીને છુટકારો મેળવવાનું બહુ આસાન હતું.
મને પોતાને જ સમજાતું નહોતું કે મારે શું જોઈતું હતું. એક તરફ હું જિંદગીથી દૂર ભાગતો હતો અને બીજી તરફ આ જ જીવનમાંથી હજુ કશું મળી શકે એવી મને આશા હતી.
આ બધું એવા સમયે બની રહ્યું હતું જ્યારે હું ચારે બાજુએથી સુખના પ્રતીકોથી ઘેરાયેલો હતો. હજુ હું 50નો થયો નહોતો. ઘરમાં એક ભલી, પ્રેમાળ અને વહાલી પત્ની હતી. પ્યારાં મજાનાં બાળકો હતાં. મારી સમૃદ્ધ જાગીર મારા પક્ષેથી ઝાઝા પ્રયત્નો વિના પણ સરસ રીતે વિકસી-વિસ્તરી રહી હતી. સગાંસંબંધીઓ અને મિત્રો તરફથી મને અગાઉ ક્યારેય નહોતું મળતું એટલું માન મળી રહ્યું હતું. અજાણ્યા લોકો મારાં વખાણ કરતા હતા. હું કોઈ ભ્રમણામાં રાચ્યા વિના એવું માની શકું તેમ હતો કે હું એક સેલિબ્રિટી છું.
મારાં તન-મનમાં કોઈ માંદગી નહોતી. અસલમાં મારી ઉંમરના અન્ય લોકો કરતાં મારાં તન-મન વધુ તંદુરસ્ત હતાં. ખેતરમાં હું ક્યારેક મજૂરો સાથે કામ કરવામાં જોડાતો ત્યારે એમનાથી જરા પણ પાછળ નહોતો પડતો. મારું મન એટલું તંદુરસ્ત હતું કે આઠ-દસ કલાકના માનસિક શ્રમથી પણ હું થાકતો નહોતો.
આ પ્રકારે બધી જ રીતે, બધા જ પ્રકારની અનુકૂળતા છતાં મને લાગ્યું કે આમ ને આમ જીવ્યા કરવાનું હવે મારા માટે શક્ય નથી. આવામાં મોતનો મને ડર લાગતો હોવાથી મારે આત્મહત્યાથી બચવાની તરકીબો કરવી પડી.
આ કેવું? સુખ, સાહેબી, સિદ્ધિ, પ્રસિદ્ધિ, તંદુરસ્તી વગેરે બધું જ હોવા છતાં માણસને જીવન અકારું લાગે એ વાત ઝટ ગળે ઊતરે એવી નથી. માણસ 70-75ની વય વટાવ્યા પછી નિર્લેપતા અને વૈરાગ્ય તરફ ઢળે એ હજુ પણ સમજી શકાય, પરંતુ હજુ જેને 50 વર્ષ પણ નહોતાં થયાં એવા ટોલ્સ્ટોયને જીવતરનું અને જગતનું મિથ્યાપણું ખૂંચવા લાગે અને એ હદે ખૂંચે કે એમને આપઘાત કરી બેસવાનો ડર લાગે, એ વાત આસાનીથી સમજાય તેવી નથી, પણ વાંધો નહીં. ધીરજ રાખો. આત્મકથામાં હવે પછીનું લખાણ વાંચીને આ બાબત આસાનીથી સમજી શકાશે.
અહીં એક ખાસ સ્પષ્ટતા કે ચેતવણી કે જે કહો તે, ટોલ્સ્ટોયે આપઘાત પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવેલું અને `નિરર્થક જીવન સાથે પનારો પાડવાની ચારમાંની એક રીત' તરીકે આત્મહત્યાને વિકલ્પરૂપે નોંધેલી પણ ખરી, પરંતુ આપણે ભૂલેચૂકે પણ આપઘાત કરવો નહીં, કારણ કે આ વિકલ્પ ખોટો છે. એ ન ભૂલવું કે ટોલ્સ્ટોયે પોતે આત્મહત્યા કરી નહોતી. એમણે તો આગળ જતાં પોતાના માટે અને માનવજાત માટે જીવનને સારી રીતે જીવવાનો માર્ગ પ્રશસ્ત કરેલો. એટલે જ તો એમની આત્મકથાની અહીં વાત માંડી છે.
