સલીમ દુરાની બે વર્ષ પહેલાં ગુજરી ગયા. જીવનના છેલ્લા દાયકા દરમિયાન તેઓ જરા દુઃખી હતા. એક વખત સલીમ દુરાનીએ કહ્યું હતું કે, `અમારા જમાનામાં ક્રિકેટરોને ન તો પૈસા મળતા, ન પબ્લિસિટી.'

 સલીમ દુરાની એમના જમાનાના ક્રિકેટ સ્ટાર હતા. એમના વિશે કહેવાતું કે કોઈ સુંદર કન્યા એમને સ્ટેડિયમની જે દિશામાં સિક્સર મારવાનું કહે તે દિશામાં એ છગ્ગો મારી શકતા. હેન્ડસમ એટલા કે હિન્દી ફિલ્મમાં હીરો તરીકે પણ આવ્યા.

 આ નિવેદન આપ્યું એ વખતે સલીમ દુરાની 82 વર્ષના હતા. 88 વર્ષે ગુજરી ગયા. એમની વાત સાચી એ રીતે કે એમના જમાનામાં જેટલા પૈસા અને જેટલી ફેમ ક્રિકેટરોને મળતી એના કરતાં અત્યારના ક્રિકેટરોને એ બેઉ ઘણાં અધિક મળે છે. તે વખતે જોકે સાવ એવું નહોતું કે પૈસા મળતા જ નહીં કે પ્રસિદ્ધિ પણ મળતી નહીં. સરખામણી કરો ને થોડી અતિશયોક્તિ ઉમેરો તો એવું લાગે કે તે વખતે કશું મળતું નહોતું.

સલીમ દુરાનીના જમાના અને અમિતાભ બચ્ચનના જમાના વચ્ચે ખાસ કંઈ અંતર નથી. એકાદ દાયકા જેટલો. બચ્ચનજી આઠ વર્ષ નાના. બચ્ચનજીને તમે કોઈ દિવસ એવું કહેતા સાંભળ્યા છે કે અમારા જમાનામાં ફિલ્મસ્ટાર્સને અત્યારે મળે છે એટલા પૈસા કે એટલી ફેમ નહોતી મળતી? હાલાકિ, એ સત્ય છે. 1974માં બચ્ચનજીએ `શોલે' સાઈન કરી ત્યારે આખી ફિલ્મ માટેનું એમનું મહેનતાણું એક લાખ રૂપિયા જેટલું હતું. સલીમ દુરાનીએ આ ફરિયાદ કરી તે જ સમયે સમાચાર આવ્યા હતા કે અક્ષયકુમાર હવે ફિલ્મોમાં પાર્ટનરશિપ લેવાને બદલે દહાડિયું માગશે. દિવસના એક કરોડ અને આ તો અક્ષયકુમાર છે. શાહરુખ-સલમાન કે આમિર નહીં. ક્યાં એ જમાનામાં બચ્ચનજી જેવા બચ્ચનજીને આખી ફિલ્મના (અને તે પણ `શોલે' જેવી બિગ બજેટ ફિલ્મના) એક લાખ રૂપિયા અને ક્યાં એક દિવસના એક કરોડ. અક્ષયકુમારનું કામ ફિલ્મમાં 30થી 35 દિવસ જેટલું હોય એટલે એને ફિલ્મ દીઠ લગભગ 30-35 કરોડ રૂપિયાનું મહેનતાણું મળે.

બચ્ચનજી ક્યારેય આવી સરખામણી નથી કરતા એનું કારણ શું? કારણ કે બચ્ચનજી હજુય એક્ટિવ છે. સલીમ દુરાનીનું સ્ટેટમેન્ટ વાંચ્યું એ જ દિવસે છાપામાં ફિલ્મના પાને બચ્ચનજી સાથે હાથ મિલાવવા પડાપડી કરતા એમના ચાહકોનો ફોટો જોયો. બચ્ચનજીએ હજુય પોતાની જાતને પોતાના ક્ષેત્રમાં રિલેવન્ટ રાખી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને કે એક્ટિંગ છોડીને એ બીજે ક્યાંય ગયા નથી, નિવૃત્તિ પણ લીધી નથી, અનેક શારીરિક તકલીફોનો સામનો કર્યો, આર્થિક વિટંબણાઓનો પણ અને પોતાના કરતાં અધિક ટેલેન્ટેડ એવી નવી પેઢી સાથે પણ હસતા મોઢે કોઈ કડવાશ વિના કે કોઈનેય ઉતારી પાડ્યા વિના કામ કર્યું, હજુય કરતા રહે છે. સલીમ દુરાની જેવો વિચાર એમને પણ ક્યારેક આવતો હશે તો તે આવીને ઊડી જતો હશે. મનમાં લિન્ગર થયા કરતો નહીં હોય અને એટલે જ એવો વિચાર પ્રગટ થવાના સ્ટેજ સુધી પહોંચતો જ નહીં હોય.

જિંદગીમાં જે લોકો પોતાનું રિલેવન્સ ગુમાવી બેસે છે તેઓ `અમારા જમાના'ને યાદ કરતા રહે છે. અમારા જમાનામાં તો આમ હતું ને હવે જુઓ કેવો જમાનો આવ્યો છે. આપણે સમજતા જ નથી કે જમાનો ક્યારેય રાતોરાત બદલાતો નથી. હર પળ, હરેક સેકન્ડે એ બદલાતો રહે છે. તમારે તમારી જાતને વર્ષે બે વર્ષે એક વાર નહીં પણ દિવસમાં બે વાર અપડેટ કરવી પડે છે. જો એવું નહીં કરો તો સડનલી એક દિવસ તમે ઊઠશો અને સલીમ દુરાનીની માનસિકતા સાથે તમારી જાતને આઈડેન્ટિફાય થતી જોશો.

નવાનો ઈન્કાર નહીં અને જૂનાને વળગી રહેવું નહીં. મારા હિસાબે આ સૂત્ર છે, જો તમારે પણ બચ્ચનજીની જેમ આજની તારીખે પણ રિલેવન્ટ રહેવું હોય તો. જૂના સંબંધો, સ્મૃતિઓ, ચીજવસ્તુઓ, રીતરસમો, આદતો, નીતિનિયમો વગેરેને ચોક્કસ આદર આપીએ. એ તો મૂડી છે આપણી, પણ એ સૌને જડની જેમ વળગી ન રહીએ. સેલફોનમાં જેમ નવાં નવાં વર્ઝન અપનાવતાં જઈએ છીએ, કમ્પ્યૂટર્સમાં જેમ ઓપરેટિંગ સિસ્ટમ્સને અપડેટ કરવાની કાળજી રાખીએ છીએ એમ આ સઘળી જૂની મૂડીને પણ અપડેટ કરતા રહીએ.

નવું બધું જ અપનાવવા જેવું નથી હોતું, પણ નવું બધું જ નકારવા જેવું પણ નથી હોતું. વીસ વર્ષે કદાચ લાગે કે નવું બધું જ અપનાવી લેવું છે, જેના લીધે કોઈક બાબતમાં ક્યારેક નુકસાન પણ થાય, પરંતુ ત્રીસ-ચાળીસ કે પચાસ વર્ષે તમારી પાસે અનુભવ છે જે તમને ગાઈડ કરે છે કે નવામાં શું અપનાવવા જેવું છે, જૂનામાંથી શું સાચવી રાખવા જેવું છે.

અનુભવો ત્યારે જ કામ લાગે જ્યારે દિમાગની ખિડકી ખુલ્લી રાખી હોય. આ દિમાગની ખિડકી ખુલ્લી રાખવી એટલે શું? આ: હું તો આમ જ કરું અને બાપ જન્મારે તેમ ન જ કરું એવી જીદમાંથી મુક્તિ મેળવવી. તમે અત્યાર સુધી જે રીતે વિચારતા રહ્યા અને કામ કરતા રહ્યા તેની પદ્ધતિને જડબેસલાક વળગી રહેવાને બદલે એક્સપરિમેન્ટ કરતા રહો. ઘણું ઘણું નવું જાણવાનું મળશે, શીખવાનું મળશે. શીખ્યા પછી જિંદગીમાં એને કાયમ માટે અપનાવો, ન અપનાવો એ તમારી મરજી છે, પણ પહેલાં જાણીએ તો ખરા કે આપણે જે રીતે વિચારીએ છીએ કે જે રીતે કામ કરીએ છીએ એના કરતાં જુદી એવી કઈ રીતે અત્યારે દુનિયા વિચારે છે, કામ કરે છે.

ફેવરેટ્સ બધાના જીવનમાં હોય. ફૂડ, કલર્સ, સ્ટાઈલ, મ્યુઝિક, પણ જે કલર્સ મારા ફેવરિટ છે એના કરતાં જુદા રંગ ટ્રાય કરીશ તો ક્યાં દુનિયા ઊંધીચત્તી થઈ જવાની છે. જે મ્યુઝિક હું વર્ષોથી સાંભળતો આવ્યો છું એના કરતાં જુદું એવું આજનું મ્યુઝિક હું સાંભળીશ તો મારા ટેસ્ટમાં કોઈ ગાબડું નથી પડી જવાનું. જે લેખકો- કવિઓ મારા વર્ષોથી ફેવરેટ રહ્યા છે એ ઉપરાંતના નવા સર્જકોને હું વાંચીશ તો એમના કરતાં વધારે ફાયદો મને થવાનો છે. ઈવન ફૂડની બાબતમાં મારા વર્ષોથી ઘડાયેલા આગ્રહોમાં જો હું બાંધછોડ કરતો થઈશ તો હું વધારે સારી જિંદગી જીવી શકીશ,

વધારે સારો ટ્રાવેલર બની શકવાનો. વિદેશમાં જ નહીં, ભારતમાં કે ઈવન ગુજરાતમાં ચિક્કાર રખડપટ્ટી કરવી હશે તો પણ આવી બાંધછોડ કામ લાગવાની.

સલીમ દુરાનીને બદલે અમિતાભ બચ્ચન જેવી માનસિકતાવાળી જિંદગી તમારે જોઈતી હોય તો આટલું તો મિનિમમ કરવું પડે.

એક નાનકડી વાત સાથે પૂરું કરીએ. આ વિશે લેખ લખતા પહેલાં હું કેટલાક મિત્રો સાથે આ જ મુદ્દે વાતચીત કરતો હતો ત્યારે એક મિત્ર બોલ્યો: `અમિતાભ બચ્ચનને સલીમ દુરાની સાથે કેમ સરખાવી શકાય? બંનેનું ક્ષેત્ર અલગ છે, કોઈ ક્રિકેટર ચાહે તો પણ 40 વર્ષથી વધુની ઉંમર સુધી રમી ન શકે, ધોની જેવા અપવાદ તો જૂજ હોય. એક્ટર તો લીડ રોલ ન મળે તો ચાલો કેરેક્ટર રોલ કરીને પેટિયું રળી લે.' ગાવસ્કર, શાસ્ત્રી, સિદ્ધુ વગેરે રમ્યા ત્યાં સુધી ન કમાયા એટલું નિવૃત્તિ પછી કમેન્ટર કે કોચ બનીને કમાયા. ક્યાં છે ફારુખ એન્જિનિયર? રોજર બિન્ની? યશપાલ શર્મા? મદનલાલ? ઈવન કપિલ દેવને પણ ચોવીસ કલાક ચાલતી `ઈન્ડિયાઝ બેસ્ટ ન્યૂઝ ચેનલ' પર સગવડિયાં નિવેદનો આપવાં પડે છે. પ્રભાકરની જેમ ગદ્દારી કરવા જાય તો પેન્શન પણ જાય. કોઈ ઓલ્ડ એરાના એક્ટરને આવી મુશ્કેલી નથી પડી. મનોજકુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર.

મેં એ મિત્રને બોલવા દીધો અને હું ધીરજ રાખીને શાંતિથી એને સાંભળી રહ્યો. એની વાત પૂરી થઈ એટલે મેં કહ્યું: `તમે ઉદાહરણને પકડીને બેસી રહેશો તો મૂળ સુધી ક્યારેય નહીં પહોંચી શકો. વાત આ ક્રિકેટર કે તે એક્ટરની નથી, આપણી પોતાની માનસિકતાની છે, એને સમજીને જો બદલવાની જરૂર લાગે તો તેમ કરવાની કેટલીક ટિપ્સ આપી છે. દૃષ્ટાંતો અને ઉદાહરણો સ્ટાર્ટર કહેવાય. ગાડી સ્ટાર્ટ થઈ ગયા પછી લોજિકનું એક્સલરેટર દબાવીને એને ગંતવ્ય સ્થાન સુધી લઈ જવાની હોય. આ યાત્રામાં પછી સ્ટાર્ટરની જરૂર ન પડે અને જો વારેઘડીએ જરૂર પડી તો એને ગેરેજમાં લઈ જવાની, અન્યથા આ રીતે ઠોકી દઇએ તો આપણને જ નુકસાન થાય.'

આ લેખ માટે જ નહીં, પરંતુ મારાં બધાં જ લખાણોને આ વાત લાગુ પડે છે. એટલે જ હું મોટાભાગે ઉદાહરણો, દાખલાઓ કે કિસ્સાઓ લખવાનું ટાળું છું. થોડું અઘરું લાગે સમજવાનું, પણ સુજ્ઞ વાચકો બધું જ સમજી જતા હોય છે, જો ટૂંકમાં કહીએ તો!

સાયલન્સ પ્લીઝ!

લોકો જે સાચું છે તેની તરફેણ નથી કરતા, જે તેમને પસંદ છે તેનો જ પક્ષ લે છે.